- એમજી મોટર્સના પ્લાન્ટમાં 80 ટકા મહિલાઓ
- પ્રસંગપટ
- માઇનિંગ ઉદ્યોગમાં મહિલાઓને સંપૂર્ણ જવાબદારી સોંપીને ટાટા સ્ટીલે કોર્પોરેટ જગતને નવી દિશા ચીંધી હતી
બેંગલુરૂ નજીક આઇફોન બનાવતી ફોક્સકોન કંપનીએ યુવતીઓ દ્વારા ચલાવાતા પોતાના પ્લાન્ટમાં તાજેતરમાં ૨૧થી ૨૫ વર્ષની ૩૦,૦૦૦ જેટલી યુવતીઓને બ્લ્યુ કોલર જોબ આપી છે. તાઇવાનની હોન પ્રિસીઝન ઇન્ડસ્ટ્રીના આઇફોન એસેમ્બલીંગ યુનિટ, જે ભારતમાં ફોક્સકોન તરીકે ઓળખાય છે, તે કંપનીએ ૩૦,૦૦૦ યુવતીઓને જોબ આપીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. બેગલુરૂનું ફોક્સકોન યુનિટ યુવતીઓેના નેતૃત્વવાળું છે. ત્યાં ૮૦ ટકા યુવતીઓ કામ કરે છે, જેમાં હવે ૩૦,૦૦૦ યુવતીઓનો સમાવેશ થયો છે. દેવનાહલ્લી ખાતે ૩૦૦ એકર જમીન પર પથરાયેલી આ ફેક્ટરી જ્યારે સંપૂર્ણપણે કામ કરતી થશે ત્યારે તે આઇફોનનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપની બની જશે.
ફોક્સકોને અહીં ૨૦,૦૦૦ કરોડ રૂપિયા રોક્યા છે. આ પ્લાન્ટમાં આઇફોનનાં ૧૬ મોડલ બને છે. છેલ્લે આઇફોન પ્રો મેક્સ પણ અહીં એસેમ્બલ કરાયા હતા. નજીકનાં રાજ્યોમાંથી આવેલી યુવતીઓ પણ અહીં જોબ કરે છે. બ્લ્યુ કોલર જોબ એટલે દરેકનો પગાર મહિને અંદાજે ૨૫થી ૩૦,૦૦૦ રૂપિયા હોય. પોતાના સ્ટાફના આરામ માટે કંપનીઓ છ જેટલાં વિશાળ શયનગૃહ બનાવ્યા છે.
પ્લાન્ટની નજીક ટાઉનશિપ ઊભી કરવામાં આવી છે, જેમાં સસ્તા ભાડે મકાન અપાય છેે. કાર્યકરો માટે હેલ્થકેર, પરવડે તેવા ભાવે ભોજન, તેમનાં સંતાનો માટે સ્કૂલો વગેરે ઊભાં કરાયાં છે.
એપલ તેનું તમામ ઉત્પાદન ભારતમાં શિફ્ટ કરી રહ્યું છે અને ૨૦૨૧માં ભારત સરકારે શરૂ કરેલી પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમ (ઁન્ૈં)નો લાભ લઇ રહ્યું છે. બેંગલુરૂ ખાતે જે ૩૦,૦૦૦ યુવતીઓને જોબ અપાઇ છે તે મોટા ભાગે હાઇસ્કુલ સુધી ભણેલી છે અથવા તો પોલિટેકનિકનો ડિપ્લોમા ધરાવે છે. તેમને જોબ લેટર અપાયા પછી છ અઠવાડિયાંની તાલીમ અપાઈ હતી. માત્ર મહિલાઓ દ્વારા ચલાવાતી બેન્કો લોકોેએ જોઇ છે. આઇફોન જેવી પ્રોડક્ટના ઉત્પાદનનું આખું યુનિટ મહિલાઓ ચલાવે તે પ્રશંસનીય બાબત છે.
ભારતમાં સૌ પ્રથમ ટાટા સ્ટીલ કંપનીએ માઇનિંગ ઓપરેશનમાં માત્ર મહિલાઓને જોબ પર રાખીને કમાલ કરી હતી. તે પ્રોજેક્ટનું નામ તેજસ્વિની રખાયું હતું. ગયા વર્ષે ડિસેમ્બરના અંતમાં ટાટા સ્ટીલે નોઆમુન્ડી આયર્ન પ્લાન્ટની તમામ શિફ્ટમાં મહિલાઓની નિમણૂક કરવામાં આપી હતી. માઇનિંગનું કામ માત્ર પુરૂષો કરી શકે તેવા ભ્રમને ટાટા સ્ટીલે તોડી નાખ્યો હતો. અહીં મહિલાઓના ફાળે અર્થ મુવીંગ મશીનરીનું ઓપરેશન, લોડર ચલાવવું, ડ્રિલીંગ વગેરે કામો આવતા હતા. ટાટા સ્ટીલે તેજસ્વિની ૨.૦ પ્રોગ્રામ હેઠળ ૨૪ ઓપરેટરો માટેની જગ્યા ઊભી કરી, જેમાં ૨૧૦૦ મહિલાઆએેે અરજી કરી હતી.
દેશની અન્ય નામાંકિત કંપની કિર્લોસ્કર બ્રધર્સે પણ કોઇમ્બતુર નજીક એક ઉત્પાદન એકમમાં માત્ર મહિલાઓની જ નિમણૂક કરી હતી. કંપનીએ ફક્ત મહિલાઓને જ જોબ પર રાખતા પુરૂષોએ વાંધો પણ ઉઠાવ્યો હતો અને આંદોલન પણ કર્યું હતું. કંપનીની બસ મહિલાઓને લેવા એમના ગામ જતી. કોમ્પ્રેસર બનાવતી કંપની એલ્જી ઇક્વિપમેન્ટ નામની કંપની દક્ષિણ ભારતના કોઇમ્બતુર સહિતનાં ત્રણ શહેરોમાં માત્ર મહિલાએા સંચાલિત ઉત્પાદન એકમો ચલાવે છે. એલ્જી કંપની નજીકના ગામોની યુવતીઓને વિના મૂલ્યે પ્રોફેશનલ ટ્રેનિંગ આપીને કંપનીમાં નોકરી આપે છે.
માત્ર મહિલાઓ દ્વારા ચલાવાતાં ઉત્પાદન એકમમાં ગુજરાત પણ પાછળ નથી. જેએસડબલ્યુ એમજી મોટર્સનો હાલોલ ખાતેનો પ્લાન્ટ 'એમજીના પ્લાન્ટ' તરીકે ઓળખાય છે. ઇલેક્ટ્રિક વ્હીકલમાં બહુ જાણીતી બનેલી એવી એમજી મોટર્સ બનાવતા આ પ્લાન્ટમાં ૮૦ ટકા મહિલાઓ છે. વિન્ડસર અને કોમેટ ઇવીની બેટરીના ઉત્પાદનથી માંડીને તેના પેકેજીંગ સુધીનું કામ મહિલાઓ કરે છે. ભારતના ઇવી માર્કેટમાં એમજી સૌથી વધુ વેચાતી અને વખણાયેલી કાર છે.
એવું જોવા મળ્યું છે કે મહિલાઓ દ્વારા ચલાવાતાં પ્લાન્ટ વધુ ઉત્પાદન આપે છે. મહિલાઓ દરેક કામ વધારે ચીવટથી કરે છે. વળી, મહિલાઓનું નેતૃત્વ વધારે જવાબદારીભર્યું હોય છે.


