Get The App

20 હજાર ભારતીયો સાયબર ક્રિમિનલની ગેંગમાં સપડાયા છે

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
20 હજાર ભારતીયો સાયબર ક્રિમિનલની ગેંગમાં સપડાયા છે 1 - image

- ભારતીયોના પાસપોર્ટ પચાવી પાડી તેમને બંદી બનાવાયા હતા

- પ્રસંગપટ

- વિદેશ મંત્રાલયે 2471 ભારતીયોને વિદેશથી ઓપરેટ કરતી સાયબર ક્રિમિનલ ગેંગ્સના પંજામાંથી છોડાવ્યા

ગૃહ મંત્રાલયના તાબા હેઠળ કામ કરતું સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર (I4C)ના ડેટા અનુસાર, દક્ષિણ-પૂર્વ એશિયાઇ દેશોમાં ૨૦,૦૦૦ જેટલા ભારતીયો સાયબર ક્રિમિનલ્સની ગેંગમાં સપડાયેલા છે. તેમાંના અડધોઅડધ લોકોના ઘેર નિયમિત પગાર પહોંચી જાય છે, પરંતુ તેઓ પોતાના પરિવાર સાથે વાત કરી શકતા નથી. 

આશરે પાંચ હજાર ભારતીય પરિવારોએ  સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ વિદેશ જઈને ફસાઈ ચૂકેલા પોતાના સ્વજન સાથે તેઓ વાત સુધ્ધાં કરી શકતા નથી. ભારતીયો પાસે સાયબર ફ્રોડના કામ કરાવતી કૌભાંડકારી કંપનીઓ વિશે જે-તે દેશના સત્તાધીશોને જાણકારી હોય છે, છતાંય તેઓ સાયબર ગુનેગારોની ગેંગના વર્ચસ્વ સામે નિષ્ક્રિય બની ગયા છે. 

ભારતીયોને બંધક બનાવીને તેમની પાસે સાયબર ક્રાઇમ કરાવતા દક્ષિણ- પૂર્વના એેશિયાઇ દેશો સાથે ભારતીય  વિદેેશ મંત્રાલયે મંત્રણા કરી હતી, જેના પરિણામે ૨૪૭૧ ભારતીયો આ કૌભાંડકારી જૂથોના શિકંજામાંથી મુક્ત થઈ શક્યા છે. આ કમનસીબ ભારતીયો છેલ્લાં ત્રણ વર્ષથી સાયબર ગેંગના અડ્ડાઓમાં સબડતા હતા અને ડરના માહોલ વચ્ચે જીવતા હતા. તેમની પાસેથી પાસપોર્ટ આંચકી લેવાયા હતા.

આ ગુનેગારો જુદાં જુદાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને અખબારોમાં જાહેરાતો આપીને નોકરીવાંચ્છુઓને ઇન્ટરવ્યુ માટે બોલાવે છે. પોતે બહુ મોટી કંપની ચલાવે છે એવા તેમનો ઓડંબર હોય. ઉમેદવારોને તેઓ અનેક પ્રલોભનો આપીને ફસાવે. એક તો વિદેશ જવાની લાલચ અને નોકરી મેળવ્યાના સંતોષ - આ બન્ને કારણોનું મિશ્રણ થતાં ઉમેદવારો જે-તે કંપનીના બેકગ્રાઉન્ડ વિશે  જાણવાની તસદી સુધ્ધાં ન લે. ભારતના વિદેશ મંત્રાલયે  દક્ષિણ-પૂર્વના દેશોમાં કામ કરતી ફ્રોડ સાયબર કંપનીઓની યાદી પણ સાઇટ પર મુકી હતી, પરંતુ લાગે છે કે કોઈએ તે વાંચવાની દરકાર પણ કરી નહોતી.  

સરકારી ડેટા અનુસાર તમિળનાડુના સૌથી વધુ લોકોને છોડાવવામાં આવ્યા  છે. તમિળનાડુના ૨૭૩, ઉત્તરપ્રદેશના ૨૪૭, મહારાષ્ટ્રના ૨૨૪, કેરળના ૧૯૬ અને જમ્મુ-કાશ્મીરના ૧૫૧ લોકોને સાયબર ગેંગની ચુંગાલમાંથી છોડાવીને પરત ભારત લાવવામાં આવ્યા છે.

જેમને કમ્પ્યુટર ઓપરેટ કરતાં આવડતું હોય તેમને પહેલો ચાન્સ અપાતો હતો. વિદેશ સ્થિત ઓફિસે પહોંચ્યા પછી સાયબર ક્રાઇમ કરવા માટે ફોન કેવી રીતે કરવા તેની તાલીમ  આપવામાં આવતી હતી.  પાસપોર્ટ જપ્ત કરી લીધા બાદ તેમના પર યાતાનાઓનો દોર શરૂ થતો. રોજના ઓછામાં ઓછા ચાર નિર્દોષ વ્યક્તિઓ સાથે સાયબર ફ્રોડ કરીને તેમને ફસાવવાનો ટાર્ગેટ અપાતો હતો. તેમને માંડ બે ટંક ખાવાનું અપાય. તે બહાર ફરી ન શકે, સ્થાનિક લોકો સાથે પણ વાતચીત ન કરી શકે. પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરવાનું તો વિચારી પણ ન શકે. તેઓ જેલમાં ન હોય, પણ પાક્કી નજરકેદ હેઠળ હોય. તેમનો પગાર તેમની ભારતીય બેંકના અકાઉન્ટમાં જમા થયા કરે.  

કેટલાય ભારતીયો વિદેશ પ્રવાસ માટે ગયા પછી વતન પાછા ફરતા નથી. થાઇલેન્ડ, કંબોડિયા, મ્યાનમાર અને વિયેટમાન ખાતે છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૨,૧૪૫ ભારતીયો વિઝિટર વિઝા પર ગયા ખરા, પણ પાછા ન ફર્યા. તેમાં તમિળનાડુના સૌથી વધુ લોકો હતા.

સ્થાનિક તંત્રની મિલીભગત હોવાના કારણે  ફ્રોડ કંપનીઓ પર કોઇ કાયદેસરના પગલાં લઇ શકાતાં નથી. આ સાયબર ફ્રોડ કંપનીઓ પર ભારત સીધાં પગલાં ન લઈ શકે, કેમ કે ફસાયેલા ભારતીય નાગરિકો સ્વચ્છાએ એમને ત્યાં જોડાયા હતા. 

આ સાયબર ગેંગ્સ દર વર્ષે ભારતમાંથી લગભગ ૧,૦૦૦ કરોડ ઉસેટી જાય છે.  સાયબર ક્રિમિનલોેને પ્રોત્સાહન આપતા દેશોમાં વિઝિટર વિઝા પર જઇને ત્યાં નોકરી કરવાની ઇચ્છા ધરાવનારાઓ આ સાયબર ગેંગ દ્વારા ઝડપાઈ જતા હોય છે. ત્યાંથી  છૂટવા માટે તેઓ છટપટે તો તેમને જાહેરમાં ફટકારવામાં આવે. 

ભારતમાં સ્થાનિક સ્તરે જોબ ફ્રોડ કરીને લોકોને વિદેશ મોકલવાની લાલચ આપીને ફસાવનારી ગેંગો પર ૧૨૮ એફઆઇઆર થઇ છે અને ૨૨૪ વ્યક્તિઓની ધરપકડ કરાઇ છે.