કોરોના કાળમાં રિલાયન્સ અને સોનું બંને બજારોમાં તેજી ખેંચી લાવ્યા છે
- 867 પરથી 2079 રૂપિયા સુધીના શેરની સફર
- પ્રસંગપટ .
- તૂટેલા ભાવે ખરીદી કરનાર ફાયદામાં : 867 પર ખરીદી કરનારાઓને ત્રણ મહિનામાં પૈસા ડબલ કરવાનો મોકો મળ્યો
કોરોના કાળમાં ચોમેરથી મંદીના માર વચ્ચે પણ સોનું અને રિલાયન્સ એમ બંને ખીલી ઉઠયા છે. સોનું રક્ષાબંધનના દિવસોમાં એટલેકે અઠવાડીયા પછી ૫૫,૦૦૦ને સ્પર્શે એમ મનાય છે. જ્યારે લિાયન્સના એક શેરના ભાવ ૨૪૦૦ની આપસાસ રહેશે.
કોરોના કાળમાં રિલાયન્સના ભાવો ૯૦૦ રૂપિયા પરથી ૨૦૭૯ રૂપિયા સુધી પહોંચ્યા છે. આજકાલ રિલાયન્સ ટોક ઓફ ધ ટાઇન છે કેમકે સોનું પડયુ પડયું વધ્યું છે એમ રિલાયન્સનું પણ થયું છે. રિલાયન્સમાં રોકાણ કરનારાઓ પોતાની જાતને બાહોશ સમજવા લાગ્યા છે.
રિલાયન્સના વધતા ભાવો તૂટતા બજારો માટે ટેકા સમાન સાબિત થયા છે જ્યારે રિલાયન્સના ભાવો તૂટે એટલે બજાર પણ ડામાડોળ થતું હતું. શેર બજારમાં રોકાણ કરતા લોકો રિલાયન્સના શેરોને લગડીમાં ગણાવે છે. લાંબા ગાળાનું રોકાણ કરનારાએ રિલાયન્સ પર ભરોસો મુકતા હતા કેમકે તે ગુજરાતીઓ ચલાવતા હતા. શેર બજારમાં ભૂતકાળમાં અનેક કડાકાઓ થયા છે પણ રિલાયન્સે તેની સ્થિરતા જાળવી રાખી હતી. પરતું કોરોના વાઇરસના કારણે વૈશ્વિક મંદીનો માહોલ ઉભો થયો ત્યારે રિલાયન્સ પણ ડગમગી ગયો હતો. ત્યારે કોરોના કાળની થાપટમાં રિલાયન્સ પણ આવી ગયું હતું. જ્યારે શેર બજાર મંદીની પકડમાં હતું ત્યારે રિલાયન્સના ભાવોએ પણ પકડ ગુમાવી દીધી હતી. શેર બજાર સાથે સંકળાયેલા લોકો એમ માનતા હતા કે રિલાયન્સ તૂટે એટલે બજારો પર ભરોસો પણ તૂટે.
એક તબક્કે રિલાયન્સ ૮૬૭ પર રમતો હતો. તે તારીખ ૨૩ માર્ચ-૨૦૨૦ હતી. ત્યારે રિલાયન્સના જથ્થાબંધ શેરેા ધરાવનારાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. રિલાયન્સના શેરોમાં રોકાણને સ્થિર અને લગડી કહેવાતું હતું પરંતુ તે તૂટતાં લોકો ગભરાયા હતા. હવે શેર બજાર પણ તૂટશે અને ફરી ૮૦૦૦ પર આવી જશે એવી નેગેટીવ વાતો કરતા હતા. આવી વાતોને અસ્થિર રિલાયન્સનો ટેકો મળતો હતો.
એપ્રિલમાં રિલાયન્સના ભાવો કળ વાળીને ફરી બેઠા થયા હતા. ત્યારબાદ ભાવોએ ગતિ પકડી હતી. રિલાયન્સના વધતા ભાવો સાથે શેર બજારે પણ મજબૂતી પકડી હતી. આજે દરેક બજારો મંદી તરફ છે ત્યારે શેર બજાર ઉછાળા મારી રહ્યું છે. કોરોના કાળમાં અનેક લોકો શેર બજારમાંથી કમાયા છે.
જ્યારે ભારત અને ચીન વચ્ચે યુધ્ધના નગારાં વાગતા હતા ત્યારે પણ શેર બજાર તૂટવાની સંભાવનાઓ વચ્ચે પણ શેર બજારો સ્થિર રહ્યા હતા. વિવિધ રેટીંગ એજંસીઓએે ભારતના ઉદ્યોગોનું ચિત્ર નબળું આંક્યું હોવા છતાં શેર બજારોમાં પોઝીટીવ પવન ચાલુ રહ્યો હતો શેર બજારમાં રિલાયન્સ વધ્યા કરતો હતો તો બુલિયન માર્કેટમાં સોના ચાંદીએ ફરી પાછી ચમક મેળવવાની શરુ કરી હતી. છેલ્લા ત્રણ મહિનાથી તો સોનાં કરતાં ચાંદીના ભાવો વધુ જોવા મળતાં આ કોલમમાં તેને સન્ડે ઇઝ લોંગર ધેન મન્ડે કહીને નવાજવામાં આવ્યા હતા. કેટલાંક ભાવો વધતાં તે બજારોને ટકાવી રાખતા હોય છે. રિલાયન્સ અને સોના-ચાંદીના ભાવોે શેર બજારોને ટકાવવાનું કામ કર્યું હતું.
દેશનો જીડીપી, બેરોજગારીનો આંક, બંધ થતા કારખાનાનો દર, ભ્રષ્ટાચારનો આંક વગેરે ચિંતાજનક હોવા છતાં શેરબજારે તેજીનો કરંટ મેળવી લીધો હતો. આજે રિલાયન્સ ૨૦૭૯ને ટચ થઇને બજારો બંધ થયા ત્યારે ૨૦૬૦ પર સ્થિર થયા હતા. સોનાના ભાવોએ પણ આજે તેજી બતાવી હતી, જીએસટી સાથે ૫૩,૦૦૦ને સ્પર્શ કર્યા હતા જ્યારે ચાંદીનો ભાવ ૬૨, ૭૬૦ બોલાતા હતા. રિલાયન્સના શેરોના વધતા ભાવો પાછળ નાના રોકાણકારોનો ફાળો પણ મોટો છે.
રિલાયન્સે તેમનો ભરોસો જીતી બતાવ્યો છે. જ્યારે રિલાયન્સના ભાવો ૮૬૭ જેટલા નીચે પહોંચ્યા ત્યારે કેટલાક ઉતાવળીયાઓએ પોતાની પાસેના શેર વેચી દીધા હતા જ્યારે કેટલાકે આ તૂટેલા ભાવોમાં નવી ખરીદી કરી હતી. ૮૬૭ પર ખરીદી કરનારાઓને ત્રણ મહિનામાં પૈસા ડબલ કરવાનો મોકો મળ્યો હતો. રિલાયન્સે તેની છેલ્લી એન્યુઅલ જનરલ મિટીંગમાં ફાઇવ-જી લાવવાની જાહેરાત કરીને કોર્પોરેટ દુનિયા તેમજ રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું હતું.
આપણે જ્યારે ચોમેર મંદી અને બેરોજગારીની વાતો સાંભળતા હોઇએ ત્યારે રિલાયન્સ અને સોનાના વધતા ભાવો ઠંંડી લહેરખી સમાન સાબિત થયા છે. રિલાયન્સના શેરોના ભાવોમાં ઉછાળો આવતાં કંપનીની માર્કેટ કેપ(માર્કેટ કેપીટલાઇઝેશન) ૧૩.૫ ટ્રીલીયન પર પહોંચી ગઇ હતી.