Get The App

શંભુ શરણે પડી માંગુ ઘડી એ ઘડી કષ્ટ કાપોઃ આજથી શ્રાવણ

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
શંભુ શરણે પડી માંગુ ઘડી એ ઘડી કષ્ટ કાપોઃ આજથી શ્રાવણ 1 - image

- શ્રાવણમાં 'શિવ મહિમ્ન સ્તોત્ર'નો મહિમા

- પ્રસંગપટ

- શિવ એટલે કલ્યાણ. શિવજીએ હંમેશા જગતનું કલ્યાણ ઈચ્છ્યું છે. એક લોટો જળ અને બિલ્વપત્ર ચઢાવો એટલે તેઓ પ્રસન્ન

પવિત્ર શ્રાવણ માસની સાથે હવે તહેવારોની વણઝાર પણ શરૂ થશે. શ્રાવણ માસમાં તમામ મંદિરો શિવ મહિમ્ન સ્તોત્રથી ગાજી ઉઠવાનાં છે. મહાદેવની પૂજાની વાત આવે એટલે બિલ્વ પત્ર અને જળાભિષેકનો મહિમા કરવો પડે. 

શિવ મહિમ્ન સ્તોત્રના રચયિતા આચાર્ય પુષ્પદન્ત એક શ્લોકમાં લખે છે કે-

મહિમ્ન પારં તે 

પરમવિદુષો યદ્યસદ્દશી

સ્તુતિર્બ્રહ્માદી નામપિ 

તદવસન્ના સ્તવયિગિરઃ ।

અથાવાચ્ય સર્વં સ્વમિતિ 

પરિણામ વધિગૃણન્,

મમાપ્યેષ સ્તોત્રે હરઃ 

નિરપવાદઃ પરિકરઃ ।।

અર્થાત્, ભગવાન શિવજીના મહિમા પૂર્ણરૂપે જાણ્યા વિના, તેમની સ્તુતિ કરવાનું જો યોગ્ય જણાતું ન હોય તો બ્રહ્માદિ દેવો માટે પણ શિવજીની સ્તુતિ કરવાનું અશક્ય રહેશે, કેમ કે ભગવાન શિવજીનો મહિમા તો પાર પામવા માટે સૌ કોઈ અસમર્થ છે. અનંત શક્તિનો અંત કેમ જાણી શકાય? જે શિવભક્તો પોતપોતાની યથા બુદ્ધિ-શક્તિ પ્રમાણે શિવત્વને જાણવા કોશિશ કરશે તેઓ જ પોતાના શબ્દોમાં શિવજી ભગવાનનો મહિમા ગાઈ શકશે. જો તેમનો આ અધિકાર દોષમુક્ત હોય, તો મારા જેવા સામાન્યજન શા માટે શિવસ્તુતિનો આસ્વાદ ન કરે? મેં શિવજી ભગવાનને જેટલા જાણ્યા છે, એટલી ભક્તિ કેમ ન કરું?'

મહાકવિ કાલિદાસે એમના મહાકાવ્ય 'કુમારસંભવમ્'માં શિવજી અને દેવી પાર્વતી વચ્ચેના પ્રેમસંબંધનું સુંદર નિરૂપણ કર્યું છે. એમાં શિવ ચરિત્રનો સુંદર પરિચય મળે છે.

એક સમયે શિવજી ભગવાન પાર્વતીજીનાં પોતાના તરફના પ્રેમની પરીક્ષા કરવા બ્રહ્મચારીનો વેશ ધારણ કરીને દેવી પાર્વતીજી પાસે ગયા.

તેમણે પાર્વતીજી પાસે 'પોતાની' જ નિંદા કરવાનું શરૂ કર્યું, 'શંકર તો એટલા દરિદ્ર છે કે એમની પાસે પહેરવાનાં સરખાં વસ્ત્રો નથી, એટલે જ તો તેઓ દિગંબર કહેવાયા છે. એ તમને શું સુખ આપશે? એ તો સ્મશાનવાસી છે, તો એ તમને રહેવા માટે સુંદર ઘર ક્યાંથી આપી શકશે? એ સ્વભાવે ઉગ્ર તથા ભયંકર રૂપ ધારણ કરનારા છે, તો એ તમને સુખ શાંતિ ક્યાંથી આપી શકશે?'

પ્રત્યુત્તરમાં પાર્વતીજીએ કહ્યું-

અકિંચનઃ પ્રભવઃ સ, સંપદા

ત્રિલોકનાથઃ પિતૃ સદ્યગોચર,

સંભીમરુપઃ શિવ ઇત્યુદીર્યતે ।

ન સન્તિ યાયાર્થ્પવિદઃ પિનાકિનઃ ।।

અર્થાત્ઃ શિવજી મહાદેવ દરિદ્ર હોવા છતા સર્વે સંપત્તિના સર્જનકર્તા છે. તેઓ ભલે 'સ્મશાનવાસી' કહેવાયા, પણ ત્રણેય લોકના નાથ છે, એમનું બહારનું રૂપ ભલે ભયંકર અને ઉગ્ર દેખાતું હોય, પરંતુ હૃદયથી 'ભોળાનાથ' છે. તેમનો સ્વભાવ કલ્યાણકારી હોવાથી 'શિવ' તરીકે ઓળખાયા છે. સચ્ચાઈ તો એ છે કે 'પિનાક' ધનુષ્ય ધારણ કરનારા શિવજીનું યથાર્થ સ્વરૂપ કોણ જાણી શક્યું છે?

ભગવાન શ્રીકૃષ્ણે પણ કહ્યું છેઃ 'હિરણ્યગર્ભ, ઇન્દ્રાદિ દેવો અને મહર્ષિઓ પણ શિવતત્ત્વને જાણવા અસમર્થ છે. શિવજી તો અપાર ગુણોનાં સ્વામી છે.'

ચાતુર્માસમાં આવતા શ્રાવણ માસ સર્વશ્રેષ્ઠ ગણાયો છે, કેમ કે આ મહિનામાં ભગવાન શિવજીની ભક્તિનો મોટો મહિમા છે. ભારતીય ધર્મસ્થાનોમાં શિવ-શંકર મહાદેવનાં મંદિરોમાં આ પવિત્ર મહિનામાં શ્રદ્ધાળુઓ અચૂકપણે ભક્તિ કરતાં હોય છે.

'શ્રવણં નામચરિત્રં ગુણાદિમાં શ્રુતિભંવત' અર્થાત્ ઈશ્વરના નામ, તેમનાં અલૌકિક ચરિત્રો, તેમના મહિમા અને ગુણગાન કરવા તથા કલ્યાણકારી કૃપા પ્રાપ્ત કરવા માટે તમામ માસમાં શ્રેષ્ઠ શ્રવણભક્તિ છે.

શ્રાવણ માસની પુર્ણિમામાં શ્રવણ નક્ષત્ર આવતું હોય છે એટલે જ અમાસનું નામ 'શ્રાવણ' પડયું છે. આ મહિનામાં ચિત ચૈતન્ય આહ્લાદક અનુભૂતિમાં જોડાય છે. શ્રાવણમાં મહાદેવ શિવજીની પૂજા, ભક્તિ કરવાથી બમણું પુણ્ય પ્રાપ્ત થાય છે.

એક ઉપનિષદ કથામાં સનતકુમારને શિવજી ભગવાન કહે છે, 'શ્રાવણ મને પ્રિય છે કેમ કે મારા ઈષ્ટ દેવ વિષ્ણુજીએ પૂર્ણ પુરુષોત્તમ લીલાનો પ્રારંભ કર્યો હતો.' 

શિવ એટલે કલ્યાણ. શિવજીએ હંમેશા જગતનું શુભ-કલ્યાણ ઈચ્છયું છે. જિંદગીનાં દુઃખોમાં જ્યારે પણ કોઈ રસ્તો ન સૂઝે ત્યારે શિવ ભક્તો ભોળાનાથ શિવજી પાસે જતા હોય છે. તેઓ તુરન્ત પ્રસન્ન થવાનો સ્વભાવ રાખે છે. એક લોટો જળ અને બિલ્વપત્ર ચઢાવો એટલે તેઓ પ્રસન્ન.