Get The App

ટિમ કૂકની સંવેદના : આ વિદાય નથી, પરંતુ પરિવર્તનની ક્ષણ છે

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
ટિમ કૂકની સંવેદના : આ વિદાય નથી, પરંતુ પરિવર્તનની ક્ષણ છે 1 - image

- એપલના ચીનમાં 50 સ્ટોર્સ અને વિશ્વભરમાં 200 નવા સ્ટોર્સ

- પ્રસંગપટ

- વિદાયપત્રનું દરેક વાક્ય સંવેદનશીલ છે. તેમાં મેં-મારૃં જેવું અભિમાન ક્યાંય દેખાતું નથી

એપલના સીઇઓ ટિમ કૂકનું રાજીનામું અને તેમની જગ્યાએ આવેલા નવા સીઇઓ જોન ટેર્નસના આવકારની ઘટના બહુ સંવેદનશીલ બની છે. ભારતની કેટલીય કંપનીઓ તગડો નફો કરે છે, પરંતુ કંપનીના ટોચના લોકોને ભવ્ય વિદાય અપાઈ હોય એવું હંમેશા બનતું નથી.  

૨૫-૩૦ વર્ષ સુધી એકધારી જોબ કરનાર વ્યક્તિ કંપનીની સફળતામાં  પોતાનું યોગદાન હોવાનું માને છે. તે પોતાની કંપની સમજીને કામ કરે છે, પરંતુ તેને અણધડ રીતે દૂર કરીને તેની જગ્યાએ નવા માણસને બેસાડી દેવામાં આવે છે ત્યારે મેનેજમેન્ટનું આવું વર્તન એના માટે આઘાતજનક બની જાય છે.

એપલના ટિમ કૂકે તેમના સ્ટાફને અને ગ્રાહકોને  લખેલા પત્રની કોપી દરેક કંપનીઓેએ સાચવી રાખવા જેવી છે. આ પત્રનું એકેએક વાક્ય સંવેદનશીલ છે. તેમાં મેંં-મારૃં જેવું અભિમાન ક્યાંય દેખાતું નથી. આ રહ્યા એનો એક અંશ: 

'તમે તમારા જીવનના નાના-નાના અંશો મારી સાથે શેર કરો છો અને એપલે તમને કેવી રીતે રોજીંદા જીવનમાં મદદ કરી તે વિશે તમે મને જણાવો છો. જેમ કે, તમારી માતાનો જીવ Apple Watch દ્વારા કેવી રીતે બચ્યો, અથવા તમને જે પર્વત ચડવો અશક્ય લાગતો હતો તેના પર આરોહણ કરીને લીધેલી એ પરફેક્ટ સેલ્ફી, Macને કારણે તમારા કામ કરવાની રીતમાં કેવા ફેરફારો થયા... આ તમામ બાબતો માટે તમે મારો આભાર માનો છો, અને ક્યારેક કોઈ વસ્તુ તમારી અપેક્ષા મુજબ કામ ન કરે ત્યારે મને આકરો પ્રતિસાદ પણ આપો છો.'

પત્રના અંતે તે કૂક લખે છે, 'આ વિદાય નથી, આ પરિવર્તનની ક્ષણ છે. આ અવસરે મારે તમારો આભાર માનવો છે. ના, કંપની વતી નહીં, પણ વ્યક્તિગત રીતે, ફક્ત ટિમ વતી.' 

ટિમ કૂક એક એવી વ્યક્તિ છે જે ગ્રામીણ વિસ્તારમાં ઉછરી અને સખત મહેનત કરીને વિશ્વની સૌથી મહાન કંપનીઓ પૈકીની એકમાં CEO બનવા પામી છે.

કોઈ પણ સીઇઓની સફળતાને આંકડાકીય માહિતી વડે માપી શકાય. ૨૦૧૧માં કૂકે પદ સંભાળ્યું ત્યારે એપલનું બજાર મૂલ્ય આશરે ૩૫૦ બિલિયન ડોલર હતું. તેમના નેતૃત્વમાં કંપનીનું મૂલ્ય ૧૦ ગણું વધ્યું છે. આજે એપલનું મૂલ્ય બ્રિટનની અર્થવ્યવસ્થા જેટલું છે - ૪.૦૧ ટ્રિલિયન ડોલર. 

સપ્ટેમ્બર ૨૦૨૫માં પૂરા થતા નાણાકીય વર્ષમાં એપલે ૧૧૨ બિલિયન ડોલરનો ચોખ્ખો નફો કર્યો છે, જે ૨૦૧૦ની સરખામણીએ આઠ ગણો વધારે છે. સ્માર્ટફોન વેચાણમાં સ્થિરતા અને કોવિડ જેવી મુશ્કેલીઓ છતાં આ ૬૯૯% નો વધારો જોવા મળ્યો છે.

જાન્યુઆરીમાં એપલે અહેવાલ આપ્યો હતો કે વિશ્વભરમાં તેના ૨.૫ બિલિયન (૨૫૦ કરોડ)થી વધુ સક્રિય ઉપકરણો (Devices) વપરાશમાં છે. કૂકે માત્ર આઇફોન જ નહીં, પણ એપલ વોચ અને આઈપેડ જેવી પ્રોડક્ટ્સ દ્વારા એક મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર કરી છે.

ટિમ કૂકે એપલના રિટેલ નેટવર્કમાં આશરે ૨૦૦ નવા સ્ટોર્સ ઉમેર્યા છે. ખાસ કરીને ચીનમાં તેમણે બિઝનેસનો મોટો વિસ્તાર કર્યો છે. ચીનમાં હાલ એપલના ૫૦ સ્ટોર્સ છે.

૨૦૧૧માં આઇફોનની સરેરાશ કિંમત ૭૧૨ ડોલર હતી, જે ૨૦૨૫ સુધીમાં વધીને ૧,૦૭૦ ડોલર થઈ ગઈ છે. કૂકે 'પ્રો' અને 'મેક્સ' મોડલ્સ લોન્ચ કરીને પ્રીમિયમ પ્રાઇસિંગની રણનીતિ અપનાવી છે.

પર્યાવરણ પ્રત્યેની જવાબદારી એ મોટી કોર્પોરેટ કંપનીઓ માટે મહત્ત્વનુંમ પાસું બની જતું હોય છે. એપલનો દાવો છે કે છેલ્લા પાંચ વર્ષમાં પેકેજિંગમાં ફેરફાર કરીને ૧૫,૦૦૦ ટન પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળ્યો છે. એપલનો લક્ષ્યાંક ૨૦૩૦ સુધીમાં તેની સમગ્ર સપ્લાય ચેઇનમાં કાર્બન ન્યુટ્રાલિટી હાંસલ કરવાનો છે.

સ્ટીવ જોબ્સે જેનું સપનું જોયું હતું તે એપલ પાર્ક ૨૦૧૭માં કૂકના નેતૃત્વમાં સાકાર થયું. આ ૧૭૫ એકરનું વિશાળ કેમ્પસ ૧૨,૦૦૦થી વધુ કર્મચારીઓનું ઘર છે અને તે સંપૂર્ણપણે રિન્યુએબલ એનર્જી પર ચાલે છે.