લડ્ડુ વિવાદઃ ગુજરાતના શ્રદ્ધાળુઓ કહે છેે કે જે ખોટું કરશે તે ભોગવશે
- ઇશ્વરના દરબારમાં બેઠા હોવા છતાં તેમને ડર નથી હોતો
- પ્રસંગપટ
- જલારામ મંદિર, સાળંગપુર હનુમાનજી, મહૂડી વગેરે સ્થળો પરની જમવાની વ્યવસ્થા ઉડીને આંખે વળગે એવી હોય છે
તિરૂપતિ મંદિરના લાડુનો વિવાદ હવે રાજકીય તખ્તા પર લડાઇ રહ્યો છે. પરંતુ તિરૂપતિના લાડુમાં શ્રધ્ધાળુઓની શ્રધ્ધામાં કોઇ નોંધપાત્ર ફરેફાર કે વેચાણમાં ઘટાડો જોવા નથી મળ્યો. બિચ્ચારા શ્રધ્ધાળુઓ શું કરે? તે તો પોતાની યથાશક્તિ પૈસા ભરીને લાડુુનો પ્રસાદ ખરીદતા હોય છે. તિરૂપતિ દર્શન કરીને આવનારા પૈકી અનેક માથાના વાળ અર્પણ કરીને આવ્યા હોય છે અને સાથે લાવેલા પ્રસાદ પોતાના સંબંધીઓ અને મિત્રોને આપે છે. મંદિરોએ પ્રસાદને આવકનું સાધન બનાવી દીધું છે.
એક તરફ મંદિર વાળા રાજભોગ ચઢાવવાના પૈસા પણ લે છે અને બીજી તરફ તેને વેચાતો પણ આપે છે. મંદિરોમાં ચાલતી અનેક ગેરરીતી અને સ્વચ્છતાના અભાવ પ્રત્યે શ્રધ્ધાળુઓ આંખ આડા કાન કરતા આવ્યા છે.મંદિરોમાં દાનમાં આવેલો પૈસો ભક્તો તરફથી આવેલો છે માટે તેને ભક્તો પાછળ જ વાપરવો જોઇએ આવી સાદી સમજ દરેક શ્રધ્ધાળુ ધરાવતો હોય છે પરંતુ મંદિરના વહીવટદારો તુમાખીથી ભરેલા હોય છે.
જેમ હોટલનું રસોડું જોઇએ તો ખાવાનું ના ભાવે એવું હવે મોટા મંદિરોના પ્રસાદના રસોઈ ઘરના વિવાદોને જોઇને લાગવા લાગ્યું છે. જ્યાં બહુ મોટા જથ્થામાં પ્રસાદ બનતો હોય ત્યાં મંદીરના સેવાભાવી વફાદારોના મન પણ ગેરરીતી માટે લલચાતા હોય છે. તેમને એમ હોય છે કે કોઇને ખબર પડવાની નથી. ઇશ્વરના દરબારમાં બેઠા હોવા છતાં તેમને ઇશ્વરનો ડર નથી હોતો. જ્યારે મંદિરોમાં ધક્કામુક્કી કે ભોજનશાળા ના ધાંધિયા કે સવલતોનો ્અભાવ વગેરે જોવા મળે ત્યારે શ્રધ્ધાળુઓ બહુ વિવાદમાં પડયા વગર એમ કહેતા હોય છે કે કરશે એ ભોગવશે. હકીકત એ હોય છે સેવાનું કોઇ સજેશન મંદિરના વહીવટદારો સાંભળવા તૈયાર નથી હોતા.
તિરૂપતિના મંદિરમાં બનેલી લાડુ બનાવવામાં ઉપયોમાં લેવામાં આવતી ચીજોમાંની ભેળસેળ સજાને પાત્ર છે. તિરૂપતિના મંદિરમાં હવે તપાસો ચાલશે, લાડુમાં પ્રાણીની ચરબી ક્યાંથી આવી જેવી વિવિધ તપાસો ચાલશે. આવા વિવાદો ઉભા કરનારા અને તેને આગળ ધકેલનારાઓને એ ખબર નથી હોતી કે શ્રધ્ધાથી ઉપર કોઇ ચીજ નથી હોતી. ગુજરાતના મંદિરોમાં સરકારે વહીવટદારોે નીમેલા હોય છે. તેમની કોઇ જવાબદેહી હોય એમ લાગતું નથી. ગુજરાતના મોટા મંદિરો જેવાં કે ડાકોર, અંબાજી, પાવાગઢ, દ્વારકા વગેરેમાં લાખો દર્શનાર્થીઓ આવે છે. પરંતુ મંદિરો તરફથી જમવાની કે ચા-પાણીની સવલતો તો ઠીક પણ પાર્કીંગની પણ સવલતો જોવા નથી મળતી.
આવા મંદિરો માટે કેટલીક સેવાઓ ફરજીયાત બનાવવાની જરૂર છે. જેવીકે દરેક માટે જમવાનું ફ્રી, નાસ્તો ફ્રી, પાર્કીગ ફ્રી, આખું કુટુંબ શાંતિથી બેસીને સાથે જમી શકે એવી સવલતો વગેરે. મંદિરોનું સંચાલન અને તેમાં આવતો પૈસૌ માત્ર અને માત્ર શ્રધ્ધાળુઓનો હોય છે માટે તેને શ્રધ્ધાળુઓ પાછળ જ વાપરવો જોઇએ. શ્રધ્ધાળુઓને અપાતી સવલતો પાછળ પૈસો ખર્ચવાના બદલે મંદિરોને બેંકોમાં ફિક્સ ડિપોઝીટો કરવામાં વધુ રસ હોય એમ લાગી રહ્યું છે. દરેક ક્ષેત્રે લોકો પરિવર્તન ઇચ્છે છે. મંદિરોના વહીવટકારો જુનવાણી વિચારોથી સંચાલન કરે છે.મંદિરો જેમ વધુ સવલતો આપશે એમ વધુ શ્રધ્ધાળુઓ ત્યાં આવતા થશે. કોઇ મફત જમતું નથી. મંદિરોના ભંડારામાં લોકો પ્રસાદી લઇને યથા શક્તિ દાન આપવાનું ચૂકતા નથી તે ધ્યાનમાં રાખવું જોઇએ.
તિરૂપતિના મદિરમાં ચાલેલી ગેરરીતીમાંથી ગુજરાતના મંદિરાના વહીવટકારોએ બોધપાઠ લેવાની જરૂર છે. બાકી, શ્રધ્ધાળુઓ તો માનેજ છેકે કરશે એ ભોગવશે. ગુજરાતના કેટલાક મંદિરોમાં શ્રધ્ધાળુઓને જમવાની સવલતો અન્ય મંદિરોએ અનુકરણ કરવા જેવું છે. જેમકે જલારામ મંદિર, સાળંગપુર હનુમાનજી, મહૂડી ઘંટાકર્ણ ભગવાન વગેરે સ્થળો પરની જમવાની વ્યવસ્થા ઉડીને આંખે વળગે એવી હોય છે. બહુ દુરથી આવતા શ્રધ્ધાળુઓને જમવાની સવલત પુરી પાડવી એ આશીર્વાદ સમાન છે. કોઇ શ્રધ્ધાળુ મંદિરોના વિવાદમાં પડવા તૈયાર નથી હોતો તેને પોતાને મળતી સવલતોમાં રસ હોય છે. દક્ષિણના તિરૂપતિ મંદિર જેવી આવક ગુજરાતના કોઇ મંદિરોમાં જોવા નથી મળતી.જે લોકો તિરૂપતિદર્શને ગયા છે તે જાણે છે કે મંદિરમાં બહુ ઉપયોગી સવલતો અને સ્વચ્છતાના દર્શન થાય છે. મંદિરો અને દર્શને આવતા શ્રધ્ધાળુઓ બંને ગામડાનું અર્થતંત્ર મજબૂત બનાવે છે.