Get The App

હોર્મુઝના હાથમાં વિશ્વના ઇંધણનો ફ્યૂઝ : ભારત પર સીધી અસર શરૂ

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝના હાથમાં વિશ્વના ઇંધણનો ફ્યૂઝ : ભારત પર સીધી અસર શરૂ 1 - image

- પ્રસંગપટ

- રાંધણ ગેસ મળવામાં થતા વિલંબથી લોકો ત્રસ્ત છે

- મુંબઇમાં 100 જેટલી ગગનચુંબી ઇમારતોનું બાંધકામ સ્ટીલ રોડ વગર અટકી પડયું છે, કેમ કે યુદ્ધના કારણે સપ્લાય બંધ છે

હોર્મુઝના હાથમાં વિશ્વના ઇંધણનો ફ્યૂઝ છે તે સાબિત થઇ ગયું છે. અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધ નિષ્ણાતોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં ઓઇલવાહક જહાજો પર શું અસર પડી શકે છે તેનો અંદાજ નહોતો. જ્યાંથી રોજનાં સાએક જહાજો પસાર થતાં હતાં ત્યાંથી હવે માંડ ચાર જહાજો પસાર થઇ રહ્યા છે. હોર્મુઝની હડફેટમાં ભારત સહિત વિશ્વના અનેક દેશો આવી ગયા છે. ભારતમાં રાંધણ ગેસથી માંડીને પેટ્રોલ ડિઝલના ભાવોમાં વધારો કરવાની નોબત આવી છે.

 રાંધણ ગેસના બાટલા ડિલિવર થવામાં વિલંબ થઈ રહ્યો છે. લોકો ત્રસ્ત છે. હવે કદાચ પેટ્રોલ-ડિઝલનો વારો આવી શકે છે. ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાન સામે શરૂ કરેલા યુદ્ધનાં ત્રણ અઠવાડિયાં વીતી ગયાં છે. ભારત પર તેની કોઇ અસર નહીં થાય એમ કહેતી મોદી સરકારને અઠવાડિયામાં જ યુદ્ધની આડકતરી અસર જોવા મળવા લાગી હતી.

 રાંધણ ગેસમાં સપ્લાયના ધાંધિયામાં સરકાર અટવાયેલી છે. સંગ્રહ કરનારાઓની હાલ તેજી ચાલે છે. ખાનગીમાં ઊંચા ભાવે મળતા ગેસના બાટલામાં ધરખમ વધારો થયો છે. સત્તાવાર રીતે રાંધણ ગેસના સિલીન્ડર મળતાં નથી. શહેરોમાં આ સમસ્યા સર્જાઈ છે. સરકાર પોતાની કુનેહથી બે જહાજ હોર્મુઝમાંથી બહાર લાવી શકી છે, પરંતુ બાકીનાં અટવાયેલાં જહાજો વિશે મૌન રાખીને બેઠી છે. ભારતના ઇરાન સાથેના સંબંધો જો મજબૂત હોય તો પછી ભારતનાં ૨૦૦ જહાજો શા માટે અટવાયેલા પડયાં છે? 

આજે ઓઇલનો ભાવ બેરલે ૧૦૭ ડોલર પર પહોંચતા હવે પેટ્રોલ ડિઝલના  ભાવો વધારવામાં આવશે. સરકારે પ્રિમિયમ પેટ્રોેલના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. 

પેટ્રોલ ડિઝલમાં થોડો ઘણો પણ ભાવવધારો થશે તો સંગ્રહખોરો મેદાનમાં આવી જશે અને કેટલીક રોજીંદા વપરાશની ચીજોના ભાવ વધારી દેશે. જેમ રાંધણ ગેસના મામલમાં સરકારની લાલ આંખને કાળાબજારીયાઓ ગણકારતા નથી, એવું જ અન્ય રોજીંદા વપરાશની ચીજવસ્તુઓમાં થવાનો અંદાજ છે. રોજીંદી ચીજોના વેપાર કરનારા મનફાવે તેવો ભાવ વધારો કરતા હોય છે.

 હોર્મુઝ ખાડીમાં વહાણ પસાર કરવા માગતા દેશોએ ઊંચો ટેક્સ ભરવો પડશે એવા અહેવાલો હોવા છતાં સરકાર તે અંગે કોઇ સ્પષ્ટ નિવેદન નથી કરતી. 

 ઇરાન સામે જંગે ચઢેલા ઇઝરાયલ અને અમેરિકાના કારણે દેશ પર કેવી અસર થશે તેનો ક્યાસ કાઢવામાં સરકાર લગભગ નિષ્ફળ ગઇ છે. વિપક્ષને વિરોધ કરવાની તક મળી ગઇ છે. ડુંગળીની અછતના કારણે ભૂતકાળમાં રાજ્ય સરકાર ચૂંટણી હારી છે. હવે જ્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભાનો જંગ શરૂ થઈ ચૂક્યો છે  ત્યારે રાંધણ ગેસની અછતની અસર ચૂંટણી પરિણામો પર પડી શકે છે. દેશમાં ગેસ અને ઓઇલની અછતના માહોલમાં ચૂંટણીલક્ષી રાજ્યોમાં ભાજપ વિરૂધ્ધ મતદાન થઇ શકે છે. ભાજપે ચેતવાની જરૂર છે. તેના હાથમાં આવેલું ભાણું છીનવાઇ શકે છે.

નવા રસ્તેથી વહાણ લાવવા બહુ ખર્ચાળ બની શકે છે. અન્ય માર્ગે ૬થી ૧૦ હજાર નોટીકલ માઇલનું અંતર કાપવું પડે તેમજ સપ્લાય ભારત સુધી પંદર દિવસ મોડો પહોંચે. યુદ્ધ નિષ્ણાતો માને છે કે અમેરિકા અને ઇઝરાયલે શરુઆતથી જ હોર્મુઝ  ફરતે ભરડો લેવાની જરૂર હતી. 

રીયલ એેસ્ટેટ માટે મંગાવાતા લકઝરી માલસામાનની કિંમતમાં ૫૦ ટકા જેટલો ઉછાળો આવી શકે છે. સ્ટીલની કિંમતમાં ૨૦ ટકાનો વધારો થઇ શકે છે.  આ ભાવ વધારાની અસર મુંબઇના રીયલ એસ્ટેટ માર્કેટ પર વધુ પડી શકે છે, કેમ કે ત્યાં ૧૦,૦૦૦થી વધુ લકઝરી યુનિટ બાંધકામ હેઠળ છે.  ગગનચુંબી ફ્લેટ બાંધવા માટે વપરાતા સ્ટીલ રોડ આવતા બંધ થઇ ગયા છે. મુંબઇમાં ૧૦૦ જેટલી ગગનચુંબી  ઇમારતોનું બાંધકામ સ્ટીલ રોડ વગર ્અટવાયેલું પડયું છે. કેટલોક માલ સામાન હોર્મુઝ ખાડી સિવાયના રસ્તેથી પણ આવે છે. તે પણ યુદ્ધના કારણે અટવાયેલો છે.

ટૂંકમાં, ભાવવધારા માટે સૌએ તૈયાર રહેવાનું છે.