Get The App

દેશમાં 102 યુનિકોર્ન સ્ટાર્ટઅપ નવોદિતો માટે સ્કાય ઇઝ ધ લિમિટ

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
દેશમાં 102 યુનિકોર્ન સ્ટાર્ટઅપ નવોદિતો માટે સ્કાય ઇઝ ધ લિમિટ 1 - image

- 450 થી 1,97,652: સ્ટાર્ટઅપની ઘટનાપ્રચુર સફર

- પ્રસંગપટ

- સ્ટાર્ટઅપ ઊભાં કરવાની ઇકો સિસ્ટમમાં ભારત વિશ્વમાં ત્રીજા નંબરે આવે છે 

છેલ્લાં દશ વર્ષમાં ભારતનાં સ્ટાર્ટઅપ નવતર બિઝનેસ સાહસનું બીજું નામ બની ગયું છે. જે ક્ષેત્રોથી  મોટા બિઝનેસ દૂર રહેતા હતા ત્યાં સ્ટાર્ટઅપે ખેડાણ કર્યું છે. ૨૦૧૪માં દેશમાં માંડ ૪૫૦ સ્ટાર્ટઅપ હતાં, પરંતુ આજે ૨૦૨૫ના અંતે ૧,૯૭,૬૫૨ જેટલાં સ્ટાર્ટઅપ મેદાનમાં છે. ટેકનોલોજી ક્ષેત્રે શરૂ થયેલા સ્ટાર્ટઅપ કલ્ચરે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે.  સ્ટાર્ટઅપ ઊભાં કરવાની ઇકો સિસ્ટમમાં ભારત વિશ્વમાં ત્રીજા નંબરે આવે છે.  પહેલા નંબરે અમેરિકા અને બીજા ક્રમે ચીન છે. ભારતમાં સ્ટાર્ટઅપ્સની પ્રગતિ હવે અટકે એમ નથી. 

ઇકો સિસ્ટમને ફળદ્રુપ જમીન સાથે સરખાવી શકાય. જેમ ફળદ્રુપ જમીનમાં જે પણ બિયારણ નાખો તે ખીલી ઉઠે છે એમ સ્ટાર્ટઅપની સફળતા પણ મજબૂત ઇકો સિસ્ટમ પર આધારિત છે એમ કહી શકાય. ભારત સરકારે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન પણ આપ્યું છે અને વિદેશી રોકાણકારોને તે તરફ વાળ્યા પણ છે.

 છેલ્લા દાયકામાં ભારતે સ્ટાર્ટઅપ માટે એવો ટ્રેક ઊભો કર્યો છે કે જેના પર ચાલવાનું નવોદિત લોકો પસંદ કરીને સફળતા પ્રાપ્ત કરી શકે છે. મજા તો એ વાતની છે કે કોર્પેારેટ કંપનીઓેેએ પણ સ્ટાર્ટઅપ્સને પ્રતિસ્પર્ધી ગણવાના બદલે તેમને સહકાર આપીને ખીલવા દીધાં છે.

તાજેતરમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન જીતેન્દ્ર સિંહે કહ્યું હતું કે છેલ્લાં નવ વર્ષમાં ભારતના સ્ટાર્ટઅપની સંખ્યામાં ૩૦૦ ગણો વધારો થયો છે. 

ટોપના ત્રણ સ્ટાર્ટઅપમાં ડ્રીમ-૧૧, ઝેપ્ટો, ઓયોનો સમાવેશ થાય છે. જોકે ડ્રીમ-૧૧નાં રિઅલ મની ગેમિંગ ઓપરેશન્સ સરકારે પ્રતિબંધિત કરી દીધાં છે.  ભારતમાં ૧૦૨ સ્ટાર્ટઅપ યુનિકોર્ન છે. યુનિકોર્ન એટલે જેની વેલ્યૂએશન એક અબજ ડોલરથી વધુ હોય. ભારતના સ્ટાર્ટઅપને મળતા ફંડ પર સરકારની નજર હોય છે. ઉદ્યોગ ક્ષેત્રે સમાન્ય રીતે ફેમિલી બિઝનેસ આગળ આવી શકતા હતા.  કેટલાક બાહોશ લોકો મોટી કંપનીઓમાં જોબ કરતા હતા પરંતુ પોતાનું કોઇ સાહસ અમલી બનાવી શકતા નહોતા, કેમ કે તેઓ ઉદ્યોગના સાહસ માટે જોઇતું ભંડોળ તે મેળવી શકતા નહોતા.

'એનીબડી કેન ડુ બિઝનેસ' આ વિચારધારા પર ઊભેલી સ્ટાર્ટઅપ સિસ્ટમના કારણે યુવાનો તેમના આઇડિયાઝનું અમલીકરણ કરીને આર્થિક ઉપાર્જન કરતા થયા છે. 

સ્પેસ ક્ષેત્રે સ્ટાર્ટઅપ ડંકો વગાડી રહ્યાં છે એમ હવે સંરક્ષણ ક્ષેત્રે પણ સ્ટાર્ટઅપને તક મળવા જઇ રહી છે. શરૂઆતમાં સ્ટાર્ટઅપને નાના ઉદ્યોગો સાથે સાંકળવામાં આવતા હતાં. 

સ્ટાર્ટઅપ બંધ થયાં હોય એવી ઘટનાઓ પણ અનેક છે. ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં જાણીતા કહી શકાય એવા ૬૩૮૫ જેટલા સ્ટાર્ટઅપ બંધ થયાં હતાં. મહારાષ્ટ્રમાં ૧૨૦૦ સ્ટાર્ટઅપ બંધ થયાં છે, કર્ણાટકમાં ૭૩૭ અને ઉત્તરપ્રદેશમાં ૫૯૮ બંધ થયાં હતાં. 

સ્ટાર્ટઅપ બંધ થવા પાછળનું મુખ્ય કારણોમાં નબળો આઇડિયા, મર્યાદિત ભંડોળ, બજારની જરૂરિયાત પ્રમાણે ફરેફાર કરી શકવાની ક્ષમતાનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. જોકે તેનો અર્થ એવો નથી થતો કે ભારતનાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં ઓટ આવી છે. ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં ૧,૯૭,૬૯૨ સ્ટાર્ટઅપ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડે મંજૂર કર્યાં છે.

ભારતમાં સ્ટાર્ટઅપ્સને પૂરતું પ્રોત્સાહન મળી રહ્યું છે. SISFS તરીકે ઓળખાતી સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડફંડ સ્કીમ ૨૦૨૩માં નવ સ્ટાર્ટઅપને ૧૬૩.૬ કરોડ ફાળવવામાં આવ્યા હતા, તો ૨૦૨૪માં ૧૦૫ અને ૨૦૨૫માં ૯૪.૬ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. ક્રેડિટ ગેરંટી સ્કીમ સ્ટાર્ટઅપને ટેકો આપે છે અને લોન માટેની સવલતો ઊભી કરી આપે છે.

ભારત એક યુવાન દેશ છે, ભારતની વસ્તીમાં યુવાનોની બહુમતી છે. આવા સંજોગોમાં યુવાધન પરંપરાગમ કામધંધામાં પ્રવૃત્ત થતું રહે તેને બદલે તેમને નવાં નવાં સ્ટાર્ટઅપ ખોલવાનો  અને ત્યાર બાદ ટકી રહેવાનો માહોલ મળે તે ખૂબ  ઇચ્છનીય સ્થિતિ છે. કમસે કમ  આ મામલામાં તો ભારતની ઇકો સિસ્ટમ સારું કામ કરી રહી છે.