Get The App

પુરીની જેમ શરતી રથયાત્રા માટે અમદાવાદના ભાવિકો પણ તૈયાર

- મંજૂરી બાબતે મોડી રાત સુધી અવઢવ

- રથયાત્રા પર પ્રતિબંધ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને મુકાયો : કાળીનાગ નાથ્યો એમ કોરાનાને નાથવા પ્રાર્થના

Updated: Jun 23rd, 2020

GS TEAM

Google News
Google News
પુરીની જેમ શરતી રથયાત્રા માટે અમદાવાદના ભાવિકો પણ તૈયાર 1 - image


પ્રસંગપટ

જગન્નાથ પુરીની રથયાત્રાને શરતી મંજૂરી મળ્યા બાદ અમદાવાદની રથયાત્રાને પણ શરતી મંજૂરી મળવાના ચાન્સ ઉજળા દેખાવા લાગ્યા હતા. જેમ પુરીમાં પુનઃ વિચારની અરજીઓ દાખલ કરાઇ હતી એમ અમદાવાદ માટે પણ અરજીઓ દાખલ કરાઇ હતી. સોમવારની મોડી સાંજ સુધી શરતી રથયાત્રા માટેનાી મંજૂરી બાબતે અવઢવ ભરી સ્થતિ જોવા મળી હતી. શ્રધ્ધાળુઓ માનતા હતા કે મોડી રાત્રે સુખદ સમાચાર આવી શકે છે.

કોર્ટના પ્રતિબંધના ચુકાદા બાદ શ્રધ્ધાળુઓમાં કચવાટનો માહોલ જોવા મળતો હતો. રવિવારની રાતથી જગન્નાથમંદિરની બહાર હરખનો માહોલ જોવા મળતો હતો.

ભગવાન કૃષ્ણ એ જેમ કાળીનાગને નાથિયો હતો એમ કોરોનાને પણ નાથવા જોઇતો હતો. કોરોનાનો ભરડો વધી રહ્યો છે જેની સીધી અસર રથયાત્રા પર પડી હતી. રથયાત્રા અમદાવાદના જનજીવન સાથે જોડાયેલી છે. રથયાત્રાએ તહેવારોની શરુઆતના શ્રીગણેશ સમાન છે. હવે જ્યારે કોર્ટે રથયાત્રા સ્થગિત રાખવાનો આદેશ આપ્યો છે ત્યારે કોર્ટના આદેશની ટીકા ટીપ્પ્ણ ના થઇ શકે પરંતુ સિક્કાની બીજી બાજુ પર પણ નજર નાખવા જેવી છે. 

અમદાવાદની રથયાત્રા સાથે અનેક સંભારણા જોડાયેલા છે. રાજા રણછોડરાય જ્યારે પોતાના ભાઇ બહેન સાથે પ્રજાને સામેથી દર્શન આપવા નિકળે ત્યારે લોકો પણ ભક્તિભાવથી ગદ્ ગદ્ થઇ જતા હોય છે. અહીં કોર્ટના ચુકાદા બાબતે વિવાદનો કોઇ આશય નથી તેપણ સમજી લેવું જોઇએ. 

કોરોના વાઇરસના કારણે રથયાત્રા પર પ્રતિબંધ પ્રથમ નજરે આવકાર્ય છે પરંતુ શ્રધ્ધાળુઓની લાગણી એ સિક્કાની બીજી બાજુ છે.

શ્રધ્ધાળુઓ આદેશને વરેલા હોઇ નારાજ છે. તેમની લાગણી નગર ચર્યાએ નિકળતા ભગવાન જગન્નાથના દર્શન કરવાની હતી.

કહે છે કે જેણે રથયાત્રાના દર્શન નથી કર્યા તેમણે અમદાવાદ માણ્યું નથી એમ કહી શકાય. રથયાત્રા એટલે રથયાત્રા. લાખો લોકો ભગવાનના રથની સાથે ચાલતા હોય,સાથે ગજરાજો, અખાડા, ભજનમંડળીઓ અને ઘાર્મિક સૌહાર્દની છોળો ઉડતી હોય તે તો ઠીક પણ ઠેર ઠેર ભગવાનના ત્રણેય રથોનું ભાવભીનું સન્માન થતું હોય તે અલૌકિક દ્રશ્યો આકાશમાંથી દેવો પણ જોતા હોય છે. 

સરસપુર ખાતે મામેરું અને લાખો લોકોને જમાડવાનું સ્વૈચ્છીક આયોજન વગેરે મેનેજમેન્ટ જોઇ વિદેશીઓ પણ મોમાં આંગળા નાખી જાય છે. જોકે આ વખતે કોરોના વાઇરસના કારણે સોશ્યલ ડિસ્ટન્સીંગ મહત્વનું બની ગયું હતું અને લાખો લોકોની ભીડમાં કોરાનાને ફાવતું મળી જાય એવું હતું.

સવારની પિહીંદ વિધી એ મંગળા આરતી વગેરેનું અનેક ગણું મહત્વ છે . મંદિરની અંદર રથયાત્રાનો માહોલ ઉભો કરવા પ્રયાસ થશે પરંતુ ભગવાન નગર ચર્યાએ નહીં જઇ શકે તેનો વસવસો દરેક નાગરિકના ચહેરા પર જોવા મળતો હતો.

ભૂતકાળમાં એકવાર જ્યારે સરકારે રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ મુક્યો ત્યારે લોકજુવાળ એવો ઉભો થયો હતો કે સ્વયંભૂ રીતે રથયાત્રા  નીકળી હતી.

  કોરાનાનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે કડક નિર્ણયો આવકાર્ય છે પરંતુ માનવ સમુદાય વિનાની રથયાત્રાની શક્યતા ચકાસવી જોવા જેવી હતી. અન્ય વિકલ્પો માટે જાહેર મત પણ આવકાર્ય હતા. ધાર્મિક લાગણી ખુબ મહત્વની છે.  જ્યારે કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે અનેક લોકો ને આધાત લાગ્યો હતો. પરંતુ કોરોનાના કારણે લેવાયેલા પ્રતિબંધના આકરા નિર્ણયને લોકોએ માથા પર ચઢાવ્યો હતો.

એક દલીલ એવી હતી કે ચૂપચાપ રથ ફેરવી દેવા પરંતુ જયરણછોડના નારા વિનાની રથયાત્રા કલ્પવીજ મુશ્કેલ છે. આવા નારા શ્રધ્ધાળુઓના માંમાથી સતત નીકળ્યા કરતા હોય છે.કોરોનાનો ભરડો વધતો જાય છે ત્યારે લોકો નગર ચર્યાએ નીકળેલા ભગવાન પાસે તેને નાથવાની પ્રાર્થના કરી શકત.

   ૨૦૨૦ની અષાઢી બીજ શ્રધ્ધાળુઓને આજીવન સુદર્શન ચૂરણના એક કડવા ડોઝ સમાન યાદ રહેશે.

      આજે અષાઠી બીજે રથયાત્રા વિનાના માર્ગો સૂમસામ ભાસી રહ્યા છે. કોરોનાના કહેરથી બચવા લોકો કનૈયાને કહી રહ્યા છે કે..

       તું મેરા દિલદાર કનૈયા..

       લગાદે બેડા પાર કનૈયા

       કોરોનાને તૂફાન મચાયા હૈ..

        કંસકો મારા ઐસે કોરોનાકો માર કનૈયા...

Tags :