- ભારતના 80 જેટલા સીઇઓ દેવોસમાં છે
- પ્રસંગપટ
- 23મી સુધી ચાલનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતનું પ્રતિનિધિમંડળ પહેલા દિવસથી જ કેન્દ્રસ્થાને આવી ગયું છે
સ્વિત્ઝર્લેન્ડ સ્થિત દેવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ૧૩૦ દેશોના ૩,૦૦૦ આર્થિક નિષ્ણાતો અને ઉદ્યોગપતિઓ હાજર છે. ભારતનું પ્રતિનિધિમંડળ પણ અહીં છવાઇ જવાના પ્રયાસ કરે તે સ્વાભાવિક છે. ભારત વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે અને ઝપાટાભેર વિકસી રહ્યું છે. આ ફોરમમાં અન્ય દેશોના પ્રતિનિધિઓ ભારતની આર્થિક પ્રગતિ પાછળનાં કારણો જાણવા મથશે. ભારતના વગદાર બિઝનેસ ગૃહો વિશ્વના અન્ય દેશો સાથે ચર્ચા કરશે અને ભારતની નીતિઓ વિશે વિશ્વ સમક્ષ ચર્ચા કરશે.
અમેરિકાના બીજી વાર પ્રમુખ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઉપાડેલા ટેરિફના શસ્ત્રને ભારત પચાવી શક્યું છે અને તેની બજારો પર ઓછામાં ઓછી અસર થાય તેવું આયોજન કરવામાં સફળ રહ્યું છે. દેવોસમાં આવેલા ૧૩૦ દેશો પૈકીના અનેક દેશો ટ્રમ્પની ટેરિફ નીતિથી ત્રસ્ત છે. ભારતે રશિયા પાસેથી ઓઇલની ખરીદી ચાલુ રાખીને ટ્રમ્પને પડકાર્યા હતા. ભારત પોતાની નીતિઓમાં કોઇ બાંધછોડ કરવા તૈયાર નથી અને તેના આ અભિગમની અનેક દેશોએ પ્રશંસા કરી છે.
દેવોસમાં ભારત તેના વિશાળ પ્રતિનિધિમંડળ સાથે હાજર છે. વૈશ્વિક આર્થિક તખ્તા પર ભારતના વધી રહેલા પ્રભાવના પગલે ભારતની ટોચની કંપનીઓના સીઇઓ દેવાસ ખાતેની વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં વ્યૂહાત્મક રીતે ભારતના આર્થિક ગ્રોથની વાત મૂકશે. વિશ્વભરના ઉદ્યોગપતિઓ અને આર્થિક નીતિઓ ઘડનારાઓ સાથે ભારતના ઉદ્યોગપતિઓ ચર્ચા કરશે અને બિઝનેસનો વ્યાપ વધારવાના પણ પ્લાન મૂકશે.
ભારતની કંપનીઓના જે સીઇઓ દેવોસ પહોંચ્યા છે તે વૈશ્વિક બિઝનેસ ટ્રેન્ડ ઊભો કરવામાં ભારત કેવી રીતે ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે તે દર્શાવશે. જેમ ક્રિકેટ મેચમાં ટીમ ઉતારાય છે એમ ભારતે દેવોસમાં ભારતની આર્થિક તાકાત બતાવતી ટીમ ઉતારી છે. ભારત આ વર્લ્ડ ઇકોનોમિક ફોેરમમાં વિશ્વના આર્થિક નિષ્ણાતોને મળવાની તક ઝડપી લેશે. ભારત પર જંગી ટેરિફ લાદનાર અને ભારતના અર્થતંત્રને નબળું કહેનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ ભારતના સીઇઓ મળવાના છે.
ટ્રમ્પને મળનારા સીઇઓમાં ટાટા સન્સના નટરાજન ચન્દ્રશેખરન, ભારતી એન્ટરપ્રાઇસના સુનિલ ભારતી મિત્તલ, વિપ્રોના શ્રીની પિલ્લાઇ, ઇન્ફોસિસના સલીલ એસ. પારેખ વગેરેનો સમાવેશ થાય છે. મહેન્દ્ર ગુ્રપના અનિશ શાહ, બજાજ ફિનસર્વના સંજીવ બજાજ પણ અહીં ઉપસ્થિત છે. ભારતના બિઝનેસ ગુ્રપ્સના સીઇઓ ટેકનોલોજી, મેન્યુફેક્ચરીંગ, ફાયનાન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોની વિગતો વૈશ્વિક તખ્તા પર મૂકશે.
દેવોસ ખાતેની આ ફોરમમાં પહેલા દિવસે જ મહારાષ્ટ્રએ ૧૪.૫૦ લાખ કરોડ રૂપિયાના એમઓયુ કરીને રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું હતું. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રને રોકાણકારો માટે ગેટ વે ઓફ ઇન્ડિયા કહીને વર્ણવ્યું હતું. ગ્રીન એનર્જી, ફૂડ પ્રોસેસિંગ, ઇવી ઓટોમોબાઇલ ક્ષેત્રે એમઓયુ કરાયા હતા.
ભારતના ૮૦ જેટલા સીઇઓ દેવોસમાં છે અને તેમની સાથે કેટલાક સિનિયર પ્રધાનો પણ છે. ૨૩મી જાન્યુઆરી સુધી ચાલનારી આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતનું પ્રતિનિધિમંડળ પહેલા દિવસથી જ કેન્દ્ર સ્થાને આવી ગયું છે. મહારાષ્ટ્ર ઉપરાંત આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાનો પણ દેવાસ પહોંચ્યા છે.
વિશ્વના ડામાડોળ આર્થિક તંત્રમાં ભારતમાં કરાયેલું રોકાણ કેટલું સલામત છે તે ભારતનું પ્રતિનિધિમંડળ અન્ય દેશના લોકોને સમજાવશે. વિશ્વમાં આર્થિક ક્ષેત્રે જોવા મળતા અંડર કરન્ટની દેવોસમાં ચર્ચા થઈ રહી છે. જીયો-પોલિટિકલ અસ્થિરતા, ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફના કરાણે બિઝનેસને પડેલો ફટકો તેમજ આર્ર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસને કારણે વધતી બેકારી જેવા મુદ્દા દરેક દેશને નડી રહ્યા છે.
વિશ્વ સામે હાલ સૌથી મોટો પડકાર ક્લાઇમેટ ચેન્જ અને સંભવિત ત્રીજું વિશ્વ યુદ્ધ છે. જ્યારે વિદેશી રોકાણકારો ભારતમાંથી પીછેહઠ કરી રહ્યા છે ત્યારે ભારત વર્લ્ડ ઇકોનોમિક ફોરમના તખ્તે વિદેશી રોકાણકારોને આકર્ષવાની કોશિશ કરી રહ્યું છે.


