Get The App

ચાઇનીઝ દોરીનો આતંકઃ લોકોના દિલમાં રહેલી કરૂણાને ઢંઢોળો

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
ચાઇનીઝ દોરીનો આતંકઃ લોકોના દિલમાં રહેલી કરૂણાને ઢંઢોળો 1 - image

- સૌએ પોતાનાં ટુ-વ્હીલર પર પ્રોટેક્શન લગાવવું જોઇએ

- પ્રસંગપટ

- જ્યાં સુધી લોકો સ્વયંભૂ ઘાતક ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં છોડે ત્યાં સુધી તેનું વેચાણ અટકવાનું નથી 

ઉત્તરાયણ આડે હજુ ત્રણ અઠવાડિયાંની વાર છે, પરંતુ છેલ્લા  એક મહિનાથી જોખમી એવી ચાઇનીઝ દોરી પકડાઇ રહી છે. પતંગ રસિયાઓ પોતાના સંતોષ માટે ગમે તે રીતે ચાઇનીઝ દોરી મેળવવાનો આગ્રહ રાખે છે. ચાઇનીઝ દોરી માનવજાત અને પક્ષીઓ માટે કેટલી ખતરનાક છે તે વિચારવાનો તેમની પાસે સમય નથી. વાત માત્ર આગામી ઉત્તરાયણની નથી, પરંતુ દરેક ઉત્તરાયણે ચાઇનીઝ દોરી ઘાતક બનીને લોકોનાં ગળાં કાપતી રહી છે. ચાઇનીઝ દોરીના વેચાણ પર એક દાયકાથી પ્રતિબંધ છે, પરંતુ આપણે ત્યાં પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતું મોટું બજાર છે તે હકીકત સ્વીકારવી જોઇએ.

ચીનની તુક્કલો મળતી બંધ થઇ છે, પણ દોરી મળી રહી છે. ચાઇનીઝ દોરી ખરીદનારા છે માટે તે વેચનારા પણ છે. જ્યાં સુધી લોકો સ્વયંભૂ ચાઇનીઝ ઘાતક દોરીનો ઉપયોગ નહીં કરે ત્યાં સુધી તેનું વેચાણ અટકવાનું નથી. 

દર વર્ષે અંદાજે એકાદ ડઝન લોકો અને અસંખ્ય પ્રાણીઓ ચાઇનીઝ દોરાનો ભોગ બને છે તેમ છતાં તેને ખરીદનારો એક વર્ગ છે. આ વર્ગ કોઇનો પતંગ નથી કાપતા, પણ જાણે-અજાણે કોઇનો જીવનનો દોર કાપી નાખે છે.

આપણે ત્યાં દરેક ઉત્સવો રંગે ચંગે ઉજવાય છે, પરંતુ ઉત્તરાયણ એવો ઉત્સવ છે કે જેમાં લોકો કોઇનો જીવન દોર કાપતા અચકાતા નથી. ઉત્તરાયણની પરંપરાગત ઉજવણીમાં ગાયને ઘાસના પૂળા અને ગોળ ખવડાવવામાં આવે છે, પરંતુ ઘાતક દોરીને કારણે આકાશમાં ઉડતા પક્ષીઓનાં કાં તો મોત થાય છે અથવા તો ઘાયલ થાય છે. 

માણસ માત્રના હૃદયમાં કરૂણા હોવાની, પરંતુ તેને ઢંઢોળવાની જવાબદારી જાગૃત લોકોની છે. ચાઈનીઝ દોરીની જેમ વધુ પડતા કાચની માત્રાવાળી દોરી પણ ખતરનાક સાબિત થઇ રહી છે. ચીનની દોરી પ્લાસ્ટિક કોડેટ હોય છે, તેથી પેચ લડે ત્યારે તે સામેવાળાની દોરી આસાનીથી કાપી શકે છે. 

અમુક લોકો પચાસ ટકાથી વધુ કાચવાળી દોરી રંગાવે છે. વધુ પતંગો કાપીને તેઓ ચિચિયારીઓ પાડે છે, પરંતુ તેમને મૂંગાં પક્ષીઓનો ચિત્કાર સંભળાતો નથી. ચાઇનીઝ દોરી કે કાચથી રંગેલી દોરીનો થોડો અમથો ઘસરકો પણ માસૂમ પક્ષીના જીવનનો અંત લાવી દે છે.

સરકારે પ્રતિબંધ મુક્યો છે, પરંતુ ચાઇનીઝ દોરીની દાણચોરી થતી રહે છે, કેમ કે તેને ખરીદનારા છે. જો ડિમાન્ડ જ ન હોય તો કોઈ વેપારી પ્રતિબંધિત ચીજો મગાવે નહીં. કોઇનો પતંગ કાપીને ચિચિયારી પાડવાની મજા માત્ર એક દિવસ પૂરતી હોય છે, પણ જેમનાં ગળા કપાય છે તેમના ઘરમાં શોક કાયમ માટે સ્થિર થઈ જાય છે. 

ચાઇનીઝ દોરીથી જેેમનાં ગળાં કપાયાં છે તેમના કિસ્સા હૃદયદ્રાવક હોય છે. વગર વાંકે લોકો જીંદગી ગુમાવે છે. કોઇનો શોખ કોઇના માટે મોત ખેંચી લાવે છે. ટુ-વ્હીલર વાપરતા લોકો માટે કેટલીક કંપનીઓ પોતાના ખર્ચે સ્ટીયરીંગ પાસે પ્રોટેક્શન રૂપ સળીયો નાખી આપે છે. દર ચાર રસ્તે આવા સળીયા નાખનારા બેઠા હોય છે. 

જેટલી હેલ્મેટ ઉપયોગી છે એેટલી જ ઉતરાણના દિવસોમાં પ્રોટેક્શન આપતા 'યુ' આકારના સળીયા મહત્ત્વના છે. આ સળિયા દોરીને ચાલકના ગળા સુધી આવતા અટકાવે છે. દરેક પરિવારે પોતાના ટુ-વ્હીલર પર પ્રોટેક્શન લગાવવું જ જોઇએ.  મોટી કંપનીઓ અને કારખાનેદારાએેે પણ પોતાના સ્ટાફ માટે પ્રોટક્શન ફરજીયાત બનાવવું જોઈએ. 

પતંગના ઉત્સવનો સંબંધ આનંદ-ઉલ્લાસ સાથે છે, કોઇના બૂઝાતા જીવનદીપ સાથે નહીં.