ઉદ્યોગની ક્ષમતા ગામડાઓમાં ઇનબિલ્ટ છે, ઢંઢોળવાનો પ્રયાસ
- ચીનના ઉત્પાદનો સસ્તાં હોવાની સાથે ઇનોવેટીવ પણ હોય છે
- ચીનમાં જતા ઓર્ડર જેમ જેમ બંધ થશે એમ એમ ગામડાઓના આર્થિક ચહેરાની લાલી વધતી દેખાશે
- પ્રસંગપટ
સ્વદેશી ચીજોને પ્રોત્સાહન આપવાની વાત નવી નથી, વારંવાર સ્વદેશીનું ભૂત ધૂણાવાય છે અને ફરી પાછું તેને બાટલીમાં પુરી દેવાય છે. સ્વદેશીને પ્રોત્સાહન આપવાની નિતી આવકાર્ય છે પરંતુ તે માટેની કોઇ સિસ્ટમ ગોઠવાતી નથી. ગામડાના અર્થતંત્રને વેગવંતુ બનાવાય તો જ દેશના અર્થતંત્રનો પાયો મજબુત બની શકે છે. ચીનની બનાવટો સામે સ્વદેશીનું શસ્ત્ર કામ કરી શકે છે પરંતુ તે માટે પ્રોત્સાહક નિતી અમલી બનાવવી પડશે.
આત્મનિર્ભર કે પગભર થવાની વાત આવકાર્ય છે. ભારતના વેપાર ઉધ્યોગો પર ચીનની પ્રોડક્ટનો પ્રભાવ છે એવું નથી પરંતુ લોકો પણ ચીનની વસ્તુઓ ખરીદવા ટેવાઇ ગયા છે. વર્ષો સુધી ભારત ચીનની કરામતો સામે હાથ જોડીને ઉભું રહ્યું હતું. ચીનની ઉત્પાદન ક્ષમતાથી ભારતના લોકો અંજાઇ ગયા હતા. ચીનની કેટલીક પ્રોડક્ટ વિના ભારતના અનેક ઉધ્યોગો ઠપ્પ થઇ જાય એમ છે. ઉદાહરણ તરીકે ફાર્માસ્યુટીકલ ઉધ્યોગમાં દવાઓના બનાવવા માટેના પાયાના ઇન્ગ્રેડીયન્ટ ચીનથી આવે છે. તાળા ઉધ્યોગ અને છત્રી ઉધ્યોગ જેવા નાના ઉદ્યોગોનેતો ખંભાતી તાળા વાગી ગયા છે.
ચીનના ઉત્પાદનો સસ્તાં હોવાની સાથે ઇનોવેટીવ પણ હોય છે. જથ્થા બંધ ઉત્પાદન કરવું અને ઇનોવેશનને પણ સ્થાન આપવું આસાન નથી. ચીને સમજાવી દીધું છે કે ઇનોવેશન અને ભણતરને કોઇ સંબંધ નથી. વર્તમાન સમયમાં શેની જરુર છે અને પ્રતિસ્પર્ધી શું બનાવે છે તેનો પણ ચીન અભ્યાસ કરતું આવ્યું છે.
ઘર વપરાશની કેટલીક ચીજો ઉદાહરણ તરીકે મચ્છર મારવાનું પાતળા તારની જાળી વાળું રેકેટ ઘેર ઘેર લોકો વાપરે છે અને દરેકને ત્યાં તે બગડેલી હાલતમાં ભંગાર તરીકે પડયા છે. તે બરાબર કામ આપતા ના હોવા છતાં માત્ર પશ્ચિમ ભારતમાં વર્ષે દહાડે તેની દશ લાખ નંગની ખપત થાય છે.
ચીનના ઇનોવેશનની ખપત માત્ર ભારતમાં છે એવું નથી વિશ્વના તમામ દેશોની જરુરિયાત પ્રમાણે ચીને નવું કર્યું છે અને વેચાણ વધાર્યું છે. ચીનની ડમ્પીંગ પોલીસીથી તો અમેરિકા પણ ત્રાહિમામ પોકારી ગયું હતું. સામાન્ય પીપુડી કે રમકડાંની વાત નથી પણ સસ્તાં મોબાઇલ બનાવીને ચીને એપલ જેવી ટોચની કંપનીઓના વેચાણને પણ ફટકો માર્યો હતો.
ભારતમાં આ બધું શક્ય છે પરંતુ ભારતના શાસકો ઉંઘતા હતા. વડાપ્રધાન મોદીએ ભારતની જે ક્ષમતાની વાત કરી છે તે તો ભારતીયોમાં ઇનબિલ્ટ છે, તેેને ઢંઢોળવાનો પ્રયાસ કોઇએ નહોતો કર્યો. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીએ પાંચ લાખ માટીના દિવા સાથે અયોધ્યાને ઝગમગાવ્યું ત્યારે તેમાં એક પણ દિવોે ચીનનો નહોતો. સ્થાનિક લોકોને દિવા બનાવવા પ્રોત્સાહન આયું હતું. માટી કામ સાથે સંકળાયેલા ગૃહ ઉદ્યોગોને મોટો લાભ થયો હતો.
ચીને તેની વસ્તિને પ્રોડક્ટીવ બનાવી છે જ્યારે ભારતે પોતાની વસ્તિ પર ભરોસો નહોતો મુક્યો. આવા કિસ્સામાં જાગ્યા ત્યારથી સવાર કહી શકાય. ભારતના લોકો ધારે તો સ્થાનિક પ્રોડક્ટ ખરીદીને ગામડાના અર્થ તંત્રને ફરી ગાજતું કરી શકે છે.
માઇક્રો અને મધ્યમ કદના ઉધ્યોગો સાથે સંકળાયેલા લોકો પોતાને શું મળ્યું તે વિશે ચર્ચા કરે ત્યાં સુધી ઠીક છે પરંતુ ભારતમાં તો ઘેર ઘેર અર્થ શાસ્ત્રીઓ ફૂટી નિકળ્યા હોય એમ લાગે છે. દરેક મુદ્દે પોતાના વિધ્વતા બતાવવાની ટેવ પડી ગઇ છે. ત્રાસવાદ હોય કે દેશદ્રોહી લોકો પર આકરાં પગલાં લેવાની વાત હોય પણ આ લોકો તરત આમ હોવું જોઇએ કે ના હોવું જોઇએ એમ કહીને તૂટી પડે છે.હકિકતે તો ગામે ગામ જઇને તેમની ઔદ્યોગિક ક્ષમતા-સેન્સ ચકાસવી જોઇએ.
કેટલાકના ઓપિનીયનો બાળવાર્તા વાંચતા હોય એવા લાગે છે. હકિકત એ છે કે પગભર થવું એ એક સિધ્ધિ છે. સાયલન્ટ દુશ્મન એવા પાડોશી દેશ ચીનની પ્રોડક્ટ પર દેશનું ઉત્પાદન નિર્ભર રહે તે લાંબે ગાળે જોખમી બની શકે છે. આજની સ્થિતિ એ છે કે ચીન સપ્લાય ઓછો કરી નાખે તો ભારતનો ફાર્માસ્યુટીકલ ઉદ્યોગ ગૂંગળાઇ જાય એમ છે. નાણાપ્રધાન નિર્મલા સિતારામને છેલ્લું બજેટ ગ્રામલક્ષી આપ્યું ત્યારે જે ટિકાકારો હતા તે ૨૦ લાખ કરોડના પેેકેજ વખતે પણ છે.
કેટલાંક પગલાં તાત્કાલીક અસર કરતાં નથી લાગતાં પણ સમય આવે તે ફળ આપે છે. ચીનમાં જતા ઓર્ડર જેમ જેમ બંધ થશે એમ એમ ગામડાઓના ચહેરાની લાલી વધતી દેખાશે. આર્થિક તંત્ર પાયામાંથી સળવળતું થશે એટલે સર્વત્ર આર્થિક ઉજાસ નજરે પડશે એમ કહી શકાય.