- પ્રસંગપટ
- બોયકોટ પાછળના નક્કર આયોજનનો અભાવ
- વિરોધ માટેનું નક્કર આયોજન હોય એવું લાગતું નથી : સરકાર દૂધ અને દહીં બન્નેમાં પગ રાખે છે
ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલી ટેરિફનો મામલો ભારતના અનેક ક્ષેત્રો પર અસર કરનારો બની રહેશે. અમેરિકાને હંફાવવું આસાન નથી. અમેરિકાની પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની વાતો ચાલી રહી છે. દેશના વડા તેમના ભાષણમાં વારંવાર અમેરિકી ઉત્પાદનો નહીં વાપરવાની ટહેલ નાખે છે. પરંતુ તેની પાછળનુંં કોઇ નક્કર આયોજન હોય એવું લાગતું નથી આવી સ્થિતિ વાતોના વડાં ચાલતા હોય એમ લાગે છે.
ભારત સરકાર ધારે તો અમેરિકાની અનેક પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકી શકે છે કે તેનો વપરાશ બંધ કરવાની ઝુંબેશ શરૂ કરી શકે છે. પરંતુ બજારમાં એવો કોઇ વિરોધ નજરે નથી પડતો. કેટલાક આંકડા બજારમાં ફરી રહ્યા છે કે એમેઝોનની પ્રોડક્ટને નુકશાન પહોંચ્યું છે વગેરે.
ભારત સરકાર અમેરિકી પ્રોડક્ટ પર હજુ સત્તાવાર રીતે ત્રાટકી નથી. એમ લાગે છે કે ભાજપ અમેરિકી પ્રોડક્ટના બહીષ્કાર માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના માળખાનો ઉપયોગ કરશે. જે અસરકારક રીતે વિદેશી માલનો બહિષ્કાર કરી શકે છે. ભારત સરકાર પોતે બહિષ્કારની ઝુંબેશ ચલાવીને અમેરિકા સાથે સંબંધો બગડે તેમ નથી ઇચ્છતું. એટલેજ તો મોદી સરકાર સંધનો ઉપયોગ કરશે એમ મનાય છે. સંધ સ્વદેશી માલના બહિષ્કારની ઝુંબેશ ચલાવી ચૂક્યું છે.
જ્યારે વિદેશી માલ ખરીદવાનો ક્રેઝ હોય ત્યારે તેની ખરીદી અટકાવવી આસાન નથી. ભારતના લોકો હવે પહેલાં જેવા ગાડરીયા પ્રવાહ જેવા નથી રહ્યા. લોકો હવે કેમ? શુ? ક્યારે? જેવા પ્રશ્નો પૂછતા થઇ ગયા છે. સરકારની હાકલ તેમના માટે ત્વરીત ગળે ઉતરે એવી નથી હોતી માટેજ સરકાર અન્ય સોર્સનો ઉપયોગ કરીને અમેરિકાની પ્રોડક્ટ સામે બાંયો ચઢાવી શકે છે.
ભારતના વર્તમાન સત્તાધીશોએ ભૂતકાળમાં વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ દેશમાં અનાજની અછતની સામે લડવા દરેકને અઠવાડીયામાં એક દિવસ એકવાર જમીને દેશની સાથે ઉભા રહેવા આવાહન કર્યું હતું. તેને શાસ્ત્રીજીના સોમવાર તરીકે ઓળખવામાં આવતો હતો. દેશમાં લાખો લોકોએ વડાપ્રધાનનું આવાહન સ્વિકારી લીધું હતું.
ત્યારે સોશ્યલ નેટવર્ક પણ નહોતું કે સ્માર્ટફોન પણ નહોતા. ત્યારે લોકો રોજ સવારે અખબારોની ચાતક નજરે રાહ જોતા હતા.
લાલબહાદુર શાસ્ત્રીને લોકો દિલથી પ્રેમ કરતા હતા. ઉંચાઇમાં નાના એવા લાલ બહાદુર શાસ્ત્રીની સાદગી ઉડીને આંખે વળગે એવી હતી. દેશના લોકોને અઠવાડીયામાં એકવાર ઉપવાસ કરવાનું કહેતા પહેલાં તેમણે પોતાના ઘરના સભ્યોને એકવાર ઉપવાસ કરવાનું કહ્યું હતું. ઉપવાસ કરવાથી કોઇ નુકશાન નથી એમ સમજ્યા બાદ લાલ બહાદુર શાસ્ત્રીએ દેશના લોકોને એક સમય ભાજન છોડવાની હાકલ કરી તે જોતજોતામાં દેશભરમાં પ્રસરી ગઇ હતી અને લોકો એક સમય ભોજન લઇને શાસ્ત્રીજીના સોમવારના ભાગીદાર બનતા હતા.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ૫૦ ટકા ટેરિફની વાત કરી ત્યારથીજ અમેરિકાની પ્રોડક્ટનો બોયકોટ કરવાની વાતો શરૂ થઇ હતી. બોયકોટનો માહોલ જ્યારે સખત્ત થશે ત્યારે મેકડોનાલ્ડ અને કોકાકોલાથી માંડીને એમેઝોન જેવી કંપનીઓને તેમજ એપલ સહીતની મલ્ટીનેશનલ કંપનીઓને આંખે તારા દેખાવા લાગશે તે નક્કી છે.
ભારતે સોશ્યલ નેટવર્ક પર પોતાનો વિરોધ દર્શાવવો શરૂ કર્યો છે. ઇન્ટરનેટ પર પણ ભારતે પોતાનું બ્રાઉઝર કોમેટ મુકીને અમેરિકાને ચોકાવ્યું છે.
અમેરિકી કંપનીઓ માટે ભારત બહુ મોટું બજાર છે. અમેરિકાની કમનસીબી એ છે કે ભારતમાં જે લોકો પાસે ખરીદશક્તિ છે તે લોકો ભાજપ તરફી ઢળેલા છે એટલે વડાપ્રધાનની એક હાકલ અમેેરિકી કંપનીઓમાં હાહાકાર મચાવી શકે છે. આ કંપનીઓ ડોનાલ્ડ ટ્રમ્પને કહી શકે છે કે તમારા કારણે અમારો માલ વેચાતો નથી.
હાલમાં તો સોશ્યલ નેટવર્ક પર મેઇડ ઇન ઈન્ડયાની પ્રોડક્ટ માટે ઝુંબેશ ચાલે છે. હાલમાં ભારત દૂધ અને દહીંમાં એમ બંનેમાં પગ રાખીને આગળ વધી રહ્યું છે. બૂેંગલુરૂ ખાતેની એક સભામાં વડાપ્રધાને દેશમાં બનેલી પ્રોડક્ટ ખરીદવા કહ્યું હતું જ્યારે બીજી તરફ તાજેતરમાં દેશમાં દિલ્હી ખાતે ટેસ્લાનો બીજો શો રૂમ શરૂ કરાયો ત્યારે ત્યાં કોમર્સ પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. અમેરિકાની પ્રોડક્ટનો બહિષ્કાર જ ટ્રમ્પની મનમાનીને ગુંગળાવી શકે છે.
સ્વદેશી ચીજો વાપરવાની ઝુંબેશ ચલાવનારા દરેક શહેરમાં સ્વદેશી ચીજોનું મીની બજાર ખોલવાની જરૂર છે. સ્વદેશી ચીજોના વપરાશની ચળવળ ચલાવનારા દરેક શહેરમાં રેલી યોજીને લોકોને જાગૃત કરવા પ્રયાસ કરશે.


