Get The App

દિવાળીના તહેવારોમાં ખરીદીનો ઉમળકોઃ દરેક બજારમાં ઉત્સાહ

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
દિવાળીના તહેવારોમાં ખરીદીનો ઉમળકોઃ દરેક બજારમાં ઉત્સાહ 1 - image

- દિવાળીના છેલ્લા દિવસ સુધી લોકો શોપિંગમાં વ્યસ્ત 

- પ્રસંગપટ

- દિવાળી બોનસ, વહેલાસર મળી ગયેલો પગાર અને જીએસટીમાં રાહત જેવાં પરિબળો કારણભૂત છે

દિવાળીના છેલ્લા દિવસ સુધી લોકો ખરીદીમાં વ્યસ્ત રહ્યા હતા. ઓનલાઇન ખરીદી કરનારા ભલે જોવા ના મળતાં હોય પરંતુ ઓનલાઇન ખરીદીના આંકડા છેલ્લી પાંચ દિવાળીની સરખામણીમાં સૌથી વધુ છે એમ કહી શકાય. રૂબરૂ બજારમાં જઇને ખરીદી કરનારાઓની ભીડના કારણે અમદાવાદના ગાંધી રોડ અને રિલીફ રોડ પર પગ મુકવાની જગ્યા નહોતી. મોટા અને નામાંકીત શોપીંગ મોલમાં પણ ખરીદનારાઓની ધક્કા મુક્કી જોવા મળતી હતી.

અમદાવાદના જાણીતા શોપીંગ મોલમાં કે જ્યાં ભોંયરામાંના પાર્કીંગ સવારથીજ પેક થઇ જતા હતા. જ્યાં બ્રાન્ડેડ કંપનીના કપડાં સહીતની ચીજો મળે છે ત્યાં લાવો... લાવો  જોવા મળતું હતું. મોટાભાગના મોલમાં કપડાંનું ફીટીંગ જાવા માટેના ડ્રેેસીંગ રૂમની બહાર કલાક રાહ જોવી પડે એવી સ્થિતિ હતી. કેટલીક જગ્યાએ ખરીદીના કારણે માલ ખાલી થઇ ગયો હતો અને હવે રજાના દિવસો પછી નવો માલ આવશે એવા બેનર મુકી દેવાયા હતા.   એાનલાઇન વેચાણમાં ટાયર થ્રી સિટીમાંથી ૫૦ ટકા આર્ડર મળ્યા છે. ઓનલાઇન વેચાણ મોટાભાગે નોન મેટ્રો સિટીમાં વધુ જોવા મળ્યું હતું. નોન મેટ્રો સિટીમાં ૪.૨૫ કરોડના પાર્સલ પહોંચાડાયા હતા. દુર્ગા પૂજા અને કરવા ચોથમાં નાના શહેરોમાં ઇ કોમર્સનું સેલ વધ્યું હોવાનું નોંધાયું  છે.

અહેવાલો અનુસાર જીએસટીમાં રાહત માટે લેવાયેલા પગલાંની અસર ભાવો પર વર્તાય છે. રોજીંદા વપરાશની ચીજો તેમજ તહેવારોમાં વપરાનાર ચીજોના ભાવમાં ઘટાડાએ લોકોને ખરીદી છૂટથી કરવાનો મોકો આપ્યો હતા. રેસ્ટોરાં અને ઓનલાઇન ટ્રાવેલ બુકીંગમાં ૧૨થી ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા સાતેક ત્રિમાસિક તબક્કા કરતા આ વખતે ટ્રાવેલ બુકીંગમાં ઉછાળો જોવા મળ્યો છે.

૨૦૨૫માં નવરાત્રી તેમજ દુર્ગાપૂજા દરમ્યાન ખરીદીમાં વધારો જોવા મળ્યો હતો. બેંગલુરૂ અને મુંબઇની કેટલીક કંપનીઓએ દિવાળી તહેવારોની ખરીદી માટે બોનસ ઉપરાંત સ્પેશ્યલ આર્થિક પેકેજ આપ્યું હતું. જેને દિવાળી એડવાન્સ કહેવાયું હતું. દિવાળી એડવાન્સમાં આપેલા પૈસા વગર વ્યાજનો હોય અને દર મહિને કર્મચારીના પગારમાંથી તે કપાય છે. કેટલીક કંપનીઓએ ખરીદી માટે ૫૦૦૦ રૂપિયાની કુપન આપી હતી. 

બજારમાં ખરીદીમાં ઉછાળા પાછળના કેટલાક કારણોમાં દિવાળી એડવાન્સ, બોનસ તેમજ દિવાળી તહેવારો પહેલાં આવેલા પગાર કારણભૂત છે. લોકો દિવાળી તહેવાર કુટુંબ સાથે ઉજવી શકે તે માટે કેટલીક કંપનીઓ છેલ્લા પંદર દિવસથી વર્ક ફ્રોમ હોમની સિસ્ટમ શરૂ કરી છે. મુંબઇની એક કંપનીએ કહ્યું છે કે કર્મચારી શહેરના ટ્રાફિકમાં અટવાય અને પ્રદૂષણનો ભોગ બને તેના બદલે તે ઘેર બેસીને કામ કરી શકે છે.

કેટલીક કંપનીઓએ દિવાળી બ્રેક તરીકે ૧૦ દિવસની રજા આપી દીધી છે. અનેક કંપનીઓએ કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપીને ખુશ કરી દીધા છે.

ફોર વ્હીલર અને ટુ વ્હીલરના વેચાણમાં ઉછાળા ના કારણે વેચાણ સાથે સંકળાયેલા લોકોને દિવાળીના દિવસોમાં વધુ કલાકો કામ કરવું પડયું હતું  એવીજ રીતે રેસ્ટોરાં અને ફૂડ સર્વિસ સાથે સંકળાયેલાઓના કામના કલાકો વધ્યા હતા.

નવરાત્રી અને દિવાળીના દિવસોમાં ઇલેકટ્રોનિક ચીજોના વેચાણમાં બહુ મોટો ઉછાળો નોંધાયો છે. જેના પગલે ઇલેકટ્રોનિક ચીજોના વેચાણમાં બમણો વધારો કરાયો છે. 

મળતી માહિતી અનુસાર ૮૫ ઇંચની ટીવી અનેક શોપીંગ મોલમાં ખલાસ થઇ ગયા છે. કેટલીક બેંકોના ક્રેડટ કાર્ડ એ.સી, વોશિંગ મશીન અને સ્માર્ટફોનની ખરીદી પર સ્પેશયલ ડિસ્કાઉન્ટ આપતી હોઇ તેના વેચાણમાં વધારો જોવા મળ્યો હતો. જીએસટીમાં ફેરફારના કરાણે પણ આ ચીજો રાહત દર પર આવી ગઇ હતી.

તહેવારોના દિવસોમાં ચાંદીના ભાવમાં આવેલા ઉછાળાના કારણે બજારમાંથી ચાંદી અદ્રશ્ય થઇ ગઇ હતી. સોલર પેનલ બનાવનારા ચાંદીનો સ્ટોક કરી રહ્યા છે તો ભગવાનને દિવાળીમાં ચાંદી અર્પણ કરનારા પણ ચાંદી ખરીદવા દોડી રહ્યા છે. ચાંદીની અછત જણાતાં લોકોમાં ડિમાન્ડ વધી હતી અને ભાવો પણ ઉછળ્યા હતા.

ચાંદીના બજાર સાથે સંકળાયેલા જાણકારો કહે છે કે છેલ્લા ૨૭ વર્ષમાં ચાંદીની આટલી ક્રેઝી ડિમાન્ડ ક્યારેય જોવા નથી મળી.