સ્પર્ધાના યુગની સાઇડ ઇફેક્ટ ડિપ્રેશન અને ટેન્શનની બીમારી
- પ્રસંગપટ
- પૂણેમાં સીએ થયેલી યુવતીનું ઓવરલોડ વર્કથી મૃત્યુ
- ઇન્ફોસિસના વડા નારાયણ મૂર્તિએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવાનું કહીને વિવાદ ઉભો કર્યો હતો
ભાગદોડવાળી અને સ્પર્ધાથી ભરેલી જીંદગીમાં યુવા વર્ગ એટલો અટવાયેલો છે કે તે નિરાંતે શ્વાસ પણ લઇ શકતો નથી. પોતાની તબિયત તો ઠીક પણ બે સમય શાંતિથી જમી પણ શકતો નથી. સતત કામ કરતા રહીને આગળ વધી જવાનો તેમજ વધુ અને વહેલાં પૈસા કમાઇ લેવાની દોડમાં યુવા વર્ગ શ્વાસ લેવાનું ચૂકી જાય છે એમ કહી શકાય.
સતત દોડધામ, સતત કામ પુરૃં કરવાનું ટેન્શન, સતત ઓફિસ પોલીટીક્સનું ટેન્શન, સતત જોબ પર જોખમનું ટેન્શન, કંપની લે ઓફ જાહેર કરે કે હકાલપટ્ટી કરે તેનું ટેન્શન તેમજ ફેમિલીને સુખી-સમૃધ્ધ બનાવવાનું ટેન્શન વગેરેના કારણે યુવા વર્ગ નથી તો શાંતિથી જીવનનો આનંદ માણી શકતો કે નથી તો કોઇ એડવાન્સ પ્લાનીંગ કરી શકતો.
પૂણેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલી ૨૬ વર્ષની એના નામની યુવતી કામના ભારણના કારણે મોતને ભેટી હતી તે ઘટનાએ મલ્ટીનેશનલ કંપનીઓમાં સ્ટાફ પાસે કેવું વૈતરૃં કરાવવામાં આવે છે તે દિશામાં સૌનું ધ્યાન દોર્યું છે.
યુવતીની મમ્મીએ કંપનીના મેનેજીંગ ડીરેક્ટરને સંબોધીને લખેલો પત્ર સોશ્યલ મિડીયામાં અનેકના આંસુ સારી રહ્યો છે. પત્રમાં લખ્યું હતુંકે કામના ઓવરલોડના કારણે મારી દિકરી મોતને ભેટી છે. આખો મામલો રાજ્યસભામાં ઉઠાવાયો છે. યુનિયનો પણ મેદાનમાં આવ્યા છે. અહીં પ્રશ્ન એ પણ છે કે કામનું વધુ પડતું ભારણ હતું તો તેની ફરિયાદ કંપનીમાં કરવી જોઇએ તેના બદલે મોતને ભેટનાર એનાએ ભારણ ઉઠાવે રાખ્યું હતું.
ચાર મહિના પહેલાં સીએ થયેલી યુવતી મલ્ટીનેશનલ કંપનીમાં બહુ આશા સાથે જોડાઇ હતી. તેની પાસે એટલું કામ કરાવાતું હતું કે તે જ્યાં પીજી તરીકે રહેતી હતી ત્યાં પણ રાત્રે કામ કર્યા કરતી હતી. શનિ-રવિવારની રજામાં પણ તે કામ કરતી જોવા મળતી હતી.
પોતાની સીએ થયેલી યુવાન દિકરીના મોતથી વ્યથિત થયેલી માતાએ લખ્યું છે કે સતત વર્ક લોડ વધારનાર કંપનીનો કોઇ સ્ટાફ મારી દિકરીની સમાશાન યાત્રામાં પણ નહોતો આવ્યો. મારી દિકરી રાત્રે પીજી તરીકે રહેતી હતી ત્યાં પરત ફરતી ત્યારે સાવ થાકીને ઢગલો થઇને આવતી હતી. તેની પાસે કમરતોડ કામ કરાવાતું હતું.
માતાના સોશ્યલ નેટવર્ક પરના પત્ર બાદ મલ્ટીનેશનલ કંપની ઇ-વાય ગ્લોબલે ખુલાસો કરવો પડયો હતો કે અમે અમારા સ્ટાફનું પુરતું ધ્યાન રાખીયે છીએ વગેરે..વગેરે. પરંતુ હકીકત એ છે કે કંપનીઓ સ્ટાફનું શોષણ કરતો હોય છે જે સ્ટાફ જ્યારે પોતે બિમાર પડે છે ત્યારે ખબર પડે છે.
ભારતમાં સતત કામને વળગી રહેલો એક વર્ગ છે. ઇન્ફોસિસના ફાઉન્ડર ચેરમેન નારાયણ મૂર્તિએ અઠવાડિયામાં ૭૦ કલાક કામ કરવાનું કહીને વિવાદ ઉભો કર્યો હતો. તેમનો વિરોધ કરનારા અનેક લોકો હતા એમ તેમની વાતને ટેકો આપનારા પણ ધણા લોકો હતા.
કામનો લોડ તો દરેક પર હોય છે પરંતુ તેને સમય પ્રમાણે વહેંચવાનો હોય છે. આ કિસ્સામાં મૃત્યુ પામનાર એના જોબ પર જોડાયે માંડ ચાર મહિના થયા હતા. તેનામાં વધુ કામ આપવાની ધગશ હોય તે પણ સ્વભાવિક છે પરંતુ કંપનીએ તેના પર વધુ પડતો વર્ક બોજ નાખીને તેની યુવાની છીનવી લીધી હતી.
નારાયણમૂર્તિએ જ્યારે એમ કહ્યું કે ભારતના આર્થિક તંત્રને વેગ આપવો હોય તો અઠવાડીયે ૭૦ કલાક કામ કરવું જોઇએ. જોકે વધુ કલાક કામ કરવાને શરીર ટેકો નથી આપતું અને અનેક લોકો વધુ કામના કારણે સ્ટ્રોકનો ભોગ બન્યા છે. વિદેશમાં કંપનીઓ સ્ટાફના સ્ટે્ર્સને દુર કરવા કંપનીમાં સ્ટ્ર્ેસ બસ્ટર સમાન ગેમ, રેસ્ટોરાં અને જીમ વગેરે ઉભા કરાયા હોય છે. ભારતમાં પણ કંપનીઓ વિવિધ સ્ટ્રેસ બસ્ટરનો ઉપયોગ કરે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલી કંપનીઓ હવે શનિવાર અને રવિવારની સાથે શુક્રવારે પણ રજા આપવા માંગે છે જેથી સ્ટાફ તેમના કુટુંબ સાથે વધુ સમય રહી શકે.
અહીં મહત્વની વાત એ પણ છે કેટલાક લોકો પોતાના કામ ઉપરાંત અન્ય વધારાના કામો આર્થિક ઉપાર્જન માટે કરતા હોય છે. જીંદગી હવે આરામ દાયક નથી રહી. વિદ્યાર્થી જગતમાં ડિપ્રેશનના કિસ્સા જોવા મળે છે. રાજકારણીઓ સત્તા મેળવવાના અને સત્તા બચાવવાના ટેન્શનમાં જોવા મળી રહ્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવું ઉચ્ચ શિક્ષણ મેળવારા વધુ પડતા વર્કલોડનો વિરોધ કરી શકે છે પરંતુ સ્પર્ધાના આ યુગમાં યુવાનો પાસે વિકલ્પ ઓછા છે તે પણ હકીકત છે.