Get The App

ડૂબતા પુત્રને પિતા લાચાર નજરે જોતા રહ્યાઃ નોઇડાની કરૂણાંતિકા

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
ડૂબતા પુત્રને પિતા લાચાર નજરે જોતા રહ્યાઃ નોઇડાની કરૂણાંતિકા 1 - image

- તંત્રની બેદરકારી, ઉદાસીનતા અને કાર્યક્ષમતાનો અભાવ

- પ્રસંગપટ

- કારના રૂફ ટોપ પર ઊભેલો યુવાન બૂમો પાડતો રહ્યો અને આખરે ગંદા પાણી ભરેલા ખાડામાં ગરકાવ થઇ ગયો 

નોઇડા જેવા મોટા શહેરમાં  બેદરકારી અને ભ્રષ્ટાચારના પાપે થયેલા એક તેજસ્વી યુવાનના કમોતનો  કિસ્સો સર્વત્ર ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાક્રમમાં કમનસીબે રાજકારણ પણ પ્રવેશ્યું છે. ઘટના જ્યાં બની છે ત્યાંના જીલ્લા મેજીસ્ટ્રેટ મહિલા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનાં પુત્રી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર આજકાલ વિરોધ પક્ષોનું ટાર્ગેટ બનેલા છે. 

શહેરોમાં વિચિત્ર અકસ્માતોની ઘટના વારંવાર બનતી રહે છે.  અનેક લોકો જાન ગુમાવી ચૂક્યા છે, પરંતુ વહિવટી તંત્રની નીતિ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી હોય છે. ખાટલે મોટી ખોડ એ છે કે તેઓ આગ લાગે ત્યારે પણ કૂવો ખોદી શકતા નથી. 

દેશમાં નોઇડાની જમીનોના ભાવ સૌથી વધુ છે. નોઇડાના સેક્ટર ૧૫૦માં ગયા શનિવારે ૩૦ ફૂટ ઊંડા ખાડામાં ૨૭ વર્ષના એક યુવાન સોફ્ટવેર એન્જિનીયર તેની ગાડી સાથે ડૂબી ગયો. આ ઘટના અનેક લોકોએ સ્તબ્ધ બનીને નજરે જોઇ હતી. 

કારના રૂફ ટોપ પર ઊભેલો  યુવાન 'બચાવો... બચાવો'ની બૂમો પાડતો રહ્યો અને આખરે ગંદા પાણી ભરેલા ખાડામાં ગરકાવ થઈ મોતને ભેટયો. ઘટનાથી સમગ્ર વિસ્તાર સૂનમૂન બની ગયો છે. જ્યાં યુવાન ડૂબ્યો હતો તે સ્થળને જોવા માટે આજે પણ લોકો ઊભેલા જોવા મળે છે.

યુવરાજ મહેતા નામનો આ યુવાન એન્જિનીયર શુક્રવારે રાત્રે કારમાં જતો હતો ત્યારે રસ્તાની સાવ નજીક ખોદાયેલા ૭૦ ફૂટ ઊંડા ખાડામાં કાર ફેંકાઈ ગઈ. ખાડો એક કોમર્શિયલ પ્રોજક્ટની બાજુમાં પડયો હતો અને તેમાં ગંદુ પાણી તેમજ વેસ્ટ જમા થયા કરતાં હતાં. યુવરાજે બચવા માટે બહુ પ્રયાસ કર્યા હતા. એ તરતી ગાડી પર ચઢી ગયા હતા અને મદદ માટે તેના પિતા અને અન્ય સત્તાવાળાઓને પણ ફોન કર્યા હતા. 

જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ તેની કાર ખાડામાં ખૂંપતી ગઇ હતી. પોતાને પિતાને એણે લોકેશન પણ શેર કર્યું હતું અને મેસેજ કર્યો હતો કે ડેડ, હું પાણી ભરેલા ઊંડા ખાડામાં છું અને ડૂબી રહ્યો છું , પ્લીઝ મને બચાવી લો. 

યુવરાજ પાસે ગ્રાન્ડ વિટારા ગાડી હતી જે તેની સમૃધ્ધિ દર્શાવતી હતી. તેને સ્વિમીંગ નહોતું આવડતું. પોતના ફોનની બેટરી ચાલુ કરીને લોકોનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો કરતો હતો. ધૂમ્મસના કરાણે તેના સુધી પહોંચી શકાયું નહોતું. તેની 'બચાવો... બચાવો'ની બૂમો સાંભળીને નજીકમાંથી પસાર થતા લોકોએ પોલીસને ફોન કરીને બોલાવી હતી. સ્થાનિક પોલીસ અને ડૂબકી મારનારાઓ વગેરે પણ ગયા હતા. જોકે ધુમ્મસના કારણે બચાવ કામગીરીમાં વિલંંબ થયો હતો.  આ વિસ્તારમાં લાઇટના અભાવ હોવાને કારણે બચાવ કામગીરી અટવાયા કરી હતી. 

યુવરાજનું ઘર ઘટનાસ્થળની નજીકમાં જ હોવાથી એના પિતા રાજ મહેતા તરત જ આવી ગયા હતા. રાજ મહેતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત ડાયરેક્ટર છે. પુત્રને ડૂબતો જોઇ તેઓ પણ ગંદા પાણીમાં કૂદ્યા હતા. યુવરાજની 'બચાવો... બચાઓ'ની બૂમો કિનારા પર ઉભેલા લોકોને સ્પષ્ટ સંભળાતી હતી. 

યુવરાજની કમનસીબી એ હતી કે ધૂમ્મસ વધુ પડતું હતું, તેથી તે નજરે ચડતો નહોતો. તેની બૂમો જોકે બહાર સંભળાતી હતી. કેટલાકે કાર પર ઉભેલા યુવરાજને ડૂબતો જોયો હતો. વાતાવરણ  બચાવ કામગીરીમાં  સહાયરુપ બને તેવું નહોતું. બચાવ કામગીરી કરનારાઓ પાસે પૂરતાં સાધનો નહોતો. તરવૈયા નહોતા, ડાઇવર નહોતા. બોટ સુધ્ધાં નહોતા. ક્રેન મંગાવાઇ હતી, પરંતુ ધૂમ્મસ આડે આવ્યું હતું. પાંચ કલાક પછી ક્રેનની મદદથી ડૂબેલી ગાડી બહાર ખંેચી કઢાઇ હતી. યુવરાજનો  મૃતદેહ પણ મળી આવ્યો હતો. પિતાની નજર સામે પુત્રે 'બચાઓ... બચાઓ'ની બૂમો પાડતાં પાડતાં જળ સમાધિ લીધી હતી. 

યુવરાજને બચાવી શકાયો હોત જો સત્તાવાળાઓ પાસે નિષ્ણાત તરવૈયા હોત અને આધુનિક સાધનો હોત. હેલિકેાપ્ટર મદદે આવ્યું હોત તો કામગીરી વધારે સરળ બનત, પણ કમનસીબે તેમ થઈ ન શક્યું.

આ મામલો બહુ કરૂણ છે. સત્તાવાળાઓના બધિર કાને ક્યાં કશુંય પડતું હોય છે? અલબત્ત, કોંગ્રસે અસરગ્રસ્ત પિતાની મુલાકાત લઇને મામલો બીચકાવ્યો હતો. કોંગ્રસે  મુખ્ય ચૂંટણી કમિશ્નરન જ્ઞાનેશ કુમારને ભેરવી દેવા ટીકાઓ શરૂ કરી છે.