- આતંકના માહોલમાં આધ્યાત્મિક પ્રકાશ જરૂરી
- પ્રસંગપટ
- પ્રવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચે ઘણી વાર સમતુલા જળવાતી નથી. જીવનની અનિશ્ચિતતા વિશે સતત જાગૃતિ કેળવવી જોઈએ
કાશ્મીરના પહેલગામમાં જે રીતે આંતકવાદીઓએ નિર્દોષ માણસોને રહેંસી નાખ્યા તે જોઈને દુનિયા સ્તબ્ધ છે. મૃતકોથી વ્યક્તિગત સ્તરે પરિચય ન હોવા છતાં એમની તસવીરો અને વીડિયો ક્લિપ્સ જોઈને લોકો રડી પડે છે ત્યારે કલ્પના કરો કે એમના પરિવારજનોની શી હાલત થઈ હશે. જેમણે પોતાના દીકરા ગુમાવ્યા - પછી એ કોઈ પણ ઉંમરના હોય - એ માતાપિતા પર શું વીતી રહ્યું હશે? પતિ ગુમાવનાર પત્નીઓ અને બાપ ગુમાવનાર સંતાનોની પીડા કેટલી અસહ્ય હોવાની...
આતંકવાદી હત્યાકાંડ તો ખેર,આત્યંતિક ઘટના થઈ, પણ સામાન્ય સંજોગોમાં પણ માણસે પોતાની જાત સાથે, પરિસ્થિતિઓ સામે લડતા રહેવાનું હોય છે. અચાનક આવી પડતી એકલતા કે બુઢાપાને કારણે એકલતા મગજ ઉપર હાવી થવા માંડતી હોય છે. ધર્મપુરુષો કહે છે કે જ્યાં સુધી બાહ્ય સૃષ્ટિ છે, ત્યાં સુધી એકલતા લાગશે. જ્યારે ભીતરમાં અંતરદ્રષ્ટિ કરશો ત્યારે એકાંતમાં રહેવાથી કેવો દિવ્યાનંદ પ્રાપ્ત થાય છે તેની અનુભૂતિ થશે. એકાંત એટલે સકારાત્મક ઊર્જાનો પ્રકાશપૂંજ.
મોટાભાગના લોકો પ્રવૃત્તિ અને નિવૃત્તિ વચ્ચે સમતુલા જાળવી શકતા નથી. જેમ જેમ ઉંમર વધતી જાય છે, તેમ તેમ તે હિંમત હારતો જતો હોય એવું આપણે સતત જોયું છે. વૃદ્ધજન દુનિયા પ્રત્યે ઉદાસીન બનતો જાય છે. એને જીવન નકામું લાગવા લાગે છે. મન ભારેખમ બનતું જાય છે.
આ મનઃસ્થિતિ ઇચ્છનીય નથી. આવા સમયે વૃદ્ધોએ જીવન શૈલી અને માનસિકતા બદલવી જરૂરી છે. વૃદ્ધાવસ્થાની તૈયારી ખરેખર તો જુવાનીથી જ કરવાની હોય. ધારો કે ન થઈ શકી તોય ગભરાઈ જવાની જરૂર નથી. હવે એકાંતમાં ધ્યાન કરવાની, બોધસાહિત્ય વાંચવાની, ભજન કરવાની ટેવ પાડો. આ કંઈ એટલી બધી અઘરી વાત નથી.
વડીલોએ આખા ઘરનો બોજ માથે લઈને ચાલવાની જરૂર નથી. કુટુંબીજનોનું, સગાસંબંધીઓનું કે સમાજનું ટેન્શન લેવાથી માનસિક ભાર વધતું જાય છે. આખા ગામના ધણી હોવાનો ભ્રમ ખંખેરીને હવે ખુદના ધણી બનવાની જરૂર હોય છે. આનંદદાયી મુસાફરી કરવી હોય તો બોજ ખંખેરવો પડે છે.
પાછલી વયે જ નહીં, યુવાનીમાં પણ સ્વસ્થ એકાંતવાસનો પરિચય કેળવાય તે ઇચ્છનીય છે. આત્મખોજ અને અસ્તિત્વવાદી સવાલો (હું કોણ છું? શા માટે છું? મારા જીવનનો હેતુ શો છે?) તો યુવા વયથી શરૂ થઈ જવા જોઈએ. માણસનો જન્મ માત્ર માત્ર ખાવા-પીવા, હરવાફરવા કે કુટુંબનું પોષણ કરવા માટે જ નથી થયો. આપણે આપણી જાતનું પણ કંઈક કરવાનું છે. ધર્મપુરુષો કહે છે તેમ, પરલોકનું ભાથું પણ બાંધવાનું છે, મોક્ષ પણ સાધવાનો છે. આ કાર્ય મુખ્ય છે, પરંતુ જીવનની ભાગદોડમાં માણસ તેના તરફ ધ્યાન આપી શકતો નથી, તે કરી શકતો નથી અથવા બહુ જ ઓછું કરી શકે છે. આધ્યાત્મિકતા અને વૃદ્ધાવસ્થા વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, આધ્યાત્મિકતા જીવનના દરેક તબક્કા માટે છે, ભલે, પણ પાછલી વય કદાચ આધ્યાત્મિકતા અને ધર્મકાર્યો માટે વધારે અનુકૂળ માહોલ ઊભો કરી દેતી હોય છે.
બાળકને નાનપણથી જ સતત કંઈક ને કંઈક કરતું રહે છે. એને તાલીમ જ એવી અપાય છે. એને પલાઠી વાળીને શાંત ચિત્તે અડધો કલાક બેસવાનું શીખવાડવામાં આવતું નથી. આખું જીવન જે ન કર્યું હોય તે વૃદ્ધાવસ્થામાં એકાએક થઈ શકતું નથી, ક્યારેક તો બિલકુલ થઈ શકતું નથી. તેથી જ આપણે જોઈ શકીએ છીએ કે અમુક વૃદ્ધો સતત ટીવી જોયા કરતા હોય છે યા તો મોબાઇલ મચડયા કરતા હોય છે. અધૂરામાં પૂરું, તેઓ ઘરમાં સતત બોલ - બોલ જ કર્યા કરે છે. પરિણામે ઘરમાં એમની કિંમત ઘટતી જાય છે.
શ્રીમદ્ રાજચંદ્ર એક વખત યુવાનોને સત્સંગ કરાવતા હતા. તેમણે યુવાનોને એક પ્રશ્ન પૂછ્યો કે, તમને એક હાથમાં છાશનો લોટો આપ્યો હોય અને બીજા હાથમાં ઘીનો લોટો આપ્યો હોય, અને તમને અચાનક ધક્કો વાગે તો તમો કયો લોટો સાચવી લેવા પ્રયત્ન કરશો? યુવાનોએ કહ્યુંઃ ઘીનો લોટો. શ્રીમદ્ રાજચંદ્રે પૂછ્યુંઃ કેમ? એક યુવાને જવાબ આપ્યોઃ છાશ તો બીજી વાર કોઈ ભરી પણ આપે. ઘી ઢોળાઈ જાય કોઈ ફરી ના ભરી આપે.
બસ, હવે અહીં સમજવાનું છે કે, વૃદ્ધાવસ્થા એ ઘી સમાન છે. હવે વર્ષો નાહક પસાર થતાં જાય તે પોષાય તેમ નથી. હવે સમય ઓછો છે. જે સમય છે, તેને સાર્થક કરી લેવાનો છે. બાકી જીવનનું કશું નક્કી નથી. કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકે છે. પહેલગામમાં થયેલા ટેરરિસ્ટ અટેકને કારણે આ સત્ય ફરી એક વાર બોલકું બનીને આપણી સામે આવ્યું છે.


