એલોપેથીની લોબી આયુર્વેદ પર ભારે પડીઃ પતંજલિ મુશ્કેલીમાં
- આયુર્વેદને દબાવી દેવાનો જાહેર પ્રયાસ
- અમેરિકાની કંપનીએ સંશોધન કર્યું હોત તો વાહ વાહી થાત પરંતુ અહીં તો યોગવિધનું સંશોધન હતું
પ્રસંગપટ
આયુર્વેદ પ્રત્યેની સૂગ એલોપેથીએ માર્કેટીંગ મારફતે ઉભી કરી છે. સતત તેની ટીકા ટીપ્પ્ણ કરવામાં આવતી હતી. નવી પેઢીમાં આયુર્વેદ પ્રત્યે નફરત ઉભી કરાઇ છે. બાબા રામદેવને થેંક્સ એટલા માટે કહેવા જોઇએ કે તેમણે આયુર્વેદ પ્રોડક્ટ ધ્વારા મલ્ટીનેશનલ કેંપનીઓને પડકારી છે. વિશ્વ જ્યારે કોરોનાથી ત્રસ્ત છે ત્યારે પતંજલીએ કોરોનાના મારણ સમાન દવાઓ રિસર્ચ કરીને શોધી ત્યાં તો એલોપેથીના લોબી વિરોધમાં આવી ગઇ હતી. પતંજલિની દવાઓ સામે આયુષ મંત્રાલયેજ વાંધા ઉઠાવ્યા હતા અને બિહારમાં તો એફઆઇઆર પણ કરી દેવાઇ હતી.
કોઇ દવાનું સંશોધન કોઇ રીતે ગુનો બનતો નથી પરંતુ એલોપેથી વાળા એમ માને છે કે અમારાથી આગળ આયુર્વેદ ના નીકળવું જોઇએ. જો કે આ લોકોને એ ખબર નથી કે આજકાલ કોરોના કાળમાં લોકો રોજ સવારે હળદર,મરી,મીઠું, સૂંઠ વગેરે પર વધુ આધાર રાખતા થયા છે. આ બધા આયુર્વેદ સાથે જોડાયેલા છે.
ભારત સરકારે સમગ્ર ઘટનામાં મૌન ધારણ કરી લીધું છે કેમકે આયુષ મંત્રાલયે કાચું કાપ્યું છે. એલોપેથી લોબીના દબાવમાં આવીને આયુષ મંત્રાલયે નિવેદનો આપ્યા હોવાનું મનાય છે.ચરક સંહિતા અને ભગવાન ધન્વંતરી હવે પૂંજાતા થયા છે.દિલ્હીમાં કોરોના બેકાબુ છે તો પશ્ચિમ બંગાળમાં ૩૧ જુલાઇ સુધી લોકડાઉન લંબાવાયું છે. આર્થિક રાજધાની મુંબઇમાં સ્ફોટક સ્થિતિ છે.આવા સમયમાં કોરોનાના મારણની જરૂર હતી. બાબા રામદેવની કંપનીએ મંજૂરી માંગી હતી પરંતુ તે ઇમ્યુનિટી ડેલવોપ માટેની હતી. દવા બજારમાં નથી આવી કોઇએ તે ખાધી નથી તેમ છતાં મહારાષ્ટ્ર સરકારે તેને વેચવા નહીં દેવાય એમ જણાવ્યું છે.
પાયા વિનાનો આ વિરોધ દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે. હકીકત એ છે કે પતંજલીની પ્રોડક્ટ્સે એલોપેથી દવાઓ અને અન્ય પ્રોડક્ટનો મૃત્યુુ ઘંટ વગાડી દીધો છે. ઉદાહરણ તરીકે પતંજલીની દંત ક્રાંતિએતો ટુથપેસ્ટ બનાવતી મલ્ટીનેશનલોને આંખે પાણી લાવી દીધા છે. આવી મલ્ટીનેશનલ વિશ્વમાં અનેક દવાઓના સંશોધનો થાય છે અને જ્યારે તે બજારમાં આવે છે અને ફ્લોપ જાય છે ત્યારે તેની કોઇ નોંધ પણ નથી લેતું પરંતુ પતંજલિ સામે આટલો બધો રોષ પ્રથમવાર જોવા મળ્યો છે.
કોરોના વાઇરસના કાળમાં કોઇ પણ મારણ હીલીંગ ટચ સમાન હતું. અમેરિકાએ જ્યારે ક્લોરોક્વીન ફોસ્ફેટ અસરકારક છે એમ કહીને ભારતને એાર્ડર આપ્યો ત્યારે કોઇએ વાંધો નહોતો ઉઠાવ્યો. ત્યારે સપ્લાય આપવામાં ભારતે મોડું કર્યું તો અમેરિકાના પ્રમુખે એમ કહ્યું હતું કે અમે ભારત પર પ્રતિબંધના પગલાં લઇશું.
ભારતની કંપનીઓ ખાસ કરીને ગુજરાતની કંપનીઓ તે દવાઓ મોકલવાની હતી. પરંતુ તે એલોપેથી સાથે જોડાયેલી હોઇ કોઇ વિરોધ નહોતો કર્યો. કોરોના સામેના જંગમાં દરેક દેશના લોકો ખાસ કરીને ેઅમેરિકાના વિજ્ઞાાનીઓ સંશોધન કરતા હતા. ગુજરાતની કંપનીઓ પણ સંશોધનમાં જોડાઇ હતી પરંતુ એવું લાગે છે કે સંસોધનોમાં સફળતા મળી નહોતી.
બાબા રામદેવે સૌને ચોંકાવી દીધા હતા. કોરોના વાઇરસ ક્ષેત્રે ભારતને ગૌરવ પ્રાપ્ત થાય તેવું પશ્ચિમના દેશો પણ નહોતા ઇચ્છતા. પંદર દિવસ પહેલાંજ અમેરિકાના પ્રમુખે એવી જાહેરાત કરી હતી કે કોરોના સામેની વેક્સીન અંગે અમે ટૂંક સમયમાંજ ખુશખબર આપીશું. જોકે અમેરિકા સફળ થયું નહોતું. એક અહેવાલ પ્રમાણે ૧૩૩ રિસર્ચ સેન્ટર પર કોરોનાનું મારણ શોધાઇ રહ્યું છે. આ બધા એલોપેથી આધારિત સંશોધનો છે.
મોદી સરકારે સ્વદેશી મુવમેન્ટ માટે પ્રયાસો કર્યા હતા. પતંજલિની કીટમાં કોરોનીલ અને સ્વાસરી નામની બે દવાઓ છે. તેની આગામી મહિનાથી મળવાની શરૂઆત થવાની. જો આવીજ કોઇ વસ્તુ અમેરિકાએ શોધી હોત તો તેની વાહ વાહી કરવામાં આવી હોત.
પરંતુ એેક ભગવાધારી કોરોનાનું મારણ શોધે તે મલ્ટીનેશનલને પસંદ હોય એમ લાગતું નથી.જ્યારે દેશની કંપનીઓના સંશોધનો માટે ખાસ કરીને આયુર્વેદના સંશોધનો માટે સવાલ ઉઠાવાય અને મંત્રાલયો એલોપેથી લોબીનો હાથો બની જાય ત્યારે આઘાત લાગે છે. પતંજલિની દિવ્ય કીટ અસરકારક નિવડે તો તે ભારત માટે યશ કલગી બની શકે છે.બાબા રામદેવે ભારતની આયુર્વેદ સંસ્કૃતિને બળ પુરું પાડયું છે અને દેશ વિદેશમાં નામના મેળવી છે. એલોપેથીની લોબી કોઇ આયુર્વેદ પ્રોડક્ટને અટકાવી શકે એટલી પાવરફૂલ હોવાનું આ કિસ્સા પરથી જાણવા મળે છે.