- જહાંગીર ખાન, અભિષેક બેનર્જી અને બળાત્કારના કેસો
- પ્રસંગપટ
- આઇપીએસ દમયંતી સેનને નવી ભાજપ સરકારે ક્રાઇમ અગેન્સ્ટ વુમન તપાસ પંચના વડા બનાવ્યા
- દમયંતી સેન-રતના દેવનાથ
હાર્યો જુગારી બમણું રમે એવુંજ ભારતના રાજકારણમાં પણ જોવા મળે છે. પોતાના રાજકીય અસ્તિત્વને ટકાવી રાખવા રાજકારણીઓ બમણો જુગાર રમે છે. પ.બંગાળના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મમતા બેનરજીમાં રાજકીય સ્પોર્ટમેન સ્પીરીટનો છાંટોય જોવા નથી મળતો. તેમને અને તેમના પક્ષના સેક્રેટરી અભિષેક બેનરજીની ઉંઘ હરામ કરી નાખતા પરિણામોના આંકડા તેમની નજર સામેથી ખસતા નથા. નથી તો મમતા બેનરજી વિધાનસભામાં જઇ શકતા કે નથીતો અભિષેક બેનરજી. મમતા સિવાયની પ.બંગાળની વિધાનસભા શાંત અને સૌમ્ય લાગે છે. દેશના કોઇ પણ મુદ્દે સરકાર વિરોધી લડાયક મૂડ બતાવતા મમતા આજકાલ ફરી પક્ષના નવેસરથી સંગઠન માટે તૈયારી કરી રહ્યા છે.
જેમ ડાબેરી પક્ષના શાસનમાં પડદા પાછળ રાજ કરતા બાંગ્લાદેશી ગુંડાઓ મમતાએ સરકાર રચી ત્યારે તેમની સાથે જોડાઇ ગયા હતા પરંતુ ભાજપની સરકાર રચાય તે પહેલાંજ અડધો અડધ ભાગી ગયા છે અને બાકીનાઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે. મમતાની ત્રણ દુખતી નસો ભાજપે દબાવતા મમતા ચીસ પાડી ઉઠયા છે. તેમાની એક નસનું નામ જહાંગીર ખાન છે. બીજી અભિષેક બેનરજી છે અને ત્રીજી આરજી કર મેડિકલ કોલેજમાં બળાત્કારનો કિસ્સો છે.
જ્યાં ફેરમતદાન થવાનું છે તે ફાલતા બેઠક પરથી જહાંગીર ખાને ગઇકાલે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, પ.બંગાળના સર્વે સર્વા બનીને ફરતા અભિષેેક બેનરજીના ગેરકાયદે બાંધકામો તોડવાની નોટીસો મોકલાઇ છે જ્યારે આરજી કર બળાત્કારના કેસમાં પિડીતાની માતા રતના દેવનાથનને ભાજપે ટીકીટ આપીને જીતાડયા છે. બળાત્કારના અન્ય બહુ ચર્ચીત ૨૦૧૨ના પાર્ક સ્ટ્રીટ કેસમાં જે આઇપીએસ અધિકારી પાર્ક સ્ટ્રીટ કેસમાં અધિકારીને તપાસમાંથી દુર કરાયા હતા તેમને ફરી પોસ્ટીંગ અપાયું છે અને તેમને તપાસની પુરી સત્તા પણ અપાઇ છે. આઇપીએસ દમયંતી સેનને નવી ભાજપ સરકારે ક્રાઇમ અગેન્સ્ટ વુમન તપાસ પંચના વડા બનાવ્યા છે. મમતા સરકારના ૧૫ વર્ષના શાસનમાં મહિલાઓ ખાસ કરીને પછાત વર્ગની મહિલાઓ પર થયેલા અત્યાચારની તે તપાસ કરશે.
૨૦૧૨ના બળાત્કારના કેસમાં તો એક મહિલા પર ચાલુ કારે બળાત્કાર થયેલોત્યારે મમતા બેનરજીએ આ કેસને ખોટો અને ઉપજાવી કાઢેલો કહ્યો હતો જ્યારે આઇપીએસ દમયંતી સેને બળાત્કાર થયો હોવાનું કહેતા મમતાએ તેમને તપાસમાંથી દુર કરી દીધા હતા. આમ રાજકીય માન્યતાની ઉપરવટ જઇને પોલીસે બળાત્કારના કેસને સાચો કહેતા મમતા છંછેડાયા હતા. તે એક તબક્કે કોલકત્તાના સ્પેશ્યલ કમિશ્નર ઓફ પોલીસ પણ બન્યા હતા પરંતુ તેમને કોઇ હાઇપ્રોફાઇલ તપાસ સોંપાતી નહોતી. ભાજપ સરકારના જાહેરમાં નમાજ નહીં પઢવાના આદેશના મુદ્દે પણ ગયા શુક્રવારે ચકમક જોવા મળી હતી પરંતુ પોલીસે દરેકને સમજાવીને મામલો શાંત પાડયો હતો.
પક્ષના કાર્યકરોમાં અને વિધાન સભ્યોમાં નવું જોમ પુરવા મમતાએ ગઇકાલે કહ્યું હતું કે આગામી દિવસોમાં કેન્દ્રમાંથી ભાજપ સરકાર ઉથલી પડશે. તેમણે કહ્યું હતું કે રાજ્યની ભાજપ સરકાર લઘુમતી કોમના લોકોને અને રોડ પરના ફેરીયાઓને ટાર્ગેટ બનાવે છે. તેમના સાંસદ ભત્રીજા અભિષેકે પણ કહ્યું હતું કે અમે ઝૂકવાના નથી. જોકે મમતાને કોઇ એ પૂછનાર નથી કે બહુમતી ધરાવતી સરકારને કેવી રીતે ઉથલાવી શકાય?
બંધારણની રક્ષાની વાતો કરનારા પોતાનો પક્ષ મજબૂત કરવાની વાતો કરવાના બદલે લોકશાહીમાં બહુમતી ધરાવતી ભાજપની સરકાર ઉથલે તેની રાહ જોઇ રહ્યા છે. ૧૫-૧૫ વર્ષથી શહેનશાહની જેમ રાજ કરતા મમતા અને અભિષેક બેનરજી માટે હાર પચાવવી બહુ મુશ્કેલ બની ગઇ છે. જયશ્રી રામના નારાથી ચીડાતા મમતા જ્યારે બહાર નીકળે છે ત્યારે કેટલાક લોકોનું ટોળું તેમની પાછળ રહીને જયશ્રી રામના નારા લગાવ્યા કરે છે. મમતા ગયા અઠવાડીયે કોર્ટમાં ગયા ત્યારે ત્યાં પણ તેમને જયશ્રી રામના નારાનો સામનો કરવો પડયો હતો.
સત્તા પરથી ઉતર્યા પછી જે દશા લાલુપ્રસાદ યાદવની થઇ હતી તે મમતા બેનરજીની થઇ શકે છે. મમતા પાસે જે લડાયક મિજાજ છે તે અભિષેક બેનરજી પાસે નથી. ગુંડાગીરી કરીને જીતવું અને લોકપ્રિયતાના મોજાના સહારે જીતવું તેમાં આસમાન જમીનનો ફર્ક છે. મમતા પરિસ્થિતિને સરંડર નહીં થાય તો તેમનો રાજકીય તખ્તો વહેલો ઓલવાઇ જશે એમ કહી શકાય.


