- વેપારી વર્ગ સામી હોળીએ નાના મોટા સોદાથી દૂર રહે છે
- પ્રસંગપટ
- સંસારને ભોગ દ્રષ્ટિથી નહીં પણ ભાગવદ્ દ્રષ્ટિથી જુઓ અને દરેક કામમાં વિવેક બતાવો
ગઇકાલે મંગળવારથી હોળાષ્ટક બેસી ગયા છે. આપણે ત્યાં સામી હોળીએ કોઇ શુભ કામ નહીં કરવાનો રિવાજ આજે પણ જોવા મળે છે. હોળીના આઠ દિવસ પહેલાં હોળાષ્ટક બેસે છે. વેપારી વર્ગ સામી હોળીએ નાના મોટા સોદાથી દૂર રહે છે. ૨૪ ફેબુ્રઆરીથી ૩ માર્ચ સુધી હોળાષ્ટક છે. આ સમય જપ,તપ, દાનનો છે.
હોળાષ્ટકના આઠ દિવસ ભક્ત પ્રહલાદને અપાયેલી યાતના સાથે જોડાયેલા છે. જ્યારે યાતના અસહ્ય બનાવવા તેને હોળીકાના ખોળામાં બેસાડીને જીવતો સળગાવવાનો પ્રયાસ થાય છે ત્યારે પણ પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ છોડવા તૈયાર નથી થતો. અંતે સ્થંભમાંથી મનુષ્યના દેહવાળા અને સિંહ જેવા મુખ વાળા નૃસિંહ ભગવાન પ્રગટ થયા હતા અને હિરણ્યકશ્યપને પોતાના ઘૂંટણ પર બેસાડીને હાથના નખોથી તેની છાતી ચીરીને ભોંય પર પટકી દીધો હતો.
ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુનેા ભક્ત હતો. તેના પિતા રાક્ષસ હિરણ્યકશ્યપ હતા. તેમને વિવધ વરદાન હતા જેનાથી તેને મારવો અશક્ય હતો. એટલેજ ભગવાને નૃસિંહ અવતાર ધારણ કર્યો અને હિરણ્યકશ્યપનો અંત લાવી દીધો હતો.પરંતુ તેમના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુ પર પુરો ભરોસો હતો. પુત્રને વિષ્ણુ ભગવાનની ભક્તિમાંથી તે તે છોડાવવા માંગતા હતા. તેને સખત યાતના આપવાની શરૂ કરી હતી જેથી તે ભગવાન વિષ્ણુને ભૂલી જાય.
હોળાષ્ટકમાં શુભકામથી આઠ દિવસ દૂર રહેવા પાછળ ભક્ત પ્રહલાદની ભક્તિ રહેલી છે. હોળી સાથે ભક્ત પ્રહલાદની ભક્તિ અને ભગવાનમાં રહેલો વિશ્વાસ સંકળાયેલો છે. હોળી-ધૂળેટીના ધાર્મિક મર્મથી લોકોને દુર રખાયા છે એમ કહી શકાય. હોળી ધૂળેટી પર્વને રંગોની સાથે અને હોળી પ્રગટાવવાની સાથે જ્યારે ધૂળેટીને એકબીજાને રંગવા સાથે જોડી દેવાયો છે. નાના ગામડાથી મેટ્રો સિટી સુધીના યુવાનો-યવતીઓ ગુલાલથી રંગાઇ જાય છે તો ક્ટલાક જાહેર રજાનો આનંદ ઉછાવે છે.
ડાકોરમાંરણછોડરાય,શ્રીનાથજી મદિર,દ્વારકાના મંદિર વગેરે વૈષ્ણવ મંદિરો ખાતે ફૂલડોળના દર્શન માટે લાખેા શ્રધ્ધાળુઓ ઉમટશે. વિદેશથી આવેલા ગુજરાતીઓ હોળાષ્ટકમાં પણ લગ્ન જેવા શુભ કામો કરીને એમ બતાવે છે કે અમને ગ્રહો કે અશુભ દિવસો નડતા નથી પરંતુ હકીકત એ છે કે તેમની પાસે સમયનો અભાવ હોય છે અને તેમને જોબમાં બહુ લાંબી રજાઓ નથી મળતી હોતી. આવા લોકો સગવડીયા ધાર્મિક લોકોની યાદીમાં આવે છે. નોન રેસીડેન્ટ ઇન્ડિયન હોળીના દિવસોમાં વિવાહ અને લગ્ન પણ ધામધૂમથી કરતા હોય છે.
હિરણ્યકશ્યપના મોત પછી દેવતાઓએ પ્રહલાદને કહ્યું કે નૃસિંહ ભગવાનનો ક્રોધ શાંત પાડવા તું તેમની પાસે બેસ. પ્રહલાદે કરેલી સ્તુતિથી ભગવાન ખુશ થયા હતા અને તેને વરદાન માંગવા કહ્યું હતું. ત્યારે તે જવાબ દિવંગત પૂજ્ય ડોંગરેજી મહારાજ તેમની કથામાં ગળે ઉતરી જાય તેવી રીતે સમજાવતા હતા. ભક્ત પ્રહલાદે કહ્યું હતું કે ભગવાન તમે સંસાર એટલો સુંદર બનાવ્યો છે કે ભલભલા તેની માયામાં લપસી પડે છે. પ્રહલાદે કહ્યું કે ભગવાન પાસે માંગવાની ઇચ્છા થઇ એટલે ભગવાન પરથી દ્રષ્ટિ ખસી ગઇ. તેમના પરથી વિશ્વાસ જતો રહ્યો. પ્રહલાદે કહ્યું હતું કે ભગવાન તમે સંસારમાં માયા નામનું આકર્ષણ એવી રીતે ઉમેર્યું છે કે તેમાં ઇન્દ્રીયો લલચાયા વિના રહેતી નથી.
પ્રહલાદે કહ્યું હતું કે ભગવાન સંસારને સુંદર બનાવીને તમે ગોટાળો કર્યો છે. ત્યારે ભગવાને કહ્યું કે મેં સંસાર સુંદર એટલા માટે બનાવ્યો છે કે મારા બાળકો સુખી થાય. પૃથ્વી પરના તમામ જીવોને સુખી કરવા મેં સંસાર સુંદર બનાવ્યો છે. માણસ આ કુદરતે આપેલી સુંદરતાનો દુરૂપયોગ કરે છે. ભગવાને કહ્યું હતું કે સંસારને ભોગ દ્રષ્ટિથી નહીં પણ ભાગવદ્ દ્રષ્ટીથી જોવામાં આવે અને દરેક કામમાં વિવેક બતાવે તો તે સુખી થાય.


