અમેરિકામાં બેરોજગારી હળવી કરવા એચ-વન બી વિઝા પર બ્રેક
- અમેરિકામાં ઇનોવેશન સ્થગિત થઇ જવાની દહેશત
- વારંવાર વિઝા નિતી સાથે ચેડાં કરવાથી અમારી ઓફિસ કેનેડા લઇ જવા વિચારીશુઃ કંપનીઓ કંટાળી છે
- પ્રસંગપટ
અમેરિકાનું વહિવટી તંત્ર વારંવાર એચ-વન બી વિઝા પર પ્રતિબંધ મુકીને ભારતના ટેકનોક્રેટ્સને મુશ્કેલીમાં મુકે છે. હકીકત એ છે કે ભારતનાઇર્ન્ફોમેશન ટેકનોલોજીના નિષ્ણાતોને અમેરિકાની કંપનીઓ સામેથી બોલાવે છે અને આકર્ષક પેકેજની ઓફર કરે છે. જ્યારે જ્યારે અમેરિકામાં બે રોજગારીની બૂમો પડે છે ત્યારે ત્યારે એચ-વન બી વિઝા પર તરાપ મારવામાં આવે છે. એચ-વન બી વિઝા પર ભૂતકાળમાં અનેકવાર બ્રેેક લગાવાઇ છે અને વિરોધ થોડો ઠંડો પડે કે તરતજ ફરી પાછી છૂટછાટો આપી દેવાય છે.
એટલેજ આઇટી ક્ષેત્ર સાથે સંકળાયેલાઓ ક્યારેય એચ-વન બી વિઝા પરના નિયંત્રણોને બહુ ગંભીરતાથી નથી લેતા. અમેરિકાની ટોચની આઇટી કંપનીઓમાં મૂળ અમેરિકનો કરતાં નોન અમેરિકનોની સંખ્યા વધારે છે. અમેેરિકા કોરોનાની પકડમાં હોવાની સાથે સાથે શ્વેત-અશ્વેતોના વિવાદમાં પણ ફસાયેલું છે.
અમેરિકામાં પ્રમખ પદની ચૂંટણીઓ પણ ટકોરા મારી રહી છે આ સંજોગોમાં સ્થાનિક લોકોના દિલ જીતવા (મત મેળવવા) એચ-વન બી વિઝાને ટાર્ગેટ બનાવાયા છે. કેટલીક આઇટી કંપનીઓએ તો સ્પષ્ટ કહ્યું છે કે છાશવારે એચ-વનબી વિઝાને ટાર્ગેટ ના બનાઓ. જો આમ કરશો તો અમે અમારી ઓફિસ કેનેડા લઇ જઇશું.
અમેરિકાની કંપનીઓમાં નિષ્ણાત આઇટી એન્જીન્યરોની અછત અનુભવે છે ત્યાંજ ટ્રમ્પ સરકારે એચ-વન બી પર પ્રતિબંધ મુકી દીધો છે. સ્થાનિક લોકોને મળતી રોજગારીને એચ-વન બી પર આવતા લોકો છીનવી લે છે એવી સર્વમાન્ય છાપથી અમેરિકાનું વહિવટી તંત્ર પીડાતું આવ્યું છે. ત્રણ દિવસ અગાઉ લગાવેલા પ્રતિબંધ પાછળનું કારણ બતાવતા ટ્રમ્પ વહિવટી તંત્રે સ્થાનિક રોજગારીની સમસ્યા બતાવી હતી.
વર્તમાન કોરોનાના સમયગાળામાં ટેકનોલોજી કંપનીઓ ઓવરટાઇમ કરીને લોકોની જરૂરીયાતો સંતોષી રહ્યા છે. જેમકે ટેલિહેલ્થ સર્વિસ, ઓનલાઇનિ હેલ્થ સર્વિસ, બિઝનેસ સોલ્યુશન્સ વગેરે ક્ષેત્રો સતત કામ કરે છે અને નિષ્ણાતોની અછતથી પીડાય છે.
જ્યારથી ટ્રમ્પ વહિવટી તંત્રએ અમેરિકા ફર્સ્ટ વાળી નિતી અપનાવી છે ત્યારથી અમેરિકાના સ્થાનિક લોકોમાં એવો મેસેજ ગયો છે કે બેરોજગારી ઘટશે. હવે એચ-વન બી પર ટેમ્પરરી પ્રતિબંધથી પણ લોકોને નોકરીની તકો દેખાવા લાગશે.
પ્રમુખ ટ્રમ્પે લીધેલો નિર્ણય ચૂંટણી લક્ષી છે. તેમને અમેરિકાના બેકારોની પડી હોત તો તેમને ઉચ્ચ શિક્ષણ આપવાના પગલાં ભરત પરંતુ બરાક ઓબામા પ્રમુખ હતા ત્યારથીજ બેરોજગારોને લોલીપોપ બતાવાય છે. ઓબામાએ તો જાહેરમાં અમેરિકાના યુવાનોને કહ્યું હતું તે પ્લીઝ તમે ભણો નહીંતર સેકન્ડ ગ્રેડની નોકરી કરવી પડશે અને નોન અમેરિકનની ગુલામી કરવી પડશે.વિદેશથી આવતા લોકો ટોચની કંપનીઓમાં પ્રભુત્વ ધરાવે છે.
આ કંપનીઓ માને છે કે સ્કીલ્ડ સ્ટાફ અમેરિકામાંથી નથી મળતો તે માટે ભારત જેવા દેશ તરફ નજર રાખવી પડે છે. અમેરિકા દર વર્ષે ૮૦,૦૦૦ એચ વન-બી વિઝા ઇસ્યુ કરે છે. આ વર્ષે તેણે ૬૦,૦૦૦ વિઝા ઇસ્યુ કરી દીધા છે અને હવે ૬૦ દિવસ માટે પ્રતિબંધ મુકી દીધો છે. અમેરિકન કંપનીઓએ ટ્રમ્પના વહિવટી તંત્રને જણાવ્યું છે કે જો ઇનોવેશન કરવા હશે તોે હોંશિયાર અને નિષ્ણાત લોકો જોઇશે. એચ-વન બી વિઝા મારફતે તેમને બોલાવી શકાય છે. જો તમે તેના પર બ્રેક મારી દેશો તો પછી ઇનેાવેશન સ્થગિત થઇ જશે.
એક કંપનીએ તો એમ લખ્યું છે કે એચ-વન બી મારફતે આવતા બ્રેનને ્અટકાવી દેવાશે તો અમારી કંપનીની ઇમેજ વધારી નહીં શકાય. નવા ઓર્ડર પ્રમાણે એચ-વન બી, એચ- ટુ બી,જે અને એલ વિઝા ૩૧ ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કર્યા છે. ફૂડ સેક્ટર અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલાઓને છૂટછાટ અપાઇ છે.કુલ એચ-વન બી વિઝા પૈકી ૬૭ ટકા ભારતીયોને મળતા હોય છે, ટ્રમ્પના નિર્ણયના કારણે હજારો લોકો અટવાઇ ગયા છે. અમેરિકા ફર્સ્ટની નિતી હેઠળ સરકાર પાંચ લાખ લોકોને નોકરી અપાશે એવો અંદાજ છે.
ભારત અને અમેરિકાના રાજકારણીઓમાં કોઇ ફર્ક નથી ચૂંટણીઓ આવતાંજ તેમને પ્રજા યાદ આવવા લાગે છે તેમજ બેરોજગારીની લોલી પોપ વહેંચવા લાગે છે.
વિઝા પરના પ્રતિબંધોના કારણે અટવાયેલા લોકોએ ચૂંટણીના પરિણામો સુધી રાહ જોવી પડશે.