40 દિવસ પછી દિવાળીઃ તેજીના માહોલ વચ્ચે કાજુમાં શોર્ટ સપ્લાય
- પ્રસંગપટ
- મીઠાઇ તથા સૂકામેવાના ભાવ વધ્યા
- કાજુની ખેતી અને પ્રોસેસીંગ સાથે અંદાજે ૧૫ લાખ લોકો સંકળાયેલા છે
દેશમાં તહેવારોની મોસમ ખીલી છે. તાજેતરમાં વિવિધ તહેવારોની ઉજવણીનો પ્રથમ તબક્કો શ્રીગણપતિના તહેવારો સાથે પૂરો થયો છે તથા હવે શ્રાદ્ધપક્ષ પછીનો તહેવારોનો બીજો તબક્કો નવરાત્રીથી શરૂ થશે જે દશેરા-દિવાળી તથા છેક નાતાલ સુધી ચાલવાનો છે. તહેવારોના દિવસોમાં દેશમાં વિવિધ સુકામેવાની બજારોમાં તાજેતરમાં ચહલપહલ વધતી જોવા મળી છે તથા નવરાત્ર તથા દશેરા-દિવાળી દરમિાન આવી માગમાં વિશેષ વૃદ્ધી જોવા મળે એવી શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. સુકા મેવાની બજારોમાં બદામ, કાજુ, અખરોટ, પીસ્તા, અંજીર વિ.નું ચલણ વિશેષ જોવા મળે છે. કોવીડ પછીના સમયમાં લોકો આરોગ્ય વિશે વિશેષ સભાન થયા છે અને આના પગલે પણ દેશમાં વિવિધ સુકામેવાનો વપરાશ વધ્યો છે. જો કે બજારના જાણકારોના જણાવ્યા મુજબ તહેવારોમાં હવે મીઠાઈઓનો વપરાશ ઘટતો જોવા મળ્યો છે. આરોગ્ય વિશે સભાનતા વધતાં મીઠાઈઓના બદલે સૂકોમેવો તથા ચોકલેટોનો વપરાશ તહેવારોમાં વધુ થતો નોંધાયો છે. દરમિયાન, કાજુ બજારમાંથી વહેતા થયેલા નિર્દેશો મુજબ કાજુના ભાવ તાજેતરમાં ખાસ્સા ઉંચા જતા જોવા મળ્યા છે. કાચા માલની અછતના કારણે કાજુનું પ્રોસેસીંગ કરતા કેશ્યુ પ્રોસેસીંગ એકમોના સામે નવા પડકારો ઊભા થયાના વાવડ તાજેતરમાં મળ્યા હતા. એક અંદાજ મુજબ ભારતમાં કાજુની બજારનું કદ ૨૦૨૩ના વર્ષમાં ૨ અબજ ૧૮ કરોડ ડોલર આસપાસ થયું હતું. તે આગળ ઉપર વધી ૨૦૩૨ સુધીમાં વાર્ષિક ધોરણે ૩ અબજ ૧૫ કરોડ ડોલર સુધી પહોંચી જવાની શક્યતા જાણકારો બતાવતા હતા.
દેશમાં વાર્ષિક ધોરણે કાજુની બજારનું કદ ૪થી ૫ ટકાના દરે વધતું જોવા મળ્યું છે. સાદા, સોલ્ટેડ તથા મસાલાવાળા કાજુની માગ ઊંચી જતી દેખાઈ છે. કાજુની ખેતી તથા પ્રોસેસીંગ ક્ષેત્રે આશરે ૧૫ લાખ લોકો સંકળાયેલા રહ્યા છે. ભારતમાં કાજુનું ઉત્પાદન મુખ્યત્વે મહારાષ્ટ્ર, બંગાળ, ગોવા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓરિસ્સા તથા તામિળનાડુમાં થાય છે. ભારતમાં તાજેતરના વર્ષોમાં ફ્લેવર્ડ કાજુની બજાર પણ વિકસતી જોવા મળી છે. કાજુના ભાવ જથ્થાબંધ બજારમાં નવી મુંબઈ ખાતે ૧૦ કિલોના રૂ.૭૨૦૦થી ૭૫૦૦ વાળા વધી રૂ.૯૩૦૦ સુધી તાજેતરમાં જોવા મળ્યા છે. છૂટક સ્તરે કિલોના ભાવ જાતવાર રૂ.૯૦૦થી ૧૨૦૦ આસપાસ રહ્યા છે. કાજુ ટુકડાના ભાવ રૂ.૬૨૫થી ૬૫૦ વાળા વધી રૂ.૮૦૦ થયા છે. આયાતી કાજુ પણ આવે છે. આયાતી કાજુના ભાવ ૧૦ કિલોના રૂ.૮૦૦૦ આસપાસ તથા કાજુ કણીના ભાવ કિલોના રૂ.૪૦૦થી ૫૦૦ આસપાસ રહ્યા છે. દિવાળી તથા અન્ય તહેવોરોમાં કાજુ કતરીની માગ વિશેષ જોવા મળે છે. જોકે કાજુના ભાવ ઉંચા જતાં તાજેતરમાં અમુક વર્ગ બદામ તરફ પણ વળ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી. વિશ્વ બજારમાં આઈવરી કોસ્ટ ખાતેથી કાજુ વિશેષ પ્રમાણમાં આવે છે. બ્રોકન કાજુમાં મીઠાઈ ઇત્પાદકો તથા ડેઝર્ટ ઉદ્યોગની માગ વિશેષ રહી છે. વિશ્વ બજારમાં તાજેતરમાં ઈન્ડોનેશિયાના નવા કાજુ આવતા થયા છે પરંતુ તેની ગુણવત્તા નબળી આવી રહ્યાના વાવડ પણ મળ્યા હતા.
ત્યાં પાક ઓછો મનાઈ રહ્યો છે. દરમિયાન, ધી ડાયરેકટર ઓફ કેશ્યુ રિસર્ચના સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂતોને માર્ગદર્શન આપવા વિશિષ્ટ સોફટવેરની રચના કરવામાં આવી છે. આ નવતર પ્રકારની કેશ્યુ (કાજુ) ફાર્મર્સ ટ્રેકિંગ સિસ્ટમમાં કયુઆર કોડ રહેશે જેના આધારે ખેડૂતોને વિવિધ માહિતી ઉપલબ્ધ બનશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું. કેરળમાં કાજુ પ્રોસેસીંગ યુનિટો સામે કાચા માલોની અછતની સમસ્યા જોવા મળી છે. વિશ્વ બજારમાં આઈવરી કોસ્ટના નામના દેશની સરકારે રો-કાજુની નિકાસ કરવાના બદલે તેને ઘરઆંગણે પ્રોસેસ કરીને પછી વેંચવાનું નક્કી કર્યાના સમાચાર પણ તાજેતરમાં દરિયાપારથી વહેતા થયા હતા.