Get The App

H-1B વિઝાના સળગતા મુદ્દે ઇલોન મસ્કે બળતામાં ઘી હોમ્યું

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
H-1B વિઝાના સળગતા મુદ્દે ઇલોન મસ્કે બળતામાં ઘી હોમ્યું 1 - image

- સિલિકોન વેલીને સીધો ફટકો પડવાની સંભાવના

- પ્રસંગપટ

- તેજસ્વી અને મહેનતુ H-1B વિઝાધારકો સાથે તાલ  મિલાવવો અમેરિકનો માટે સહેલું નથી

એચ-વનબી (H-1B) વિઝાના મામલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગૂંચવાયેલા છે. અમેેરિકાની ટોચની કંપનીઓના સીઇઓએ ટ્રમ્પને સમજાવ્યા છે કે H-1B વિઝાના મુદ્દે તમે કાચું કાપી રહ્યા છો. આ મામલામાં ભૂલભરેલી પોલિસીને કારણે અમેરિકન કંપનીઓના ઉત્પાદનક્ષમતા પર માઠી અસર થશે. 

H-1B વિઝા છેલ્લા કેટલાક સમયથી વિવાદના કેન્દ્રમાં છે. ભારત સહિત દુનિયાભરના દેશોમાંથી તેજસ્વી લોકોને ખેંચી લાવીને અમેરિકાને સમૃદ્ધ બનાવવા માટે શરૂ કરેલો આ વિઝા પ્રોગ્રામ હવે અમેરિકન સત્તાધીશોને ખટકી રહ્યો છે. જોકે સ્થાનિક કંપનીઓ પાયાની હકીકત જણાવી છે કે અમેરિકાની પ્રોડક્ટિવિટી માટે H-1B વિઝાધારકો પ્રાણવાયુ સમાન છે.  

અમેરિકા જાણે છેકે H-1B વિઝા પર પ્રતિબંધ એટલે આઈટી સહિત અનેક ક્ષેત્રોને સીધો ફટકો. વિશ્વભરના તેજસ્વી લોકોના જોરે વિશ્વમાં નામના મેળવનાર સિલિકોન વેલીને મહેનતુ તેમજ હોશિયાર લોકોની સતત જરૂર પડતી રહેવાની છે. અમેરિકા પાસે આઇટી ક્ષેત્રે ઇનોવેશન તેમજ રીસર્ચ કરી શકે એવી પ્રતિભાઓની  અછત છે. H-1B વિઝાના આધારે અમેરિકામાં કામ કરતા ભારતીય આઇટી નિષ્ણાતો સામાન્યપણે ખૂબ સક્ષમ હોય છે. સખત મહેનત કરવી એ તેમની તાસીર છે. 

H-1B વિઝા પર ભારત અને ચીન જેવા દેશોમાંથી આવતા તેજસ્વી લોકોની તાલ સાથે તાલ મિલાવવું સ્થાનિક  અમેરિકનો માટે આસાન નથી. અમેરિકામાં બેરોજગારીનો આંક વધે છે કેમ કે તેઓ નોકરી ખંતથી કરી શકતા નથી.  આ વિવાદમાં હવે ટેસ્લા ફેમ ઇલોન મસ્ક કૂદી પડયા છે. તેમણે કહ્યું છે કે અમેરિકામાં શારીરિક રીતે પડકારજનક કહી શકાય તેવાં કામ કરનારાઓની અછત છે. આવાં કામોની તાલીમ લેવા માગતા લોકોની પણ તંગી છે. 

'ચેલેન્જિંગ ફિઝિકલ વક'નો એક  અર્થ દિવસમાં વધારે કલાકો સુધી કરવું પડતું કામ એવો પણ થાય. કેટલીય નોકરીઓ એવી છે જેમાં ઊભા રહેવું પડે છે. અમેરિકનોને આવી નોકરીઓ કરવી ગમતી નથી. ફોર્ડ મોટર્સના સીઇઓ જેમ્સ ફર્લીએ કહ્યું કે ૧,૨૦,૦૦૦ ડોલરના વાર્ષિક પગારવાળી ૫૦૦૦ જોબ ખાલી પડી છે. આ ટિપ્પણી બાદ મસ્કે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. મસ્કની ટિપ્પણીને કારણે બળતામાં ઘી હોમાયું છે. 

હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણાવતા મૂળ ભારતીય પ્રોફેસર રોનિલ હિરા કહે છે કે H-1B વિઝાધારકો ઓછા વેતનમાં કામ કરે છે તે તો ઠીક, પણ તેમને દાબમાં રાખી શકાય છે. અમેરિકન કંપનીઓ H-1B વિઝાધારકોને વધુ પસંદ કરે છે તેનું એક મહત્ત્વનું કારણ આ પણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ વિઝા  ધરાવનારાઓ અમેરિકા આવે છે ત્યારે શરૂઆતમાં તેમનામાં કોઇ ચોક્કસ સ્કિલ હોતી નથી. તેઓ ઘણું કરીને અમેરિકન  સ્ટાફ પાસેથી પાયાની બાબતો શીખતા હોય છે.

અમેેરિકાના સ્થાનિક સ્ટાફ કરતાં આ H-1Bનો ગ્રાસ્પિંગ પાવર લગભગ બમણો હોય છે. વળી, તેઓ મહેનતુ હોવાથી કંપનીઓને વધારે પસંદ પડે છે. મૂળ અમેરિકનો સમયસર કામ કરીને જતા રહે છે, જ્યારે H-1B વિઝાધરાક સ્ટાફ વધારાનું કામ કરવા માટે તૈયાર રહેતા હોય છે.  

H-1B વિઝાધારકોને ડોલરમાં કમાવાની ઝંખના હોય છે. તેઓ અમેરિકામાં સ્થાયી થવાનું સપનું જોતાં હોય છે. વિદેશી નાગરિક હોવાથી તેમને દેખીતી રીતે જ અમેરિકામાં સરકારી નોકરીઓ મળી ન શકે. H-1B  વિઝાધારકો પાસે કામ સંબંધિત અધિકારો પણ ઓછા હોવાના. કંપનીનો અન્ય સ્ટાફ તેમને નંબર-ટુ ગણે છે. 

પોતાની વાતને ફેરવી તોળવા માટે ટ્રમ્પ જાણીતા છે. H-1B વિઝાના મુદ્દે તેમણે કહ્યું છે કે અમેરિકાએ પોતાના નાગરિકોને  ટ્રેઇન કરવા પડશે. ઉદાહરણ તરીકે અમેરિકામાં સેમીકન્ડક્ટર ચિપના જ્ઞાાન અને ઉત્પાદન માટે H-1B વિઝાધારકા જરૂરી બની જાય છે. અમેરિકનો ચિપનું ઉત્પાદન ના કરી શક્યા એટલે આ બિઝનેસ તાઇવાન શિફ્ટ થઇ ગયો છે.

ટ્રમ્પ સંભવત: ઇચ્છે છેે કે અમેરિકામાં રહેતા વિદેશીઓ પાસેથી જરુરી તાલીમ મેળવી લેવી અને પછી તેમને વતનભેગા કરી દેવા. H-1B વિઝાનો મુદ્દો ટ્રમ્પ માટે ગળામાં અટકેલા ઠળીયા સમાન બની ગયો છે.