For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોટાં શહેરોમાં હાર્ટ એટેકની સંખ્યામાં છ ગણો વધારો થયો

Updated: Sep 23rd, 2022

Article Content Image

- માંસાહારીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધુ 

- પ્રસંગપટ

- મલ્ટી ટાસ્કિંગ કરતા હોવાનો ડોળ કરનારા હાઇપર ટેન્શન જેવા સાઇલન્ટ કિલરનો ભોગ બને છે.

હાઇ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક વગેરે સાઇલન્ટ કિલરની યાદીમાં આવે છે. બહારથી તંદુરસ્ત દેખાતા કામગરા માણસ પર હાઇબ્લડ પ્રેશર ક્યારે ચઢાઇ કરે છે તેની ખબર નથી પડતી. અનિયમિત જમવાનું, શરાબ-માસાંહારના વ્યસનીઓ વહેલા મોડા સાઇલન્ટ કિલરને ટકરાઇ જાય છે. આ બધામાં ડાયાબિટીસ ઉદ્દીપક તરીકે કામ કરે છે.  

માંસાહારીઓ માટે આ ચેતવાનો સમય છે. શાકાહારી કરતાં માંસાહારીઓ જીવલેણ હુમલાને સહન કરી શકતા નથી. બલ્ડ કોલેસ્ટેરોલ વધારતાં તત્ત્વોેમાં માંસાહાર મોખરે આવે છે. કેટલાક માંસાહાર શરીર પચાવી શકતું નથી. જે લોકો સમૃદ્ધિમાં આળોટતા હોય છે તેમને પણ હાર્ટ એટેક છોડતો નથી. નિયમિત કસરત કરનારાઓ પણ આ સાઇલન્ટ કિલરની ઝપેટમાં આવી જતા હોય છે. રાજુ શ્રીવાત્સવ જેવી સેલિબ્રિટી અચાનક સાઇલન્ટ કિલરની બાંહોમાં આવી ગયો હતો. સર્વોત્તમ સારવાર મળી હોવા છતાં તેની જીવનલીલા સંકેલાઇ ગઇ હતી. તેના સમર્થકો મન મનાવવા કહે છે કે ભગવાને તેમને ઉપર કોમેડી શો કરવા બોલાવ્યા છે.

જે લોકો માંસાહારના શોખીન છે તેઓ પોતાના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. તેમને ખબર નથી કે તે આગ સાથે રમી રહ્યા છે. આવા લોકો માટે કૃત્રિમ માંસ બજારમાં મળે છે, પરંતુ લોકોને મૂંગા પ્રાણીઓના ચિત્કારવાળું માસ વધુ ગમતું હોય એમ લાગે છે. હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર સેલિબ્રિટીઓની યાદી લાંબી છે. તેમાંના મોટા ભાગના માંસાહારીઓ છે તે પણ સમજી લેવું જોઇએ. મોટા શહેરોમાં હાર્ટ એટેકની સંખ્યામાં છ ગણો વધારો થયો છે. અનેક પ્રસંગોમાં લોકો કોઇ ગીત ગાતા હોય અને ઢળી પડયા હોય એવું બન્યું છે. કોઇ સેલિબ્રિટી હાર્ટ એટેકથી મોતને ભેટે તો તે સમાચાર બને છે, પરંતુ કોઇ હરતો-ફરતો કોમનમેન હાર્ટ એટેકનો ભોગ બને ત્યારે તના પર રહેલું ટેન્શનની કોઇ નોંધ નથી લેવાતી.  

હાર્ટ એટેકની વધતી સંખ્યા ચિંતાનો વિષય બની ગયો છે. બે ત્રણ મુદ્દા હાર્ટ એટેકની વધતી માત્રા માટે જવાબદાર ગણવામાં આવે છે. જેમકે કોરોના થયો હોય પછી થ્રોમ્બોસિસ (લોહીનું વહન કરતી નળીઓમાં એક પ્રકારનાં જાળાં બંધાવા, ક્લેાટ થવું)ને કારણે લોહીનું પરિભ્રમણ બરાબર થતું નથી, હાર્ટમાં દુખતું હોય, પણ તે બાબતે બહુ ધ્યાન ના આપ્યું હોય અને સખત કામ વચ્ચે આરામનો અભાવ હોય. એવું પણ નથી કે માત્ર ભારતનાં શહેરોમાં કોરોના દર્દી હાર્ટ એટેકનો ભોગ બન્યા છે. વિદેશમાં પણ આવા કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે.  નિષ્ણાતો કહે છે કે કોરોનાના બીજા વેવમાં કોરોનાના ઘણા દર્દીઓએ હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું, જેના કારણે લાઇફ સેવિંગ ડ્રગની કોઇ સારવાર તેમને મળી નહોતી. જે દર્દીઓ કોરોનાને ઓળખવામાં મોડા પડયા અને ઘેર બેઠા સારવારને પસંદ કરતા હતા તેમાંના અનેક હાર્ટ એટેકથી પીડાતા હોવાનું જોવા મળ્યું છે. 

વધતાં હાર્ટ એટેકની પાછળનું એક કારણ એ પણ છે કે આજકાલ જીવન ભૌતિક સ્તરે સમૃદ્ધ બનતું જાય છે. શારીરિક મુવમેન્ટ લગભગ ખતમ થઇ ગઈ છે. આખો દિવસ ટેબલ-ખુરસી પર કામ કર્યા કરતા લોકોને પોતાનાં શરીર પાછળ સમય ફાળવવાનો સમય નથી હોતો.  

ટૂંકમાં એમ પણ કહી શકાય કે ભૌતિક ુસુખસુવિધાનાં પગલે હાર્ટના રોગ પણ પ્રવેશતા હોય છે. અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવા પાછળનું મોટું કારણ એ છે કે નોકરિયાત વર્ગ આરામ કરી શકે અને નોકરીના ટેન્શનને રજાઓના ગાળામાં પોતાના ફેમિલી માટે સમય ફાળવીને હળવું કરી શકે છે. પોતાના મનને શાંતિ મળે એવા નિયમિત મંદિરે જવાની પ્રવૃત્તિથી લોકો દૂર થઇ રહ્યા છે. આખો દિવસ પૈસાની પાછળ ભાગતા લોકોને હાર્ટ કે બ્રેન સ્ટ્રોક ક્યારે દગો દઇ દેશે તેની ખબર નથી હોતી. સૌ જાણે છે કે ભાગદોડવાળી જીંદગીમાં ગમે ત્યારે પંચર પડી શકેે છે અને સ્પર્ધાના આ યુગમાં દોડવા સિવાય છૂટકો પણ નથી. 

ડોક્ટરો વારંવાર સલાહ આપતા હોય છે કે સવારના બે કલાક શરીર પાછળ અને મનને સ્થિર કરવા પાછળ ફાળવો. પરંતુ આરોગ્યવિષયક સલાહો માનવા લોકો તૈયાર થતા નથી અને પછી આઇસીયુમાં જવાનો વારો આવે છે. લોકો પોતે મલ્ટીટાસ્કિંગ કરતા હોવાનો ડોળ કરતા હોય છે, વધારાની આવક મેળવવા વધારાનું કામ કરતા હોય છે, પરંતુ આમ કરીને લાંબા ગાળે તેમનું શરીર હાઇપર ટેન્શન કે ડાયાબિટીસનું ઘર બની જાય છે. એવું પણ નથી કે લોકો સાયલન્ટ કિલર એવા હાઇપર ટેન્શનથી અજાણ છે, પરંતુ 'આપણને કશું ના થાય' એવા ઇગોથી લોકો પીડાતા હોય છે.

Gujarat