Get The App

શિક્ષિત લોકો ભાગલાવાદી પ્રવૃત્તિમાં ભાગ લઇને શિક્ષણની હાંસી ઉડાવે છે

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
શિક્ષિત લોકો ભાગલાવાદી પ્રવૃત્તિમાં ભાગ લઇને શિક્ષણની હાંસી ઉડાવે છે 1 - image

- એજ્યુકેટેડ ફૂલ્સ નામની જમાત વિકસી ચૂકી છે

- પ્રસંગપટ

- ડો. શાહીન

- ઓસામા લાદેન સિવિલ એન્જિનીયર, ગદફી ઇતિહાસનો વિદ્યાર્થી અને સદ્દામ કાયદાનો અભ્યાસુ હતો

જ્યારથી દેશ વિરુદ્ધ સ્થાનિક ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓની સંડોવણી સામે આવી છે ત્યારથી ચર્ચા ચાલી છે કે અભણ કરતાં ભણેલા લોકો ત્રાસવાદી તરીકે વધુ ખતરનાક પૂરવાર થાય છે. છેલ્લે દિલ્હીમાં થયેલી આતંકવાદી ઘટનામાં ક્વોલિફાઈડ ડોક્ટરોની સંડોવણી સામે આવી. તબીબી ક્ષેત્રમાં હોવું, ડોક્ટર હોવું એ  સામાજિક પ્રતિષ્ઠાની વાત છે. ડોક્ટર બનવું આસાન નથી, તેના માટે ઉચ્ચ શિક્ષણ લેવું પડે છે. માનવ સેવા સાથે સંકળાયેલું આ ઉદ્દાત્ત ક્ષેત્ર છે. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓ પોતાના જ્ઞાન અને બુદ્ધિનો નકારાત્મક દિશામાં ઉપયોગ કરે છેે ત્યારે મામલો ખતરનાક બની જાય છે.

ગુરૂવારે સોલિસીટર જનરલ રાજુએ કોર્ટમાં કહ્યું હતું કે અભણ ત્રાસવાદીઓ કરતાં ભણેલા ત્રાસવાદીઓ વધુ જોખમી બની શકે છે. અભણ ત્રાસવાદીમાં ધર્મના નામે ઝનૂની બનાવવામાં આવે છે તેવું આપણે દાયકાઓથી જોતા આવ્યા છીએ. અલ્લાહનું નામ લઇને તેઓ એમને મળેલા આદેશ પ્રમાણેના ટાર્ગેટ પર તૂટી પડે છે. પોતે પણ જીવ ગુમાવે છે. આત્મધાતી બોમ્બરો બનાવવા ત્રાસવાદી સંગઠનો અશિક્ષિત લોકોને પસંદ કરે છે, કેમ કે તેમનાં મન અને બુધ્ધિ પર નિયંત્રણ કરવું પ્રમાણમાં આસાન હોય છે. 

ત્રાસવાદી સંગઠનોમાં અશિક્ષિત લોકો જ સામેલ થાય છે એવી માન્યતાનો છેદ દિલ્હી વિસ્ફોટ સાથે સંકળાયેલા ડોક્ટરોેએ ઉડાવી દીધો છે. શિક્ષિત વ્યક્તિ ત્રાસવાદી તરીકે વધુ ડેન્જરસ બની શકે તે વાત સાચી છે. 

ત્રાસવાદ અને નક્સલવાદ દેશને ખોખલો કરી રહ્યા છે. ત્રાસવાદ અને નક્સલવાદ પાછળ ભેજું શિક્ષિત લોકોનું કામ કરતું હોય છે. પછાત વિસ્તારમાં રહેતા ગરીબ લોકોને સરકારી સિસ્ટમ સામે ઉશ્કેરીને, તેમના હકનું મેળવવાની વાતો કરીને આંદોલન કરવા પ્રરે છે. સૈનિકો ગામડાંમાં ત્રાસ ફેલાવે છે અને સ્ત્રીઓ પર બળાત્કાર કરે છે જેવી વાતો ઊપજાવી કાઢીને સ્થાનિક લોકોને લશ્કર તેમજ સરકારનો વિરોધ કરવા સંગઠીત કરતા રહે છે. 

અમેરિકા જેને દુશ્મન નંબર વન માનતું હતું તે ત્રાસવાદી ઓસામા બિન લાદેન સિવિલ એન્જિનીયર હતો. લિબિયાનો મુઅમ્મદ ગદફી ઇતિહાસનો વિદ્યાર્થી હતો. લશ્કરમાં જોડાવા માટે એણે ભણતર છેાડયું હતું. એણે રોયલ મિલિટરી એકેડેમીમાં ટ્રેનિંગ લીધી હતી. ઇરાકનો સદ્દામ હુસૈન કાયદાનો અભ્યાસુ હતો. ભારતમાં ત્રાસવાદ ફેલાવતો હાફીઝ સઇદ પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને એરેબિક તેમજ ઇસ્લામિક ભાષાના અભ્યાસુ છે. લાહોરમાં યુનિવર્સિટીમાં એ લેક્ચરર પણ રહી ચૂક્યો હતો. ભારતમાં નક્સલવાદી સંગઠનો અને તેમને ટેકો આપનારાઓને સાહિત્ય પુરૃં પાડનારા પ્રોફેસરો પકડાયા છે. 

'એજ્યુકેટેડ ફૂલ' નામની એક જમાત વિકસી ચૂકી છે. દિલ્હીના વિસ્ફોટની ઘટના પાછળ  એજ્યુકેટેડ ફૂલ્સ સંકળાયેલા છે. આ શિક્ષિત મૂર્ખાઆને સાવ અશિક્ષિત મૌલવીઓ ભડકાવી શકે છે અને દેશવિરોધી કામ કરવા પટાવી શકે છે. ખરેખર તો તેઓ ફૂલ એટલે કે મૂરખ નહીં, પણ વિનાશકારી દિમાગ ધરાવતા શેતાનો છે. આ ડોક્ટરો શિક્ષિત ઘરોમાં અને શિક્ષિત લોકો વચ્ચે ઉછર્યા હોવા છતાં દેશ વિરોધી પ્રવૃત્તિ જાળમાં ફસાઈ ગયા. તેમને આતંકવાદી કૃત્યોમાં પ્રવૃત્ત કરનારા અશિક્ષિત મૌલવીઓ હતા. શિક્ષિત વર્ગ જોઇવિચારીને પગલાં ભરતો હોય છે. આ એેજ્યુકેટેડ ફૂલ્સ દેશને તોડવાની પ્રવૃતિમાં પોતાનું શિક્ષણ વેડફી નાખે છે.

ઓપરેશન સિંદૂર વખતે લશ્કરના મહિલા અધિકારીની ટીકા કરનાર અલી ખાન મોહમ્મદ અશોકા યુનિવર્સિટીમાં પોલિટીકલ સાયન્સના પ્રોફેસર હતો. તેને જેલભેગો કરવામાં આવ્યો હતો. એ  દસ વર્ષથી નક્સલવાદી પ્રવૃત્તિઓ સાથે સાંઠગાંઠ ધરાવતો હતો. 

દુશ્મન દેશના ત્રાસવાદીઓ આપણે ત્યાં આતંક મચાવે તે હજુય સમજી શકાય છે, પણ આ જ દેશમાં જન્મ લઇને, આ જ દેશની ધરતી પર મોટા થઈને, ભણી-ગણીને સારા હોદ્દા પર પહોંચનારા ભારતીયો ખુદ દેશને તોડી નાખતી આતંકવાદી પ્રવૃત્તિઓને આકાર આપે તે બહુ મોટી કરૂણતા છે.