- પ્રસંગપટ
- જુલાઈ અંત સુધીમાં રૂની આયાત વધી 33 લાખ ગાંસડી થઈ
- વિશ્વ બજાર કરતાં ભારતમાં ઉંચા ભાવ રહેતા આયાત વધ્યા પછી ડયુટી પણ નાબુદ થતા વિશ્વબજારના નિકાસકારોમાં પોઝીટીવ ઈમ્પેક્ટ
દેશના રૂ બજાર તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. ભારતમાં હાલ કોટનની ૨૦૨૪-૨૫ની મોસમ ચાલી રહી છે આ મોસમ ઓકટોબર ૨૦૨૪માં શરૂ થઈ હતી અને હવે સપ્ટેમ્બર ૨૦૨૫ના અંતે પુરી થવાની છે. દરમિયાન, દેશમાં ૨૦૨૪-૨૫ની વર્તમાન કોટન મોસમમાં રૂની કુલ આયાત વધી આશ રે ૩૯ લાખ ગાંસડી થવાની શક્યતા કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાના સૂત્રો દર્શાવી રહ્યા હતા. એક ગાંસડીમાં આશરે ૧૭૦ કિલો રૂ આવે છે. દેશમાં પાછલી રૂ મોસમ ૨૦૨૩-૨૪ દરમિયાન રૂની કુલ આયાત આશરે ૧૫ લાખ ૨૦ હજૌર ગાંસડી આવી હતી એ જોતાં વર્તમાન રૂ મોસમમાં આવી આયાત બમણાથી પણ વધુ વધશે એવા સંકેતો બજારના જાણકારો દર્શાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં રૂના ભાવ નીચા ચાલી રહ્યા છે તથા ઘરઆંગણે કોન્ટામીનન્ટથી મુક્ત કોટન માટે મિલોની માગ વધી છે એવવા માહોલમાં દેશમાં દરિયાપારથી રૂની આયાતમાં ખાસ્સી વૃદ્ધી થતાં આવી આયાત રેકોર્ડ સપાટીએ પહોંચી ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં સરકારે રૂની આયાત માટેની ડયુટી પણ હળવી કર્યાના સમાચાર મળ્યા છે. વિશ્વવ બજારમાં પ્રવર્તતા ભાવની સરખામણીએ ભારતમાં રૂના ભાવ તાજેતરમાં ૧૦થી ૧૨ ટકા જેટલા ઉંચા રહ્યા હતા. આના પગલે ઘરઆંગણે આયાતમાં ખાસ્સી વૃદ્ધી જોવા મળી છે. દરમિયાન, ટેરીફ પ્રશ્ને ભારત તથા અમેરિકા વચ્ચે તાજેતરમાં સંબંધો તણાવપૂર્વ થયા પછી ભારત સરકારે તણાવ હળવો કરવા કોટનની આયાત ડયુટી હળવી કરવાનું નક્કી કર્યું હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. ૧૯ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બરના ગાળા માટે આવી ડયુટી હળવી કરવામાં આવી છે. આના પગલે અમેરિકાના રૂના નિકાસકારોને ભારત તરફ નિકાસ વધારવા માટે તક ઊભી થશે એવી ગણતરી બજારના સૂત્રો બતાવી રહ્યા હતા. દેશમાં હવે આના પગલે રૂના ભાવ નીચા આવશે એવી આશા વચ્ચે કોટન યાર્ન, સુતર બજાર તથા ટેક્સટાઈલ બજાર અને ઉદ્યોગ જગતમાં રાહત સર્જાયાની આશા પણ જાણકારો દર્શાવી રહ્યા હતા. અમેરિકાએ ભારતથી આયાત થતા માલો પર ૫૦ ટકા ટેરીફના નિર્દેશો આપ્યા છે તેવા સંજોગોમાં ઘરઆંગણે રૂની આયાત સસ્તી થતાં ગારમેન્ટ તથા ટેક્સટાઈલ ઉદ્યોગમાં રાહત સર્જાશે એવી ગણતરી બજારમાં બતાવાઈ રહી હતી. દેશમાં આ પૂર્વે રૂની આયાત પર ૧૧ ટકા ડયુટી લાગતી હતી તે હવે દૂર કરાઈ છે. આ રાહત ૩૦મી સપ્ટેમ્બર સુધી આપવામાં આવી છે.
કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આ પૂર્વે કોટનની આયાત જકાત દૂર કરવા સરકારને માગ કરી હતી અને હવે સરકારે આ પ્રશ્ને હકારાત્મક પ્રતિસાદ૦ આપ્યો છે. દરમિયાન, અમેરિકાનું વેપાર પ્રતિનિધિમંડળ ૨૫ ઓગસ્ટ દરમિયાન ભારતની મુલાકાતે આવવાનું હતું પરંતુ છેલ્લા સમાચાર મુજબ આ મુલાકાત પાછી ઠેલાઈ છે. ભારતથી અમેરિકા ખાતે નિકાસ થતી ટેક્સટાઈલ ચીજો પર આ પૂર્વે શુન્યથી કરીને પાંચ ટકા ટેરીફ અમેરિકામાં રહેતી હતી તથા અમુક ટેક્સટાઈલ ચીજો પર આવી ટેરીફ ૯થી ૧૩ ટકા રહેતી હતી. હવે આવી ટેરીફ ટ્રમ્પ સરકાર દ્વારા વધારીને ૫૦ ટકા કરી દેવામાં આવી છે.
અમેરિકાએ ભારત પર ટેરીફ વધારતા ખાસ કરીને બાંગલાદેશ તથા વિયેતનામ ખાતેથી રૂની ડયુટી ફ્રી આયાતને મંજૂરી આપી છે. જો કે આવી આયાત સરકાર દ્વારા નક્કી કરાતા ક્વોટા પર આધારીત રહી છે. ભારતમાં ૨૦૨૪-૨૫નાં નાણાંવર્ષમાં માર્ચના અંતે પુરા થયેલા નાણાંવર્ષમાં કોટનની આયાત વધી ૧ અબજ ૨૦ કરોડ જેટલી થઈ છે જે પાછલા નાણાંવર્ષમાં આશરે ૫૭થી ૫૮ લાખ કરોડ ડોલરની થઈ હતી. દેશમાં આવી આયાત ઓસ્ટ્રેલિયાથી ૨૫થી ૨૬ કરોડ ડોલરની જ્યારે અમેરિકા ખાતેથી ૨૩થી ૨૪ કરોડ ડોલરની થઈ હતી. બ્રાઝીલથી આવી આયાત આશરે ૧૮થી ૧૯ કરોડ ગાંસડી જ્યારે ઈજીપ્તથી આવી આયાત આશરે ૧૧થી ૧૨ કરોડ ડોલરની થઈ હતી.
દેશમાં ૨૦૨૨-૨૩માં કોટનની ઈમ્પોર્ટ ૩૧ લાખ ગાંસડી થઈ હતી.તથા એ વખતે દેશના રૂ બજારમાં ભાવ વધી ખાંડીના ૧ લાખ રૂપિયાને આંબી ગયા હતા. આ વર્ષે ઓકટોબર, નવેમ્બર તથા ડિસેમ્બર ડિલીવરી માટે પણ દેશમાં રૂની આયાતના સોદા થયા છે. આ વર્ષે જુલાઈ અંત સુધીમાં રૂની આયાત વધી ૩૩ લાખ ગાંસડી થઈ ગઈ છે.


