Get The App

રાન્યા રાવના દાણચોરીના કિસ્સામાં તપાસ અધિકારીઓ ગોથાં ખાય છે

Updated: Mar 21st, 2025

GS TEAM

Google News
Google News
રાન્યા રાવના દાણચોરીના કિસ્સામાં તપાસ અધિકારીઓ ગોથાં ખાય છે 1 - image

- કેસમાં રોજ નવા નવા ફણગા ફૂટયા જ કરે છે

- પ્રસંગપટ

- રાન્યાએ જેમને કૉલ કરેલા એ સૌને સત્તાવાળાઓ શંકાથી જુવે  છે : દરેકને સ્ટેશને બોલાવીને પૂછપરછ

દુબઇની બાવન ટ્રિપ મારીને સોનાની દાણચોરી કરનાર કન્નડ અભિનેત્રી રાન્યા રાવ કોના માટે કામ કરતી હતી અને કોણે તેના ધંધામાં રોકાણ કર્યું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. તેની સાથે ૨૬ વખત ટ્રિપ મારનાર કન્ન્ડ એકટર તરૂણ રાજુએ પણ હજુ મોઢું ખોલ્યું નથી. રાન્યા રાવનું કોવોલિફીકેશન એ હતું કે તે ફિલ્મ લાઇનમાં હતી અને એના સાવકા પિતા પોલીસ અધિકારી હતા. રાન્યાનાં વાણી- વ્યવહારમાં એક પ્રકારનો રૂઆબ જોવા મળતો હતો તેનું કારણ આ જ. 

અભિનેત્રીઓ કેવો અભિનય કરે છે તેમાં રસ લેવાને બદલે તે કેવી દેખાય છે તે જોવામાં લોકોને વધારે રસ હોય છે. રાન્યા રાવના કેસમાં પણ આવું જ થતું આવ્યું હતું. એક તો હિરોઈન હોવાને કારણે ઠસ્સાદાર વ્યક્તિત્ત્વ ને ભલે સાવકા તો સાવકા, પણ પિતા પોલીસ અધિકારી. લાગે છે કે એ પિતાની વગનો ઉપયોગ સરળતાથી કરી શકતી હતી.   

ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સે તેના પર દાણચોરીનો કેસ કર્યો છે, જ્યારે કસ્ટમ ડિપાર્ટમેન્ટે પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટ હેઠળ કેસ કર્યો છે. 

રાન્યા સોના સહિત પકડાઈ ગઈ તે વાતને પંદર દિવસના વહાણાં વાઈ ચૂક્યા હોવા છતાં પોલીસ એ નથી જાણી શકી કે તે કોના કહેવાથી સોનાની દાણચોરી કરતી હતી અને તેને કોનું પીઠબળ હતું. શરૂઆતમાં તેને પીઠબળ આપનાર તરીકે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન યેદુરપ્પાના પુત્રનું નામ  ઉછળ્યું હતું. જોકે આ સંભાવનામાં કોઇ કસ ન દેખાયો.  હવે રોજ નવાં નામો ખૂલી રહ્યાં છે. 

એવું લાગી રહ્યું છેકે સત્તાવાળાઓ ગોકળગાયની ગતિએ કામ કરી રહ્યા છે. બાવન વખત દુબઇની ટ્રિપ મારનાર અભિનેત્રી ક્યાં રોકાઇ અને કોને મળી વગેરે માહિતી મેળવવી કઠિન નથી. પ્રારંભિક તપાસ અનુસાર રાન્યા રાવ અને તરૂણ ભાગીદારીમાં દાણચોરીનો ધંધો કરતાં હતાં. શરૂઆતની પાંચ ડીલીંગમાં સારો એવો નફો દેખાયો એટલે તેમના દુબઇના આંટાફેરા વધી ગયા હતા. એકવાર લેવડદેવડનું તંત્ર ગોઠવાઇ ગયું એટલે એમની બાકીની ટ્રીપ  આસાન બની ગઇ હતી. મળતી વિગતો અનુસાર ૨૦૨૩માં  રાન્યા રાવે દુબઇમાં ખોલેલી કંપની વઇરા ડાયમન્ડ ટ્રેડીંગમાં એક્ટર રાજુ ભાગીદાર બનાવાયો હતો.

લાગતાવળગતા અધિકારીઓ એ સમજવા મથે છે કે રાન્યા અત્યાર સુધી શી રીતે કસ્ટમ અધિકારીઓની આંખ નીચેથી સરકી જવામાં સફળ થતી રહી? ભારતીય એરપોર્ટ પર વગ કદાચ હજુય કામ કરી શકે, પરંતુ દુબઇ એરપોર્ટ પરથી તે કેવી રીતે સરકી જતી હતી? કહે છે કે સોનું પોતે જર્મની જઈને વેચી નાખવા માગે છે એમ કહીને એ દુબઈ એરપોર્ટ પર સત્તાવાળાઓની આંખોમાં ધૂળ નાખતી હતી. 

આપણે ત્યાં એવી ગલ્લા ટોક ચાલતી હોય છેકે દુબઇ જઇને સોનું લઇને પાછા ફરીએ તો પણ ભાવ ફેર એટલો સારો મળે કે કમાણી કરી શકાય છે. કદાચ એકાદ ટ્રિપમાં આવું કૌભાંડ સફળ થાય છેે, પરંતુ વારંવારની ટ્રિપ સત્તાવાળાઓની નજરમાં આવી જાય છે અને એક વાર પકડાયા પછી ધોળે દિવસે તારા દેખાડી દેવાય છે.

રાન્યા રાવ કોના માટે સોનું લાવી અને તે ક્યાં સંતાડતી હતી વગેરે સવાલો હજુ હવામાં લટકે છે. આ હાઇપ્રોફાઈલ કેસમાં તરૂણ રાજુને હજુ જામીન મળ્યા નથી. 

રાન્યા રાવના પતિને પકડીને સત્તાવાળાઓ એમ સમજતા હતા કે હવે અમને ચોક્કસ માહિતી મળશે, પરંતુ તેણે કોર્ટમાં કહ્યું કે મેં તો એક મહિના પહેલાંજ રાન્યા રાવ સાથે  છૂટાછેડા લીધા છે. રાન્યા રાવે છેલ્લા બે મહિનામાં જેટલાને કોલ કર્યા હતા તે સૌને પૂછપરછ માટે બોલાવાયા હતા, પરંતુ દરેકે હાથ અધ્ધર કરી દીધા હતા. કોઈએ કહ્યુ ંકે રાન્યા સોનાની દાણચોરીમાં પકડાઇ છે તે માન્યામાં નથી આવતું. ૧૪.૮ કિલો સોનું પકડાય તે બહુ ગંભીર બાબત છે.

રાન્યા રાવ પોતે એકજ રેકર્ડ વગાડયાં કરે છે કે મને ફસાવવામાં આવી રહી છે. કોણ ફસાવે છે, કોણ રોકાણ કરે છે વગેરે વિગતો તે આપતી નથી, તેથી આખા કેસમાં રોજ નવા ફણગા ફૂટે છે અને સત્તાવાળાઓ ચારેબાજુ દોડધામ કર્યા કરે છે.