Get The App

છોકરાઓ ઓનલાઇન ગેમ્બલિંગમાં રોજના 1000 ડોલર રમી નાખે છે

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
છોકરાઓ ઓનલાઇન ગેમ્બલિંગમાં રોજના 1000 ડોલર રમી નાખે છે 1 - image

- પ્રસંગપટ

- ઓનલાઇન ગેમ્બલિંગ એટલે એક પ્રકારનો સાયલન્ટ કિલર

- અત્યાર સુધીમાં ગેમ્બલિંગ સાથે સંકળાયેલી ૮,૪૦૦ જેટલી વેબસાઇટ બ્લોક કરાઇ છે

ઓનલાઇન ગેમ્બલિંગ-જુગાર રમાડતી ૩૦૦ જેટલી વેબસાઇટ અને એપને બ્લોક કરીને સરકારે મોડે મોડે પણ બહુ આવકાર્ય પગલું ભર્યું છે. લોકોને ઓનલાઇન છેતરવામાં આવતા હતા. ક્યારેક નસીબ ચમકતું લાગતું હોય છે પરંતુ ઓેવરઓલ હાર મળતી હતી. ઓેનલાઇન ગેમ્બલિંગ માટે રમવા લોકો કલાકો સુધી કમ્યુટર સામે બેસી રહેતા હોય છે. સરકારે જે ગેમ્બલિંગ સાઇટો પર પ્રતિબંધ મુક્યો છે તેમાં ઓનલાઇન સ્પોર્ટ બેટીંગ પ્લેટફોર્મ,ઓનલાઇન કેસિનો તેમજ સટ્ટા મટકા નેટવર્ક વગેરેનો સમાવેશ થાય છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ગેમ્બલિંગ સાથે સંકળાયેલી ૮,૪૦૦ જેટલી સાઇટો બ્લોક કરાઇ છે. સરકાર માને છેકે જે સાઇટ પર રમનારાને ચોખ્ખો હિસાબ આપે અને તેની સિસ્ટમ અંગે ખુલાસો કરે તેવી ગેમિંગ ઇકો સિસ્ટમ ઊભી કરવી જોઇએ. ઓનલાઇન ગેમિંગ એક્ટ ૨૦૨૫ હેઠળ સરકાર ઇ-સ્પોર્ટને પ્રોત્સાહન આપવા માંગે છે માટે હવે  ગેરકાયદે ચાલતી સાઇટોની સાફસૂફી શરૂ કરી છે. ઓનલાઇન ગેમિંગ રમવા માટેની જાહેરાત પર પણ પ્રતિબંધ મુકાયો છે.

ઓનલાઇન ગેમ્બલિંગ સાયલન્ટ કિલરની યાદીમાં આવે છે. તે એકપ્રકારનું વ્યસન બની જાય છે. એકાઉન્ટમાં પહેલા પૈસા ભરીને નસીબ અજમાવવાના પ્રયાસમાં વ્યસની આખો દિવસ રમ્યા કરે છે.  જુગાર રમવાનો ક્રેઝ અનેક લોકોમાં વર્ષોથી ચાલ્યો આવે છે. આ વ્યસને લાખોને દેવાળીયા બનાવ્યાં છે.  ભારતમાં ઓનલાઇન ગેમ્બલિંગ રમાડનાર પકડાય તો ઓનલાઇન ગેમ્બલિંગ એેક્ટ હેઠળ તેની વેબસાઇટ કે એપ ધરાવનારને એેક કરોડનો દંડ અને ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઇ છે. જે લોકો ઓનલાઇન જુગારના બિઝનેસમાં લાખો કમાતા હોય તેમના માટે આ સજા બહુ હળવા પ્રકારની કહેવાય છે. 

ઓનલાઇન ગેમ્બલિંગ ગેમમાં પોકર, રમી વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં તમિળનાડુ,આન્ધ્રપ્રદેશ, તેલંગાણા, આસામ અને ઓડિસામાં  ઓનલાઇન ગેમ્બલિંગ પર પ્રતિબંધ છે. આવી જુગારની ગેમ રમાડનારા રાજકીય પીઠબળ ધરાવતા હોઇ બાકીનાં રાજ્યોમાં આવી વેબસાઇટોને કોઇ આંચ આવી નહોતી.  ખરેખર તો સમગ્ર દેશમાં ઓનલાઇન બેટીંગની સાઇટ પર પ્રતિબંધ મુકીને દેશના યુવાનોના વેડફાતા પૈસા અને સમય બચાવવો જોઇએ. સ્માર્ટફોન અને હાઇ સ્પીડ ઇન્ટરનેટના કારણે લોકો તે ૨૪ કલાક રમતા થઇ ગયા છે. તેના કારણે લોકો તે ગેમના વ્યસની બની જાય છે. તેના કારણે યુવાનો દેવામાં ફસાય છે અને પછી આપઘાત કરવાના કિસ્સા પણ જોવા મળ્યા છે. 

જેની રીયલ મની ગેમિંગ સિસ્ટમ કહે છે જેમાં લોકોના પૈસા ડૂબે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે કેટલીક ગેમિંગ એપ ઇન્સટન્ટ લોનની વ્યવસ્થા પણ કરી આપે છે, જેના કારણે ગેમ રમનાર દેવાના બોજા હેઠળ વધુ દબાય છે. રમનારા સતત પૈસા ગુમાવતા હોઇતે વધુ કમાવવા ફરી બાજી શરૂ કરે  છે. ગેમ્બલિંગના બંધાણીઓ  ડિપ્રેશનમાં સરી પડતો હોવાના દાખલા નોંધાયા છે. દક્ષિણ ભારતમાં થયેલા એક અભ્યાસમાં જણાયું છે કે કોલેજ જતા ૧૯.૫ ટકા વિદ્યાર્થીઓ ઓનલાઇન ગેમ્બલિંગ રમે છે તે પૈકી ૭.૪ ટકાતો ગેમના વ્યસની બની ગયા છે.

યુનિસેફે તો બહુ ચોંકાવનારો આંકડો આપતા લખ્યું છે કે ભારતમાં છોકરાઓ ઓનલાઇન ગેમ્બલિંગમાં રોજના સરેરાશ ૧૦૦૦ ડોલર વાપરે છે. કેટલીક ગેમ્બલિંગ સાઇટ ભારત બહારથી એેટલેકે કુરાકાઓ અને માલ્ટા જેવા દેશમાંથી ઓપરેટ થાય છે. તે નથી તો ગેમિંગપરનો ૨૮ ટકા જીએસટી ભરતા, કે નથી તો તેમને ઇન્કમટેક્સની ચિંતા કે નથી તો કોઇ કેવાયસીના નિયમો પાળવાની ચિંતા. મની લોન્ડરીંગ કરનારા ઓનલાઇન ગેમિંગસાઇટનો ઉપયોગ કરતા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. એક અહેવાલ અનુસાર ગેમિંગપ્લેટફોર્મ મારફતે દર મહિને ક્રિપ્ટો કરંસીના પ્લેટફોર્મ પરથી ૨૫૦૦ કરોડ રૂપિયાના ગેરકાયદે વ્યવહારો થાય છે.

જ્યારે ઇન્ટરનેટ નહોતું ત્યારે પબ્લીક ગેમ્બલિંગ એક્ટ હેઠળ પગલાં લેવાતા હતાં, પરંતુ ત્યારે જુગારને ગેમ ઓફ સ્કીલ કહેવી કે ગેમ ઓફ લક કહેવું તે સ્પષ્ટ થતું નહોતું. રાજ્યો કોઇ પણ એપને બ્લોક કરી શકતા નથી માટે  આવા પ્રતિબંધો મજાક સમાન બની જાય છે. આવી સાઇટો બ્લોક કરાય તો જ લોકો રમતા બંધ થાય. મોડે મોડે પણ સરકારે લીધેલા નિર્ણય અનેકના ઘર બચાવશે.