દેશમાં દાળ-કઠોળ બજારોમાં પ્રવાહો બદલાતા રહ્યા છે
રવિ મોસમ માટે આવી ખરીદીનો આશરે ૩૧થી ૩૨ લાખ ટનનો ટારગેટ બનાવાયોઃ ઈમ્પોર્ટ વધી પાંચ અબજ ડોલર પાર કરી ગઈ
દેશમાં ૨૦૨૩-૨૪ના પાક વર્ષમાં વિવિધકઠોેળનું ઉત્પાદન આશરે ૨૪૦થી ૨૪૫ લાખ ટન જેટલું થયું હતુ તથા ૨૦૨૪-૨૫ના વર્તમાન વર્ષમાં ઉત્પાદન આ આંકડાથી સહેજ વધુ થવાનો અંદાજ બજારમાં બતાવાઈ રહ્યો છે. રવિ પાકના અંદાજમાં કઠોળનું ઉત્પાદન ૧૫૮ લાખ ટન બતાવાયું છે. જે પૈકી ચણાના ઉત્પાદનનો અંદાજ ૧૧૫ લાખ ટન તથા મસુરના ઉત્પાદનનો અંદાજ આ ગાળામાં ૧૮ લાખ ટનનો મનાયો છે. ખરીફ કઠોળનું ઉત્પાદન આશરે ૭૧ લાખ ટન અંદાજાયું છે. દરમિયાન, ૨૦૨૪-૨૫માં દેશમાં વિવિધ કઠોળની કુલ આયાત આશરે ૬૫ લાખ ટન થવાની શક્યતા બતાવાઈ રહી છે. આ આયાત પૈકી આશરે ૩૦ લાખ ટન આયાત પીળા વટાણાની થવાનું અનુમાન જાણકારો બતાવી રહ્યા હતા. ૨૦૨૧-૨૨ના વર્ષમાં દેશમાં વિવિધ કઠોળનું કુલ ૨૭૩ લાખ ટનનું રેકોર્ડ ઉત્પાદન થયું હતું અને ત્યાર પછીના ગાળામાં ઉત્પાદનના આંકડા નીચા ઉતરતા જોવા મળ્યા હતા. આવા માહોલમાં આયાત પર આધાર વધ્યો છે. વર્તમાન નાણાંવર્ષમાં દેશમાં વિવિધ કઠોળની કુલ આયાતનું બિલ વધી પાંચ અબજ ડોલર ઉપર ગયું છે. એપ્રિલથી સફેબુ્રઆરીના ગાળામાં આ આંકડો ૫ અબજ ડોલર પાર ગયો છે. જે ગયા વર્ષે આ ગાળામાં ૩.૧૭ અબજ ડોલર નોંધાયો હતો.દેશમાં વસતી વધી છે અને તેના પગલે પણ સ્થાનિક માગમાં વૃદ્ધી દેખાઈ છે. દેશમાં દાળ-કઠોળની વાર્ષિક માગ વધી ૨૮૦થી ૨૯૦ લાખ ટન આસપાસ રહી છે. સરેરાશ વાર્ષિક આયાત આશરે ૫૦ લાખ ટન આસપાસ રહી છે. દૈનિક માથાદીઠ કઠોળ-દાળનો વપરાશ આશરે ૫૦થી ૫૫ ગ્રામનો રહ્યો છે. દેશના કઠોળ ઉગાડતા ખેડૂતોના હીતના રક્ષણ માટે સરકાર પોતે વિવિધ કઠોળની ખરીદી ખેડૂતો પાસેથી કરતી રહી છે.
દરમિયાન, દેશમાં વિવિધ કઠોળનું ઉત્પાદન વધારવા હેકટરદીઠ પેદાશ વધારવી જરૂરી છે. એવું કૃષી તજજ્ઞાો જણાવી રહ્યા હતા. કઠોળ ઉગાડતા ખેડૂતોને ઓછા ભાવોએ ફોસ્ફેટીક ફર્ટીલાઈઝર ખાતર પૂરું પાડવું પણ જરૂરી છે. સિંચાઈ ધરાવતા વિસ્તારોમાં કઠોળના પાકને મુખ્ય પાક તરીકે પ્રમોટ કરવું પણ આવશ્યક છે. એવું તજજ્ઞાોએ જણાવ્યું હતું. દેશમાં કરન્સી બજારમાં તાજેતરમાં રૂપિયો નબળો પડતાં તથા ડોલરના ભાવ ઉંચા જતાં તેના કારણે કઠોળની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ છે. દેશમાં છેલ્લા બે વર્ષથી કઠોળની આયાતમાં વૃદ્ધી થઈ છે. રવિ મોસમ માટે કેન્દ્ર સરકારે ૩૨ લાખ ટન કઠોળની ખરીદી કરવાનો ટારગેટ બનાવ્યો છે. લઘુત્તમ ટેકાના ભાવોએ આવી ખરીદી કરવામાં આવનાર છે. ૨૧થી ૨૨ લાખ ટન ચણા તથા ૯થી ૧૦ લાખ ટન મસુર તથા આશરે ૯૦થી ૯૧ હજાર ટન અડદ અને ૧૩થી ૧૪ હજાર ટન મગની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. નાફેડ દ્વારા તેલંગણામાં ચણાની આવી ખરીદી શરૂ થઈ ગઈ છે. મધ્ય પ્રદેશમાં ૨૫મી માર્ચથી આવી ખરીદી શરૂ થવાની શક્યતા છે. ચણાનો રવિ પાક ૧૧૫થી ૧૧૬ લાખ ટન થવાની શક્યતા છે. પાછલા વર્ષે આ આંકડો ૧૧૦થી ૧૧૧ લાખ ટન નોંધાયો હતો. વિવિધ ઉત્પાદક મથકોએ ચણાની નવી આવકો શરૂ થઈ ગઈ છે. પીળા વટાણાની ઈમ્પોર્ટ વધતાં ચણાના બજાર ભાવ પર અસર દેખાતી રહી છે.


