- પાકિસ્તાનનાં હડહડતાં જૂઠ્ઠાણાં હવે ખુલ્લાં પડી ગયાં છે
- પ્રસંગપટ
- પહેલગામ પર થયેલા આતંકવાદી હુમલા બાબતે ભારતીય સત્તાધીશોની ઉપરાછાપરી બેઠકો થઇ રહી છે
પહેલગામ પર થયેલો આતંકી હુમલો ભારતના ખમીરને ઢંઢોળનારો સાબિત થઇ શકે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વભરના નેતાઓએ પહેલગામ પર થયેલા ત્રાસવાદી હુમલાને વખોડી કાઢ્યો છે, પરંતુ કોઇએ પાકિસ્તાનના શાસકોને ફોન કરીને ખખડાવ્યા નથી. ભારત જેવો પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર પોતાનું છે એવો રણટંકાર કરે છે કે તરત જ સામે છેડે પાકિસ્તાનના શાસકોના પીઠબળવાળાં ત્રાસવાદી સંગઠનો ભારત પર હુમલાનો પ્લાન બનાવવા લાગે છે. ત્રાસવાદીઓને કાશ્મીરમાં ઘૂસવાના છીંડાંની જાણ છે, પરંતુ અત્યંંત આધુનિક શસ્ત્રો વાપરતાં સરહદ સલામતી દળો આ છીંડાં શોધી શકતા નથી તે કમનસીબી છે.
ત્રાસવાદીઓ પહેલગામમાં ધસી આવે, લોકોને પકડીને તેમનો ધર્મ પૂછે અને પછી તેમના પર ગોળીઓ વરસાવે ત્યાં સુધી સુરક્ષા કર્મચારીઓ જોવા ન મળે તે આઘાતજનક બાબત છે. પાકિસ્તાનનાં કરતૂતોથી ભારતના સરહદી સુરક્ષા દળો અજાણ નથી. જ્યાં ચોવીસે કલાક બાજનજર રાખવાની જરૂર હતી ત્યાં હુમલારખોરો સામે પ્રહાર કરવા માટે પોલીસ કે સુરક્ષા દળોના જવાનો હાજર નહોતા. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ભારતના શાસકોની ટીકા થઇ રહી છે.
મૃત્યુ પામનારા નિર્દોષ પ્રવાસીઓના સ્વજનોની આપવીતી હૃદયદ્રાવક છે. કોઇનાં લગ્નને હજુ છ જ દિવસ થયા હતા, તો કોઈનો એક દિવસ પછી બર્થડે હતો. આતંકવાદી હુમલા માટે એવો સમય પસંદ કરવામાં આવ્યો છે કે જ્યારે અમેરિકાના વાઇસ પ્રસિડેન્ટ જે.ડી. વેન્સ ભારતની મુલાકાતે આવ્યા હોય અને વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હોય. પાકિસ્તાની સરકારના દોરીસંચાર હેઠળ ચાલતાં ત્રાસવાદી સંગઠનોએ દુનિયાને બતાવી દીધું છે કે અમેરિકાના ટોચના રાજકીય હોદ્દેદારો ભારતની મુલાકાતે આવે ત્યારે જ હુમલા કરીને અમે બતાવવા માગીએ છીએ કે અમે કોઇથી ડરતા નથી.
ભારત સરકાર વારંવાર ત્રાસવાદના સફાયાની વાતો કરે છે, પરંતુ ત્વરિત વળતો પ્રહાર કરવાનું ભાગ્યે જ વિચારે છે. વર્ષ ૨૦૦૦ અને ૨૦૦૨માં જમ્મુ- કાશ્મીર પર થયેલા હુમલા તેનું ઉદાહરણ છે. પાકિસ્તાનના લશ્કરી વડા અસિમ મુનિરે થોડા દિવસો પહેલાં જ કહ્યું હતું કે કાશ્મીર અમારી મહત્ત્વની ધોરી નસ છે. જે લડાયક ટોનમાં પાકિસ્તાનના શાસકો 'કાશ્મીર હમારા હૈ' કહે છે તે ટોનમાં ભારતના નેતાઓ ભાગ્યે જ વાત કરતા જોવા મળે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે, અલબત્ત, તેમની શૈલીમાં કહ્યું હતું કે પીઓકે હમારા હૈ, હમારા થા, ઔર હમારા રહેગા. લોકો વારંવાર સાંભળતા આવ્યા છે અથવા અનુમાન લગાવતા રહ્યા છે કે ભારત ગમે ત્યારે પીઓકે માટે આક્રમણ કરશે, પરંતુ આ પ્રકારની વાતોનો અમલ ક્યારે થશે તે કહી શકાય એમ નથી.
ભૂતકાળમાં મોદી સરકારે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, જેમાં ત્રાસવાદી અડ્ડાઓ ફૂંકી મારવામાં આવ્યા હતા. પાકિસ્તાનનું નાક દબાવવું હોય તો તેનાં મોટો શહેરોને ટાર્ગેટ બનાવવા જોઇએ. સોશિયલ નેટવર્ક પર ડિજિટલ દેશભક્તો પીઓકે પર હુમલો કરવા સરકારને પાનો ચઢાવી રહ્યા છે.
પહેલગામ પર થયેલા ત્રાસવાદી હુમલા બાબતે પાકિસ્તાનના સત્તાવાળાઓ દેખીતી રીતે જ કહે છે કે અમારે આ હુમલા સાથે કોઇ લેવાદેવા નથી. પાકિસ્તાનનાં હડહડતાં જુઠ્ઠાણાં હવે ખુલ્લાં પડી ગયાં છે. પાકિસ્તાન વિશ્વના દેશોનો વિશ્વાસ ગુમાવી ચૂક્યું છે. ચીન સાથે સંબંધો વધારીને પાકિસ્તાન અમેરિકા સાથે સંબંધ બગાડી ચૂક્યું છે. એક સમયે બાંગ્લાદેશીઓ પર અત્યાચાર ગુજારનાર પાકિસ્તાન હવેે તેની સાથે સંબંધો વધારી રહ્યું છે. દેવાળીયું બની ચૂકેલું પાકિસ્તાન ભારત પર ત્રાસવાદી હુમલા કરીને મોટી ભૂલ કરી રહ્યું છે. વિશ્વના તખ્તા પર દરેક ક્ષત્રે ભારતનેા ડંકો વાગી રહ્યો છે, જ્યારે પાકિસ્તાનના ઘડાનું પાણી પીવા પણ કોઇ તૈયાર નથી.
જે રીતે પહેલગામની ઘટના સંબંધે ભારતના સત્તાધીશોની ઉપરાછાપરી બેઠકો થઇ રહી છે તે જોતાં એમ લાગે છે કે ટૂંક સમયમાં ભારત સર્જીકલ સ્ટ્રાઇક જેવા કોઇ હુમલાનું પ્લાનિંગ કરી રહ્યું છે. જે કાશ્મીર સહેલાણીઓ માટે સ્વર્ગ કહેવાતું હતું તે હવે ત્રાસવાદી હુમલાખોરો માટે સ્વર્ગ બની ગયું છે.


