ક્રિકેટ વર્લ્ડ કપમાં મળેલી હારનું દુખ એમ જલદી ભૂલાવાનું નથી
- ચન્દ્રયાન-ટુ મિશન નિષ્ફળ ગયું ત્યારે દેશ હતાશ થયો હતો
- પ્રસંગપટ
- લોકોને પીડા એ વાતની છે કે જે ખેલાડીઓને ખભે ઊંચકીને ફરતા હતા તે બધાનું વજન રાતોરાત ઓછું થઇ ગયું છે
ગયા રવિવારે કરોડો દેશવાસીઓની નજર સામે ભારતના હાથમાં આવેલો ક્રિકેટ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાના હાથમાં સરકી ગયો. તે કાળમુખો સમય હજુ પણ ચોરે ને ચૌટે ચર્ચાઇ રહ્યો છે. સૌ કોઈ ભારતની સંભવિત જીતને વધાવવા માટે તૈયાર બેઠા હતા, પરંતુ બિલાડીની જેમ દબાતા પગલે આવેલી હારને સૌએ ખેલદિલીપૂર્વક સ્વીકારવી પડી છે. આ હાર જોકે જલદી ભૂલાય તેમ નથી એ તો સ્પષ્ટ છે.
લોકોને દુખ એ વાતનું છે કે જે ખેલાડીઓને તેઓ ખભે ઊંચકીને ફરતા હતા તે બધાનું વજન રાતોરાત ઓછું થઇ ગયું છે. છેલ્લી કલાકોમાં ભારતના લોકો પ્રાર્થના કરતા હતા, તો કેટલાક હરખપદૂડા જ્યોતિષીઓએ તો સોશિયલ મીડિયા પર કુંડળી મૂકીને ભારત જીતશે એવો ચુકાદો ફરતો કરી દીધો હતો. એવી હવા ઊભી થઇ હતી કે ભારત આ વખતે વર્લ્ડ કપની મેચો સતત જીતતું આવ્યું છે માટે ફાઇનલ મેચ પણ આસાનીથી જીતી જશે. લોકોની માન્યતામાં દમ હતો, પરંતુ પ્રતિસ્પર્ધી ટીમની તાકાતનો કયાસ કાઢવામાં ભૂલ થઈ ગઈ.
ક્રિક્ટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી તે વિજયનો માહોલ યાદ કરીને ચહેરા પર સ્મિત લાવવાની જરૂર છે. પાકિસ્તાન ભારત સામે માત્ર હાયુંર્ નહોતું, પણ તે સેેમી ફાઇનલ સુધી પણ પહોંચી શક્યું નહોતું. પાકિસ્તાન હારને પચાવી શક્યું નહોતું એટલે તો પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરો બોલિવુડની હિરોઇનો વિશે પણ બકવાસ કરવા લાગ્યા હતા. આવો બકવાસ કરીને પાકિસ્તાની ક્રિકેટરો પર વિશ્વભરમાં થૂ-થૂ થઇ ગયું હતું. ભારતની ટીમ અને ભૂતપૂર્વ ક્રિકેટરો પરિપક્વ છે. કોઇએ એલફેલ નિવેદનો નથી કર્યા કે કોઇને જવાદાર નથી ઠેરવ્યા.
ભારતીય ક્રિકેટ ટીમનીે હતાશા ખંખેરીને એને ફરી સ્વસ્થ કરવા માટે વડાપ્રધાન મેાદીની સાથે આખું બોલિવુડ આગળ આવ્યું છે. ભારતની ટીમના પ્રયાસો અને મહેનતને નજરઅંદાજ કરવી ન જોઇએ. અભિનેત્રી કાજોલે લખ્યું હતું કે હાર કર જીતનેવાલોં કો બાજીગર કહતે હૈ.
ભારતીય ટીમે ઓછો સ્કોર કર્યો તે સાથે જ તે આઇસીયુમાં પહેંાચી ગઇ હતી. જોકે શમી, સિરાજ, બૂમરાહ, જાડેજા, કુલદીપ જેવા ડોક્ટરોની ટીમ આઇસીયુમાં પહોંચેલી ભારતીય ટીમને ઉગારી લેશે એમ લાગતું હતું. બહાર ઊભેલા અનુભવી અને અંગત સબંધીઓ સમજી ગયા હતા કે શરુઆતમાં ત્રણ વિકેટ ભલે પાડી દીધી હોય, પણ ધબકારા કાબુમાં નથી આવ્યા તે સારા સંકેત તો નથી જ. હાર્ટ બીટ્સ મંદ પડતા ગયા અને આખરે ભારતીય ટીમના વિજયની સંભાવના ચેતનહીન બની ગઈ.
ક્રિકેટનો વર્લ્ડ કપ ખેલાતો હોય ત્યારે દરેક સ્પર્ધક દેશની પ્રતિષ્ઠા દાવ પર લાગી હોય છે. ભારતની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવવની તક બેટ્સમેનોના કેટલાક શોટ્સ અને સ્લો રમતે ગુમાવી હતી. બેટ્સમેનોએ ફરજ ના બજાવી એટલે બોલરો પર જવાબદારી આવી પડી હતી. એક મત એવો પણ છે કે ઓછા સ્કોરવાળી મેચ જીતવી અઘરી હોય છે. ભારતની ક્રિકેટ ટીમના વડવાઆએે દરેક બોલની સમીક્ષા કરીને જીત માટેના નવા પ્લાન તૈયાર કરવાની જરૂર છે. જ્યારે આખો દેશ વિજયની અપેક્ષા રાખીને બેઠો હોય ત્યારે ખેલાડીઓએ આ અપેક્ષા સંતોષવા માટે જાનની બાજી લગાડી દેવી જોઈએ.
મેચ ચાલતી હોય ત્યારે તો પ્રત્યેક બોલની અને ફટકાની લોકો ઉત્સાહપૂર્વક સમીક્ષા કરતા હોય છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમોના વર્લ્ડ કપમાં ટકી રહેવાના પ્રયાસોને પણ ભૂલવા ના જોઇએ.
હારવું કોઇને ગમતું નથી તે હકીકત છે. હારમાંથી પુષ્કળ શીખવાનું મળે છે તે પણ હકીકત છે. જીતવું એ જ સર્વસ્વ નથી. હાર જેવા આઘાત આપણને મજબૂત બનાવે છે. આપણી નબળાઇઓ હાર દ્વારા સ્પષ્ટ થાય છે. આ નબળાઇ દૂર થાય આપોઆપ મજબૂતીમાં વધારો થાય. જ્યારે ચન્દ્રયાન-ટુ નિષ્ફળ ગયું ત્યારે દેશ હતાશ થયો હતો, પરંતુ ચન્દ્રયાન-થ્રીની સફળતાએ વિશ્વમાં ભારતનો ડંકો વગાડયો હતો.
ક્રિક્ેટ ભારત માટે રમત નથી, 'ધર્મ' છે. ગરીબથી માંડીને તવંગર સુધીના સૌ કોઈ આ ક્રિકેટ રમે છે. ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે, પરંતુ ક્રિકેટના ક્રેઝ સામે બીજી કોઈ રમતની કોઈ વિસાત નથી. સ્માર્ટ પ્રમોશન દ્વારા લોકોનું ધ્યાન ક્રિકેટમાંથી ડાયવર્ટ કરીને હોકી, કબડ્ડી કે ખો-ખોની દિશામાં ખેંચી જવાની જરૂર છે.