- સોલાર, વિન્ડ અને હાઇડ્રોપાવરનો ઉપયોગ
- પ્રસંગપટ
- અમરાવતીના નાગરિકો મહત્તમ ફાળો છે, એેટલે જ તેને પીપલ્સ કેપિટલ પણ કહે છે
રિન્યુએબલ એનર્જી ચમત્કાર સર્જી રહી છે. આંધ્રપ્રદેશનું અમરાવતી વિશ્વનું પહેલું રિન્યુએબલ પાવર સિટી જાહેર થવા જઇ રહ્યું છે. કોઇ શહેર સૌથી સ્વચ્છ જાહેર થાય તો તે ગૌરવની વાત કહેવાતી હોય છે, જ્યારે અહીં અમરાવતીએ તો રિન્યુએબલ પાવરને ઉપયોગ કરવામાં વિશ્વમાં ડંકો વગાડયો છે. આંધ્રપ્રદેશની નવી રાજધાની તરીકે અમરાવતી ચમકી રહેલા અમરાવતી શહેરની યશકલગીમાં એક ઔર પીછું ઉમેરાયું છે.
અમરાવતી શહેરમાં વિજળી પેદા કરવા માટે રિન્યુએબલ સોર્સ પર પસંદગી ઉતારવામાં આવી છે. અહીં પરંપરાગત રીતે વપરાતી વિજળીના કોઇ સેટઅપ ઊભો કરવામાં આવ્યો નથી. સોલર, વિન્ડ અને હાઇડ્રોપાવરથી પેદા થયેલી વિજળીનો ઉપયોગ આખું શહેર કરી રહ્યું છે. અમરાવતીમાં ધૂમાડાનું નિશાન માત્ર જોવા નથી મળતું. અમરાવતી શહેરનું નિર્માણ હજુ ચાલી રહ્યું છે. હાલ અહીં એકાદ લાખ લોકો રહે છે. શુદ્ધ હવા અને ધૂમાડા રહિત વાતાવરણને કારણે રહેવાસીઓના આરોગ્ય પર પર સ્પષ્ટપણે હકારાત્મક અસર જોવા મળે છે. અમરાવતીને રિન્યુએબલ એનર્જી સિટી બનાવવા પાછળ નાગરિકોનો મહત્તમ ફાળો છે. એેટલે જ અમરાવતીને 'પીપલ્સ કેપિટલ' પણ કહે છે.
શહેરમાં ૨૭૦૦ મેગાવોટ ગ્રીન એનર્જી ઊભી કરવા માટે વિવિધ રિન્યુએબલ સોર્સનેા ઉપયોગ કરવામાં આવ્યો છે. સરકારે રિન્યુએબલ એનર્જીના સમ્રાટ બનવા ૬૫,૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે અને પાક્કું પ્લાનિંગ કર્યું છે. શોપિંગ મોલ્સ સોલર આધારિત બનાવી દેવાયા છે. આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચન્દ્રાબાબુ નાયડુએ ભારતના ક્લીન એનર્જીના સપનાને સાકાર બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.
૨૭૦૦ મેગા વોટની રિન્યુએબલ એનર્જીની ક્ષમતાના કારણે વાતાવરણ ધૂમાડા વિનાનું રહેશે અને અન્ય શહેરોને પણ તેનું અનુકરણ કરવાની પ્રેરણા મળશે. સરકાર આવી સ્કીમ લાગુ પાડવાની શરુઆત ગામડાઓથી કરી શકે છે. આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીને કાંઠે તૈયાર થઈ રહેલી આ નવીનક્કોર રાજધાનીમાં રિન્યુએબલ એનર્જીનો મહત્તમ વપરાશ થવાનો છે. આંધ્રપ્રદેશની સરકારે તમામ સરકારી મકાનો અને હોસ્પિટલોને રિન્યુએબલ એનર્જીનો સોર્સ ઊભો કરવા તાકીદ કરી છે. નાનાં કારખાનાં અને ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પણ સોલાર પેનલ ફિટ કરવાના આદેશ અપાયા છે.
અહીં ખુલ્લી વિશાળ જમીનો પર અસંખ્ય વૃક્ષો ઊગાડવામાં આવ્યાં છે. વિન્ડ પાવર ઉત્પન્ન કરવા માટે અહીં કતારબદ્ધ પવનક્કીઓ ઊભી છે. સરકારે શહેરમાં અને હાઇવે પર વાહનો માટે ચોક્કસ અંતરે ઇવી ચાર્જીંગ સ્ટેશનો ઊભાં કર્યાં છે. જાહેર બગીચા તેમજ વોકવે પર પણ સોલર પેનલો ગોઠવી દેવામાં આવી છે.
અમરાવતીના ટાઉન પ્લાનરોને સલામ છે કે જેમણે લોકોને ગરમીમાં રાહત આપવા કૂલીંગ સિસ્ટમ ઊભી કરી છે. ૨૦૨૪માં આંધ્રપ્રદેશમાં સૌથી વધારે ૪૬.૨ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. સખત ગરમીના કારણે પાવર સપ્લાયની માંગ વધતી જવાની. અમરાવતી શહેરમાં હાઇ કોર્ટ, મંત્રાલય વગેરે જેવાં મકાનોને ઠંડા રાખવા વિશિષ્ટ કૂલીંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.
નવા રહેણાંક વિસ્તારોમાં મકાનો પર સોલર પેનલ લગાવવાથી નાગરિકોને સ્વાભાવિકપણે જ વિજળીના બિલમાં રાહત થઈ રહી છે. નવા માર્કેટ યાર્ડ અને વિશાળ કોમ્પલેક્સીસ પણ સોલાર પેનલો થકી વિજળી મેળવે છે.
સોલર, વિન્ડ અને હાઇડ્રોકાર્બન - ક્લીન એનર્જી માટેના આ મુખ્ય રિન્યુએબલ સોર્સ છે. ચન્દ્રાબાબુ નાયડુએ પટ્રોલ-ડિઝલથી ચાલતાં સરકારી વાહનો ન વાપરતાં ઇલેકટ્રીક વ્હીકલનો ઉપયોગ કરવાના આદેશ આપ્યો છે. ડિઝલ અને પેટ્રોલથી ચાલતાં વાહનોને રોકીને અહીં ટ્રાફિક પોલીસ ચાલકોને ઇવીના ફાયદા સમજાવે છે અને તે માટેની લોન વગેરે ક્યાંથી મળશે તેની વિગતો પણ આપે છે.
ગુજરાતનાં શહેરોના મેયરોએ અમરાવતીની મુલાકાત લઇને પોતાને ત્યાં પણ રિન્યુએબલ એનર્જીનો શક્ય તેટલો વધારે ઉપયોગ કરીને વાતાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવાની કોશિશ કરવી જોઈએ.


