- અખાતી યુદ્ધે ભારતને નવી દિશા બતાવી
- પ્રસંગપટ
- પેટ્રોલ કે ડીઝલ જેવાં ઈંધણોમાં ઇથેનોલને એક ચોક્કસ પ્રમાણમાં ભેળવવાની પ્રક્રિયાને ઇથેનોલ બ્લેન્ડિંગ કહેવામાં આવે છે
અખાતી યુદ્ધના પગલે ભારતમાં ઓઇલના સપ્લાય પર ગંભીર અસર પડી છે. હોર્મુઝની ખાડીમાંથી ભારતનું એકાદ ટેન્કર બહાર નીકળે તો પણ સરકાર હાશકારો અનુભવે છે. સરકારને ટેન્શન એ વાતનું હતું કે પશ્ચિમ બંગાળ અને તમિળનાડુની ચૂંટણી દરમ્યાન જો ઓઇલના ભાવો વધશે તો તેના પગલે પેટ્રોલ-ડીઝલના ભાવો વધારવા પડત. આ ભાવવધારાની ભાજપ વિરોધી મતદાનને ઉત્તેજન આપી શકે. પરંતુ ઓઇલનો સપ્લાય સાવ જ ઠપ્પ થવાના બદલે ચાલુ રહ્યો અને સરકારે પેટ્રોલ ડિઝલમાં બહુ મોટો વધારો ન કર્યો.
જોકે હવે નજીકના ભવિષ્યમાં અખાતી યુદ્ધમાં સમાધાનના કોઇ સંકેત દેખાતા નથી. એટલે જ વિશ્વના અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસની અછત શરૃ થઈ ગઈ છે. ભારત પણ તેનાથી વણસ્પર્શ્યું રહ્યું નથી. ભારત પેટ્રોલ-ડીઝલની અછતની સમસ્યામાંથી છૂટવાનો વિકલ્પ શોધતું હતું ને આપણે નવો રસ્તો શોધી કાઢયો છે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ એક મોટો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે ભારતે ૧૦૦ ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ તરફ આગળ વધવું જોઈએ. આનાથી બજેટ નિયંત્રિત થશે અને દેશને એનર્જી સેક્ટરને મજબૂતી મળશે.
હાલમાં ભારત તેની જરૃરિયાતનું લગભગ ૮૭% તેલ બહારથી મંગાવે છે. તેના લીધે દેશ પર આર્થિક બોજ વધે છે. દર વર્ષે લગભગ ૨૨ લાખ કરોડ રૃપિયા પેટ્રોલ અને ડીઝલની આયાત પાછળ ખર્ચાય છે. જો ઇથેનોલ જેવા ઈંધણનો ઉપયોગ વધશે તો આ ખર્ચ ઓછો થઈ શકે છે અને પ્રદૂષણ પણ ઘટશે.
પેટ્રોલ કે ડીઝલ જેવાં પરંપરાગત ઈંધણોમાં ઇથેનોલને એક ચોક્કસ પ્રમાણમાં ભેળવવાની પ્રક્રિયાને ઇથેનોલ બ્લેન્ડિંગ કહેવામાં આવે છે. ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ છે. તે મુખ્યત્વે શેરડીનો રસ, મોલાસીસ (કડદા), મકાઈ, સડેલા બટાકા અને બગડી ગયેલા ચોખા કે ઘઉંમાંથી બનાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે તે એક રિન્યુએબલ (પુન:પ્રાપ્ય) ફ્યુલ છે.
સરકાર પહેલાં જ ઈ૨૦ પેટ્રોલ એટલે કે ૨૦ ટકા ઇથેનોલ મિક્સ ફ્યુલની શરૃઆત કરી ચૂકી છે. ૨૦૨૩થી તે શરૃ કરવામાં આવ્યું હતું. હવે ઘણી ગાડીઓમાં નાના ફેરફારો સાથે તેનો ઉપયોગ શરૃ થયો છે. જેના કારણે એન્જિનની આવરદા વધે છે. નીતિન ગડકરીએ ઉદાહરણ આપતાં જણાવ્યું કે બ્રાઝિલ જેવા દેશો ૧૦૦ ટકા ઇથેનોલનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત પણ તે દિશામાં આગળ વધી શકે છે. આ માટે ફ્લેક્સ-ફ્યુલ એન્જિનવાળાં વાહનોને પ્રોત્સાહન આપવું જરૃરી છે.
૧૦૦% ઇથેનોલ બ્લેન્ડિંગ એટલે ૧૦૦% ઇથેનોલ મિશ્રણ (E૧૦૦) - લગભગ શુદ્ધ હાઇડ્રસ ઇથેનોલથી બનેલું ઈંધણ. તેનો ઉપયોગ સ્ટાન્ડર્ડ પેટ્રોલ એન્જિનના બદલે સ્પેશિયલ ફ્લેક્સ-ફ્યુલ વ્હીકલ (FFV)માં કરવામાં આવે છે. આ ટકાઉ ઈંધણ ગેસોલિનનો એક સ્વચ્છ, હાઈ-ઓક્ટેન વિકલ્પ છે. તેનો હેતુ ઉત્સર્જન ઘટાડવાનો અને ઉર્જા આત્મનિર્ભરતાને વધારવાનો છે. તેથી તેના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
૧૦૦% ઇથેનોલ બ્લેન્ડિંગ લાગુ થશે પછી વાહન ચલાવવા માટે પેટ્રોલની નિર્ભરતા ખતમ થઈ જશે. આનાથી ભારતના ક્રૂડ ઓઈલ (કાચા તેલ)ની આયાતમાં ઘટાડો થશે. શુદ્ધ ઇથેનોલ બળવા પર કાર્બન અને ઝેરી ગેસનું ઉત્સર્જન નહિવત થાય છે. આવી સ્થિતિમાં પ્રદૂષણ મુક્ત બનાવવામાં પણ આ ઈંધણ મોટી ભૂમિકા ભજવે છે. ખરેખર, ઇથેનોલ કૃષિ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. આથી તેનો ઉપયોગ વધવાથી દેશના ખેડૂતો (શેરડી, મકાઈ, ચોખા ઉગાડનારા) અને ઉત્પાદન કરતી ફેક્ટરીઓને ફાયદો થશે.
શુદ્ધ પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલનો ઉત્પાદન ખર્ચ સામાન્ય રીતે ઓછો હોય છે. ૧૦૦% ઇથેનોલ ફ્યુલ પેટ્રોલની સરખામણીમાં ઘણું સસ્તું હોય છે.
ભારતમાં તે ૬૦થી ૭૦ રૃપિયા પ્રતિ લિટરની આસપાસ રહેવાનો અંદાજ છે. હાલના સમયમાં ભારતમાં પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ભેળવવામાં આવી રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે ભારતના ઇમ્પોર્ટ બિલમાં મોટો ઘટાડો થશે અને ઓઇલના મુદ્દે આત્મનિર્ભર બની શકાશે.


