- મિશેલ ઓબામા સામે પણ 'પુરૂષ' હોવાનો આક્ષેપ
- પ્રસંગપટ
- અમેરિકન પોડકાસ્ટર પર બદનક્ષીનો કેસ કરીને ફ્રાન્સના મેક્રોં બરાબરના ફસાયા છે
- મિશેલ ઓબામા અને બ્રિજિટ મેક્રોં
વિશ્વ સ્તરની બે સેલિબ્રિટી રાજકીય મહિલાઓ વિચિત્ર આક્ષેપોનો ભોગ બની રહી છે. એક અમેેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાંની પત્ની મિશેલ છે, તો બીજા ફ્રાન્સના વર્તમાન પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંનાં પત્ની બ્રિજિટ મેક્રોં છે. બંને સામે એકસરખા વિચિત્ર આક્ષેપ કરાયા છે. મિશેલ અને બ્રિજેટ બન્ને ટ્રાન્સજેન્ડર છે, એટલે કે તેમનો જન્મ સ્ત્રી તરીકે નહીં, પણ પુરૂષ તરીકે થયો હતો તેવા ભદ્દા આક્ષેપ થયા હતા. મિશેલ પુરૂષ છે એવી કોન્સ્પિરસી થિયરીને બરાક ઓબામાએ હસી કાઢી હતી, પરંતુ ફ્રાન્સના પ્રમુખ તો પોતાની પત્નીને પુરૂષ કહેનારા અમેરિકન પોડકાસ્ટર સામે કોર્ટે ચઢ્યા છે.
ગયા વર્ષે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાંની પત્ની મિશેલ ઓબામા જન્મે સ્ત્રી નથી પણ પુરૂષ છે એવો વિચિત્ર વાત ટેસ્લા ફેમ ઇલોન મસ્કના પિતા એરોલ મસ્કે કરી હતી. ઇલોન મસ્કના પિતા હાસ્યાસ્પદ દાવા કરવા માટે જાણીતા છે. તેમણે મિશેલને ટ્રાન્સજેન્ડર અને બરાકને ક્વીર( સ્ત્રૈણ સ્વભાવ-બાયલા જેવો) કહ્યા હતા. ૨૦૧૪માં એક કોમેડીયને કરેલા જોકને ટાંકીને એમણે મિશેલ વિશે આ કમેન્ટ કરી હતી અને બરાક ઓબામાને ગે કહ્યા હતા. મિશેલ વિશે પહેલી વાર ટ્રાન્સપિરસી થિયરી સામે આવી ત્યારે એ અમેરિકાની ફર્સ્ટ લેડી હતાં.
ફ્રાન્સના પ્રમુખ મેક્રોં, બરાક ઓબામા જેવા સહનશીલ નથી. મેક્રોં પોતાની પત્ની સામેના આક્ષેપો પાયા વિનાના છે એમ કહીને બદનક્ષીને કેસ માંડી બેઠા. બ્રિજિટ મેક્રોંનો વિવાદ એવો ચગ્યો અને હવે પ્રેસિડન્ટ મેક્રોં બરાબરના ફસાયા છે. હવે તેમને સાબિત કરવાનું છે કે તેમની પત્ની સંપૂર્ણપણે સ્ત્રી જ છે, પુરૂષ નથી. જરા વિચારો કે ફ્રાન્સના વડા પોતાની પત્નીનું જેન્ડર સાબિત કરવા માટે લડત આપી રહ્યા છે! આ બાજુ, બરાક ઓબામાએ પોતાની પત્ની વિરુદ્ધ થયેલી વિચિત્ર કમેન્ટને હસી કાઢી એટલે તેઓ બચી ગયા. ઇમેન્યુએલ મેક્રોંએ હવે અમેરિકાની કોર્ટમાં એવા દસ્તાવેજ રજૂ કરવાના છે તેમની પત્ની પ્રેગનન્ટ રહી ચૂકી છે અને હોસ્પિટલમાં બાળકને જન્મ આપી ચૂકી છે.
રાજકીય સેલિબ્રિટીઓની સતત ભદ્દી મજાકો તેમજ આક્ષેપો થયા કરતા હોય છે. ઓબામા અને મેક્રોંના કેસમાં જોકે એમની પત્નીઓને નિશાન બનાવવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે ફ્રાન્સના પ્રમુખ મેક્રોંની ઉંમર ૪૭ વર્ષની છે જ્યારે જેેમની સામે પુરૂષ હોવાના આક્ષેપો થઇ રહ્યા છે તેવાં તેમની પત્ની બ્રિજિટની ઉંમર ૭૨ વર્ષ છે.
મેક્રોંેએ ભદ્દી મજાક યા તો આક્ષેપ કરનારા સામે બદનક્ષીનો દાવો કરીને ઊલટાની બદનામી મેળવી છે. જે વાત વિરોધીઓ યા તો અમુક જ વર્ગ પૂરતો સીમિત હતો તે હવે આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કેટલાક અળવીતરા લોકો સેલિબ્રિટીના સેક્સ અથવા જેન્ડર સંબંધિત વિડિયો કે ફોટા સાબિતી તરીકે મૂકીને પોતાની વાતને સાબિત કરવા મથતા હોય છે, જેને ટ્રાન્સવેસ્ટિગેશન કહે છે. કેટલીક સેલિબ્રિટી સામે ચાલીને પોતાના જેન્ડર વિશે જાહેરાતો કરે છે.
સામાન્ય પણ આ સિલિબ્રિટીઓનો સંબંધ ફિલ્મ અને સંગીત જેવા મનોરંજનના ક્ષેત્ર સાથે હોય છે. ટેલર સ્વિફ્ટ, લેડી ગાગા જેવી નામાંકિત સેલિબ્રિટી તેમજ સેરીના વિલિયમ્સ જેવી એથ્લેટ સામે પણ એના સ્ત્રી હોવા બાબતે કોન્સ્પિરસી થિયરીઝ વહેતી થઈ ચૂકી છે.
ફ્રાન્સના ફર્સ્ટ લેડી બ્રિજિટને 'ફર્સ્ટ લેડી ઇઝ એ મેન' કહેનાર અમેરિકન પોડકાસ્ટર કેન્ડસ ઓવેન્સે પોતાના દાવો વારંવાર રિપીટ કરીને ફ્રાન્સના પ્રમુખને છંછેડયા હતા અને ફસાવી દીધા હતા. કેન્ડસ ઓવેન્સ યુટયુબ પર ચાર મિલિયન સબસ્ક્રાઈબર ધરાવે છે.
આપણે ખરેખર વિચિત્ર સમયમાં જીવી રહ્યા છીએ. આ ડિજિટલ યુગ છે અને દુનિયાના એક વિરાટ વર્ગને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિની આઝાદી મળી છે. મેક્રોં કોર્ટમાં પોતાની પત્ની જન્મે સ્ત્રી જ છે તેવું સાબિત કરતા દસ્તાવેજો ભલે રજૂ કરે, પરંતુ કોઇ દેશના પ્રમુખે આવા મામલે અદાલતનાં પગથિયાં ચડવા પડે તે અત્યંત શરમજનક અને ક્ષોભજનક બાબત છે.


