કોરાનાકાળની યાદ મેઘરાજાએ તાજી કરાવીઃ બેંગલુરૂમાં ફરી વર્ક-ફ્રોમ-હોમ
- જ્યારે વરસાદ પડે છે ત્યારે બેંગલુરૂ બેહાલ બની જાય છે
- પ્રસંગપટ
- જ્યાં આઇબીએમ અને નોકિયા જેવી કંપનીની ઓફિસો છેતેટેકનોલોજી પાર્કમાં બબ્બે ફૂટ પાણી ભરાયું
ભારતની સિલિકોન વેલી, આઇટી કેપિટલ અને ગાર્ડન સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતું બેંગલુરૂ આજકાલ વરસાદનાં ભરાયેલાં પાણીથી ત્રસ્ત છે. ૧૮ મેના રોજ ભારે વરસાદ પડયો હતો ત્યારથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ૨૦ જેેટલાં તળાવો છલકાઈ ગયાં છે. નાનાં ઉદ્યોગ એકમોમાં પાંચ-પાંચ ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં છે. આખું બેંગલુરૂ પીવાના પાણી માટે ટેન્કરો પર આધારિત બની ગયું છે.
બેંગલુરૂમાં નવાં મકાનો અને ઓફિસો ઊભી થઇ રહી છે, પરંતુ પાણીના નિકાલની નક્કર વ્યવસ્થા ઊભી થઈ શકી નથી. જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે બેંગલુરૂ બેહાલ બની જાય છે.
જ્યાં આઇબીએમ અને નોકિયા જેવી કંપનીની ઓફિસો છે તે માન્યતા ટેકનોલોજી પાર્કમાં બે ફૂટ જેટલું પાણી ભરાઇ ગયું હતું. એવી જ રીતે યેલહંકા, સિલ્ક બોર્ડ, રાજેશ્વરી નગર જેવા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનો ફસાઇ ગયા હતા.
જેને સર્ચ ટાઇટનનું બિરૂદ મળેલું છે તે ગુગલે બેંગલુરૂમાં ઊભું કરેલું અનંતા નામનું નવું વિશાળ કેમ્પસ હજુ બે મહિના પહેલાં જ સક્રિય થયું છે. ગુગલ વેસ્ટ વોટરનું ૧૦૦ ટકા રીસાયક્લિંગ કરવાનો પ્લાન્ટ ધરાવે છે. જોકે હાલ આ આખું કેમ્પસ પાણીથી ભરેલું છે.
બેંગલુરૂ દક્ષિણનું સૌથી મોટું શહેર અને કર્ણાટકની રાજધાની છે. ૩૦૦ કરતાંય વિદેશી ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓ બેંગલુરૂમાં સક્રિય હોવાને કારણે આ શહેરમાં વિદેશી નાગરિકોની ખાસ્સી અવરજવર રહે મળે છે. વિદેશી કંપનીઓની હાજરી તો બેંગલુરૂ શોભા છે. વિશ્વભરની આઇટી કંપનીઓ પોતપોતાની ઓફિસ બેંગલુરૂમાં ખોલે છે, પરંતુ બેંગલુરૂનો વહીવટ દીવા તળે અંધારા સમાન છે.
ગયા વર્ર્ષેે બેંગલુરૂમાં વરસાદનાં ભરાયેલાં કારણે એક ટોચની કંપનીના સીઇઓ હોડીમાં ઓફિસ જઈ રહ્યા હોય તેવી તસવીરોએ વિશ્વમાં ચર્ચા જગાવી હતી.
બેંગલુરૂની આઇટી કંપનીઓએ સતત વરસાદ અને ભરાયેલાં પાણીથી ત્રાસીને સ્ટાફને વર્ક-ફ્રોમ-હોમની સવલતો ઊભી કરી આપી છે, જે કોરાનાકાળની યાદ અપાવે છે. ઇન્ફોસિસે જાહેર કર્યું છે કે સ્ટાફની સલામતીને ધ્યાનમાં રાખીને કર્માચારીઓને વર્ક-ફ્રોમ-હોમની સૂચના અપાઈ છે.
એવી જ રીતે રિંગ રોડ પર તેમજ ઇલેકટ્રોનિક સિટી ઝોનમાં સક્રિય કંપનીઓએ પણ સ્ટાફની સલામતીને ધ્યાનમાં રાખીને વર્ક-ફ્રોમ-હોમની સૂચના આપી છે.
બેંગલુરૂ નગરપાલિકાના ચીફ કમિશનરે પણ લોકોને ઘરમાં રહેવા અનુરોધ કર્યો છે.કમિશનર જી. પરમેશ્વરે કહ્યું કે પ્લાસ્ટિક, કાદવ અને પાંદડાંને કારણે ગટરો ભરાઈ ગઈ હોવાથી પાણીનો નિકાલ થતો નથી. આ નિવેદન પછી તેમના વહીવટની ખૂબ ટીકા થઇ હતી. બેંગલુરૂમાં કરંટ લાગવાથી જે બે વ્યક્તિઓનાં મોત થઈ ચૂક્યાં છે. ભરાયેલાં પાણીનો નિકાલ માટે ઊભું કરાયેલું ઇન્ફ્રાસ્ટ્રકચર બેંગલુરૂમાં નિષ્ફળ ગયું છે.
સોશિયલ મીડિયા પર બેંગલુરૂના વહીવટની મશ્કરી થાય છે. લોકો બ્રાન્ડ બેંગલુરૂને બેડ બેંગલુરૂ કહી રહ્યા છે. વરસાદનાં ભરાતાં પાણી ઉપરાંત ટ્રાફિકજામ તો અહીંની કાયમી સમસ્યા છે. બેંગલુરૂના રીક્ષાચાલકો પ્રવાસી સાથે ઝગડી પડતા હોવાની ઘટના રોજીંદી છે. બે દિવસ અગાઉ સોશ્યલ મીડિયા પર શેર થયેલા એક વીડિયો અનુસાર એક પેસેન્જરને રીક્ષા ચાલકે રિવોલ્વર બતાવીને ડરાવ્યો હતો.
બેંગલુરૂના બેહાલ જોઈને અહીં ઓફિસ શરુ કરવા માગતી નવી કંપનીઓ વિચારમાં પડી ગઈ છે કે અહીં રોકાણ કરવા જેવું છે કે નહીં. આ કંપનીઓ હવે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફ વળી રહી હોવાના અહેવાલ છે.
કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે અને આ ભરાયેલાં પાણીમાં ભાજપને પોતાની સંભવિત ખુરશીનાં દર્શન થઈ રહ્યાં છે.