- 2004નો અભિષેક વર્માનો કેસ બહુ ચગ્યો હતો
- સત્તા સાથે કેટલાંક દૂષણો પણ પ્રવેશતાં હોય છે તેમાનું એક દૂષણ સુંવાળા સંગાથની લાલસા છે
- પ્રસંગપટ
કર્ણાટકના પ્રધાન કે.એન. રાજ્જનાએ એમ કહીને વિવાદનો મધપૂડો છંછેડયો છે કે રાજ્યના ૪૮ જેટલા પ્રધાનો હની ટ્રેપમાં ફસાયેલા છે. હની ટ્રેપ એટલે વગદાર પુરુષ પાસેથી ખાનગી માહિતી કઢાવવા માટે એને સુંવાળો સંગાથ આપવાના બહાને મોકલવામાં આવતી રૂપાળી સ્ત્રીની ચુંગાલ. એક સમયે લશ્કરની હિલચાલની ગુપ્ત માહિતી મેળવવા હની ટ્રેપનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. કર્ણાટકના ૪૮ રાજકારણીઓ તેમજ કેટલાક કેટલાક નેતાઓ હની ટ્રેપમાં ફસાયેલા છે એ વાત હકીકતે મોટા વિસ્ફોટ સમાન છે.
હની ટ્રેપના કેટલાક કિસ્સા જોઈએ. ૨૦૦૪માં અભિષેક વર્માનો કેસ બહુ ચગ્યો હતો. તેઓ ભારત સરકારમાં સંરક્ષણ સલાહકાર હતા. તેમની પાસે સંરક્ષણ ખાતાના ગુપ્ત દસ્તાવેજોની માહિતી રહેતી. પાકિસ્તાન સ્થિત ભારતીય એલચી કચેરીમાં કામ કરતી માધુરી ગુપ્તા નામની એક ભારતીય મહિલા સેકન્ડ સેક્રેટરીની પોસ્ટ પર અધિકારી હતા. તેણે અભિષેક સાથે મિત્રતા કરી અને પછી બંને પ્રેમ કરવા લાગ્યાં હતાં. માધુરી ગુપ્તા તેમની સાથે વાતચીત દરમ્યાન સંરક્ષણ ખાતાની ગુપ્ત માહિતીની ચર્ચા કરવા લાગી હતી. તે ભારતીય અધિકારી હોવાથી પહેલાં શંકા ગઈ નહોતી, પરંતુ પછી માધુરી ગુપ્તાએ 'તમારી પોલ ખોલી નાખીશ' એમ ધમકી આપીને માહિતી આપવા દબાણ કરવાનું શરૂ કર્યું. તરત જ એલર્ટ થઇ ગયેલા અભિષેક વર્માએ ઉંડી તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે ભારતીય અધિકારી માધુરી ગુપ્તા અંદરખાને આઇએસઆઇ સાથે જોડાયેલી છે. પોતાના પાકિસ્તાની બોસના આદેશ અનુસાર તેણે અભિષેક વર્માને હની ટ્રેપમાં ફસાવ્યો હતો.
દિલ્હીનો એક કિસ્સો પણ આંખ ઉઘાડે એવો છે, જેમાં ભાડુઆત તરીકે રહેવા આવેલી મા-દીકરીએ મકાન-માલિકના યુવાન છોકરાને હની ટ્રેપમાં ફસાવીને લગ્ન માટે દબાણ શરૂ કર્યું હતું. જો લગ્ન નહીં કરે તો બળાત્કારની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી હતી. પોલીસમાં ફરિયાદ પણ કરી દીધી હતી. અંતે માગણી કરી કે ૧૦ લાખ રૂપિયા આપશો તો અમે ઘર છોડીને જતા રહીશું. હની ટ્રેપમાં ફસાયેલો યુવાન શોધી લાવ્યો કે યુવતી તો પરિણિત છે. પાલીસને વિગતવાર સાબિતી આપતાં મા-બેટીને ફટકારવામાં આવી હતી.
આ કિસ્સા હની ટ્રેપ કરતાં ખરેખર તો બ્લેકમેઇલિંગના છે. મોટા શહેરોમાં યુવતીઓ પ્રોઢ લોકોને ફસાવે છે અને હોટલ સુધી ખેંચી જાય છે. આગતરા પ્લાનિંગ પ્રમાણે યુવતીના સાથીઓ કમરામાં આવી જાય છે. આદમીના નગ્ન ફોટા લઇને બ્લેકમેઇલિંગ શરૂ કરાય છે. આવા મોટા ભાગના કેસોમાં ગુનેગારો બહુ લાલચ કરવા જાય છે ત્યારે ફસાય છે.
રાજકારણીઓ શોેખીન જીવડા હોય છે. અત્ત્ત, તેઓ સંવેદનશીલ અને અંગત બાબતોની ચર્ચા તો વિશ્વાસુ વ્યક્તિ સાથે જ કરતા હોય છે. સત્તા સાથે કેટલાંક દૂષણો પ્રવેશી જતાં હોય છે. તેમાનું એક દૂષણ સુંવાળા સાથનું છે.
સુંવાળી સોબત આપનારાઓ ક્યારેય સંબંધોમાં વફાદાર નથી હોતા. તેમનું લક્ષ્ય સામેની વ્યક્તિ પાસેથી પૈસા ખંખેરી લેવાનું હોેય છે. સેક્સ સંબંધોની તસવીરો કે વીડિયો લીક કરવાની ધમકી આપીને એને સરંડર થવાની ફરજ પાડે છે.
હની ટ્રેપ એક પ્રકારનો બિઝનેસ બની ગયો છે, જેમાં પુરૂષ કે મહિલાની સેક્સ્યુઅલ ડિઝાયરને ઓળખી લેવામાં આવે છે. શરૂઆતમાં તેમને ગમતું પીરસાય છે અને પછી હની ટ્રેપનું બિહામણું સ્વરૂપ સામે આવે છે. આવા કિસ્સાઓમાં પૈસા અને આબરૂ બન્ને લૂંટાય છે.
રાજકારણીઓ હની ટ્રેપમાં ફસાય તેમાં નવું કશું જ નથી. કર્ણાટકમાં સત્તાધારી પક્ષના પ્રધાને જ પેપર ફોડી નાખ્યું છે. તે કહે છે કે કેટલાક પ્રધાનોની સીડી અને પેનડ્રાઇવ ફરી રહી છે. તેમના દાવા પ્રમાણે કેટલાક ન્યાયમૂર્તિઓ પણ હની ટ્રેપમાં ફસાયેલા છે.
આ પ્રકારના કિસ્સાઓમાં હની ટ્રેપના દાવાની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ અને સંબંધિત ગુનેગારોને કડક સજા કરવી જોઇએ. રાજકારણીઓ, ન્યાયમૂર્તિઓ જેવી વ્યક્તિઓ સુંવાળા સાથના પ્રલોભનમાં ફસાય જ નહીં તે શ્રેષ્ઠ અને આદર્શ સ્થિતિ છે.


