- એપલ સિટી તરીકે ઓળખાતા પ્લાંટમાં કોવિડનો ભય
- પ્રસંગપટ
- એપલ ફોન જ્યાં એસેમ્બલ થાય છે ત્યાં કર્મચારીઓ ઓછું અને સવલતોવિહાણું વેતન મેળવતા હોય છે
૩ ટ્રિલિયન ડોલર જેવી માર્કેટ કેપ ધરાવતી અમેરિકન કંપની એપલના કર્મચારી ઓછા હોય અને તેઓ અનિયમિત વેતનના કારણે તોફાને ચઢે તે જોઇ આશ્ચર્ય થાય છે. બેંગલૂરૂ નજીકના કારખાનામાં થયું હતું એવું જ ચીનમાં થયું છે. જે મોબાઇલ ફોન ધરાવવો ગૈારવની વાત બની છે તે એપલ ફોન જ્યાં એસેમ્બલ થાય છે તેના કર્મચારીઓ ઓછું અને સવલતોવિહાણું વેતન મેળવતા હોય છે. એપલ માટે આ શરમજનક વાત છે. એપલના ફોનનું એસેમ્બલિંગ કરતી કંપની ફોક્સકોન વારંવાર તેના કર્મચારીઓના ગુસ્સાનો ભોગ બનતી આવી છે. ભારતના કર્ણાટકના બેંગલુરુ નજીકના ફોક્સકોનના કારખાનામાં બે વર્ષ અગાઉ કર્મચારીઓેએ કરેલી તોડફોડથી ૪૪૦ કરોડનું નુક્સાન થયું હતું એવું જ બે દિવસ અગાઉ એપલ સિટી તરીકે ઓળખાતા ચીનના ઝેનઝોહુમાં આવેલા ફોક્સકોનના કારખાનામાં થયું છે. અહીં બે લાખ લોકો કામ કરે છે.
બન્ને ઘટના પાછળનું કારણ કોમન છે અને તે છે, ઓછું અને અનિયમિત વેતન. કર્ણાટકના ફોક્સકોનના ખાતામાં ૨૦૦૦નો સ્ટાફ હતો. ૫૦ વ્યક્તિઓ વચ્ચે એક વોશરૂમ હતો અને તેની સફાઇ પણ નહોતી કરાતી. આમ તો છેલ્લા કેટલાક મહિનાથી આંદોલન ચાલતું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કારણે મૂકાયેલા પ્રતિબંધો પછી મામલો બિચક્યો હતો. ચીનના આંદોલનો સામાન્ય રીતે વિશ્વ સમક્ષ આવતા નથીસ પરંતુ એપલનું એસેમ્બલિંગ કરતા ફોક્સકોનમાં સિક્યોરિટી અને કર્મચારીઓ વચ્ચેની ફાઇટ વધુ ઉગ્ર બની છે. એપલને તેનું ઉત્પાદન ઓછું થાય તે પોષાય એમ નથી તો બીજી તરફ કોવિડનાં પગલે કડક કાર્યવાહની સીધી અસર થઇ રહી છે.
ચીનમાં હજારો કર્મચારીઓ અને સિક્યોરિટી વચ્ચે સીધી અથડામણ ચાલી રહી છે. જે એક-બે વિડીયો બહાર ફરતા થયા છે તે કારખાનાની અંદરના અત્યાચાર બતાવી રહ્યા છે. કોરોનાની સારવારમાં વપરાતો વ્હાઇટ સૂટ પહેરીને સિક્યોરિટીના લોકો કર્મચારીઓને ફટકારતા હોય તેવું દેખાઇ રહ્યું છે. કર્મચારીઓ જમીન પર સુઇ ગયા છે અને તેમની નજીક વ્હાઇટ સૂટવાળા માણસો દેખાય છે. ચીનમાં સ્ટાફ પર દમન એ નવી વાત નથી, પરંતુ અહીં ઉલટી ગંગા છે. સ્ટાફને પ્લાંટ છોડી જતાં રોકવામાં આવે છે અને બીજી તરફ તેમને ફટકારવામાં આવે છે.
કોરોના ટેસ્ટ બાદ રિપોર્ટ બતાવ્યા વગર કેટલાકને કાઢી મુકાતાં વિવાદ થયો છે. આ લોકો એક સાથે સ્વચ્છતા વિનાની જગ્યા પર નોકરી કરે છે. એકને કોરોના થાય એટલે બીજાને થવાની પુરી સંભાવના હોવા છતાં રિપોર્ટ માટે કોઇ સ્પષ્ટતા કરી નથી. કેટલાક કર્મચારીઓ વીડિયોમાં એવી બૂમો પાડતા સંભળાય છે કે તમે અમને અહીં મારી નાખવા બોલાવો છો. આ કારખાનામાં ઓક્ટોબરથી લોકડાઉન શરૂ થયું છે. લોકડાઉન શરૂ થતાં જ કેટલાક કર્મચારીઓ ત્યાંથી પહેરેલે કપડે ભાગી ગયા હતા. ચીનની કોવિડ ઝીરો પોલિસીના કારણે તમામ પ્રાંતો કડક પગલાં લઇ રહી છે.
આઇફોનના ઉત્પાદનને અસર પડતાં જ કર્મચારીઓને ૭૦ ડોલરની (૫૦૦ યુઆન) સબસીડી આપવાની જાહેરાત કરાઇ હતી. આ સબસીડીને કેર એન્ડ લવ નામ અપાયું છે. જોકે કર્મચારીઓ કહે છે કે જેને કોરોના પોઝિટિવ આવ્યો છે તેને આઇસોલેશનમાં રાખો, નહીંતર અમે બધા જ ખતમ થઇ જઇશું. ચીનના સત્તાવાળાઓનું ધ્યાન ખેંચવા તોફાનો કરાયાં છે જેથી તેમને વધુ મદદ મળી શકે. બે વર્ષ અગાઉ કર્ણાટકના બેંગલુરુથી ૬૦ કિલોમીટર અંતરે ફોક્સકોનના કારખાનામાં તોફાન થયું ત્યારે તો હજારો આઇફોનની લૂંટ ચલાવાઇ હતી અને અડધોઅડધ કારખાનાનું ફર્નિચર અને કોમ્પ્યુટરો તોડી નાખવામાં આવ્યાં હતાં. અહીં કર્મચારીઓને વેતન અનિયમિત અપાતું હતું. કર્ણાટકની સરકારે તે વખતે ફોક્સકોન સામે કેસ પણ કર્યો હતો. ત્યારે એક વાત એવી પણ વહેતી થઇ હતી કે એપલ ભારતમાં ઉત્પાદન બંધ કરી દેશે અને ચીનમાં વધુ એક કારખાનું નાખશે.
કર્ણાટકની સરકારે કુનેહ બતાવીને કર્મચારીઓ અને ફોક્સકોન વચ્ચે સમાધાન કરાવી આપ્યું હતું અને વોશરૂમ સહિતની નવી વ્યવસ્થા ઊભી કરી આપી હતી. ચીનમાં કર્મચારીઓ સાથે સમાધાન શક્ય નથી. ત્યાં સરકારની જોહુકમી વધુ છે. ચીન જાણે છે કે જો કોવિડ ફરી માથું ઉંચકશે તો તેની આર્થિક સ્થિતિને મોટો ફટકો પડી શકે છે. ચીનના મેન્યુફેક્ચરીંગ હબમાં કોવિડનાં પગલે તોફાનો થાય તે ચીન માટે ચિંતાનો વિષય બની જાય છે. એપલના આઇફોનના લેટેસ્ટ ફોર્ટીન પ્રો મોડલ ચીનના કારખાનામાં બને છે. કોવિડના કારણે એપલનાં યુનિટો ઓછા બની રહ્યા છે.


