For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગ્વાદર પર હુમલોઃ બળવાખોરોએ ચીનના પ્રોજક્ટને સીધો પડકાર્યો છે

Updated: Mar 22nd, 2024

Article Content Image

- પાકિસ્તાન-ચીન કોરિડોર સામે બલૂચિસ્તાનને વાંધો  

- પ્રસંગપટ

- ચીન ગ્વાદર ખાતે કાયમી અડીંગો જમાવે તો બલૂચિસ્તાનની આઝાદી મૂવમેન્ટને ફટકો પડી શકે 

પાકિસ્તાનમાં ચીનના પ્રોજેક્ટને નુક્સાન થાય કે ચીનના નાગરિકો મોતને ભેટે તે ચીનના સત્તાવાળાઓને દેખીતી રીતે જ પસંદ ન હોય. ચીનના સત્તાધારીઓએ પાકિસ્તાનના ગ્વાદર બંદર પર થયેલા હુમલાને બહુ ગંભીરતાથી લીધો છે. બલૂચિસ્તાનના બળવાખોરો પર પાકિસ્તાનનો કોઇ કાબુ નથી. બલૂચિસ્તાન ચીનના પગપેસારોનો જાહેરમાં વિરોધ કરી ચૂક્યું છે. ગ્વાદર બંદર પર અટેક કરનારા સાતેય હુમલાખોરો માર્યા ગયા છે, પરંતુ આવા હુમલા ચાલ્યા કરશે. હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મીએ લીધી છે. આ ઘટનાથી ચીનની ઊંઘ હરામ થઇ ગઇ છે. આ હુમલો સીધો જ પ્રોજક્ટની ઓેફિસો પર આધુનિક શસ્ત્રો સાથે કરાયો હતો. હુમલાખોરો જાણતા હતા કે સલામતી રક્ષકો સામે તેઓ ટકી નહીં શકે, છતાંય તેઓ આગળ વધ્યા. તેઓ પોતાનો મેસેજ વિશ્વના દેશો સુધી પહોંચાડવા માંગતા હતા, જેમાં તેઓ સફળ નીવડયા છે. 

પાકિસ્તાનના દેવાળીયા સત્તાધીશોને કોઇ દેશ મદદ કરવા તૈયાર નથી, એક ચીન સિવાય. ચીન મદદના બહાને બલૂચિસ્તાનની જમીનમાં ધરબાયેલી દુર્લભ ખનીજોને ઉલેચી રહ્યું છે. પાકિસ્તાનમાં સત્તા સંભાળનારા પ્રત્યેક ક્રમિક શાસકે ચીનની શરણાગતિ સ્વીકારી લીધી છે. ચીને શ્રીલંકાને ડેબ્ટ ટ્રેપમાં ફસાવીને આર્થિક રીતે પાયમાલ કરી નાખ્યું છે, એ જ રીતે તેણે પાકિસ્તાનને પણ આર્થિક રીતે લાચાર બનાવી દીધું છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોર સાથે બલૂચિસ્તાન સંમત નથી, કેમ કે તેમાં ચીનનું પ્રભુત્વ છે. જો ચીન પાકિસ્તાનમાં કાયમી ધોરણે અડીંગો જમાવે તો  બલૂચિસ્તાનની આઝાદી મૂવમેન્ટને ફટકો પડી શકે એમ છે.

 ચીને પાકિસ્તાનમાં જ્યાં જ્યાં પગપેસારો કર્યો છે ત્યાં ત્યાં સ્થાનિક લોકો સાથે મતભેદો થયા છે. પાકિસ્તાનના સત્તાધારીઓ ચીન સામે કોઇ પગલાં ભરી શકે એમ નથી, કેમ કે ચીને તેને આર્થિક મદદ કરી છે. પાકિસ્તાને ચીનને ખાત્રી આપી છે કે તમારા પ્રોજેક્ટમાં કોઇ સ્થાનિક પાકિસ્તાની હેરાનગતી કરશે તો અમે તેની સામે પગલાં ભરીશું.પાકિસ્તાનમાં ચાલતા ચીનના પ્રોજક્ટોને પુરતી સવલતો આપવામાં આવે છે. ચીનના હાથમાં પાકિસ્તાન રમકડાની જેમ રમી રહ્યું છે. 

પોતાના દેશના નાગરિકો કરતાં ચીનના નાગરિકોને પાકિસ્તાન વધુ સાચવી રહ્યું છે. પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ ચીન સંચાલિત છે. ત્યાં પાકિસ્તાનીઓ ઓછા છે અને ચીનાઓ વધુ છે.ગ્વાદરની આસપાસ રહેતા લોકો કહે છે કે ચીનના વાહનોની અવરજવર આખી રાત ચાલતી હોય છે. સ્થાનિક દુકાનો પર જીવનજરૂરી ચીજોની વિગતો પણ ચાઇનીઝ ભાષામાં લખવી પડે છે. સ્થાનિક પાકિસ્તાનીઓ સાથે કોઇ ઝઘડો થાય તો પોલીસો પહેલાં ચીનાઓનું સાંભળે છે. ચીન અને પાકિસ્તાનના નાગરિકો વચ્ચે ઝઘડા હવે કાયમી બની ગયા છે. અહીં રહેતા લોકો પોતાને પાકિસ્તાનની કહેવડાવવાના બદલે પોતાને બલૂચિસ્તાની કહેવડાવવાનું વધુ પસંદ કરે છે.

ચીન અને પાકિસ્તાન વચ્ચેનો ઇકોનોમિક કોરીડોરનો બલૂચ લોકો માત્ર વિરોધ નથી કરતા, તેઓ તેને સદંતર બંધ કરાવી દેવા માગે છે. ચીને આ પ્રોજેક્ટમાં અબજોનું રોકાણ કર્યું છે. કમબખ્તી એ છે કે ચીનમાં રહેતા મુસ્લિમો પર ત્યાચાર ગુજારાય છે, તેમનાં ધાર્મિક સ્થાનો તોડી પડાય છે છતાંય પાકિસ્તાનના સત્તાધારીઓએ ચીનની વાહવાહી કરવી પડે છે. 

બલૂચિસ્તાનની ખાણોમાં રહેલી અપ્રાપ્ય ખનીજો ચીન ઉલેચી રહ્યું છે. ચીને પોતાની આર્થિક તાકાતથી પાકિસ્તાનના સત્તાધારીઓનું મોં સીવી દીધું છે. પાકિસ્તાનના ભ્રષ્ટ શાસકો પોતાના દેશની આર્થિક પાયમાલી વિશે ભાગ્યે જ વિચારે છે. પાકિસ્તાની  શાસકો ચીનના પડખામાં ભરાયા છે તેનું એક કારણ એ પણ છે કે ભારત સામે યુદ્ધ થાય તો ચીનની મદદ લેવાની તેમને જરૂર પડશે. ચીનની ખંધાઇથી વિશ્વ પરિચિત છે. પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં પણ ચીનનો મજબૂત પગપેસારો છે. ત્યાં પણ ચીનની અવરજવરનો વિરોધ થઇ રહ્યો છે. વિસ્તારવાદી નીતિ ધરાવતા ચીનની  પાકિસ્તાન પર જોહુકમી ક્રમશઃ વધતી જવાની. ચીન પાકિસ્તાનની લાચારીનો વધુ ને વધુ લાભ ઉઠાવશે ને બલૂચીઓ  ગ્વાદર બંદરને ટાર્ગેટ બનાવતું રહેશે તે નક્કી છે. 

Gujarat