Get The App

વૃદ્ધિ માટે તત્પર ભારતના સ્ટીલ ક્ષેત્ર સામે અનેક વૈશ્વિક પડકારો

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
વૃદ્ધિ માટે તત્પર ભારતના સ્ટીલ ક્ષેત્ર સામે અનેક વૈશ્વિક પડકારો 1 - image

- પ્રસંગપટ

- ભારતીય બજારમાં ઓછા ભાવના સ્ટીલનું ડમ્પિંગ થઈ શકે છે

- ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને ઉત્પાદનમાં મોટા પાયે થઈ રહેલા રોકાણો દ્વારા ભારતના સ્ટીલ ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે

ભારતનું સ્ટીલ ક્ષેત્ર હાલમાં વધતી જતી સ્થાનિક માગ, વૈશ્વિક વેપાર નીતિઓ, ભાવનિર્ધારણને લગતા પડકારો અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટેનાં મહત્ત્વાકાંક્ષી લક્ષ્યોને કારણે જટિલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે.  નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૦૫ મિલિયન ટનની વાષક ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરીને દેશ નાણાકીય વર્ષ ૨૦૩૦-૩૧ સુધીમાં ૩૦૦ મિલિયન ટનના લક્ષ્ય તરફ સતત આગળ વધી રહ્યો છે. જો કે, આ યાત્રાના માર્ગ પર અનેક આશાવાદી વળણોની સાથે સાથે કેટલાક મોટા અવરોધો પણ છે. 

ભારત સરકારે એપ્રિલ ૨૦૨૫માં ૨૦૦ દિવસના સમયગાળા માટે સ્ટીલની આયાત પર ૧૨ ટકા સેફગાર્ડ ડયુટી લાદવાનું પગલું ભર્યું તેથી દેશમાં થતી વિદેશી સ્ટીલની આયાતમાં ઘટાડો થયો છે. સરકારના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફને પગલે, ખાસ કરીને ચીન અને કોરિયાથી થતી આયાતમાં વધારો અટકાવવાનો હતો. નાણાકીય વર્ષ ૨૫માં આયાત વાષક ધોરણે ૧૫ ટકા વધીને ૯.૫ મિલિયન ટન થઈ હતી, જેના કારણે સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો પડયો. 

આ પગલાથી સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોની કિંમત નિર્ધારણની શક્તિ વધી ગઈ, પરંતુ તેનાથી ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગો માટેના કાચા માલના ખર્ચમાં પણ વધારો થઈ ગયો. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જે દેશો અમેરિકાની માર્કેટ સુધી પહોંચવામાં અસમર્થ છે તેઓ *ડમ્પિંગ* કરે એવું જોખમ છે. એને કારણે ભારતીય બજારમાં ઓછા ભાવના સ્ટીલનું ડમ્પિંગ થઈ શકે છે. 

ભારતમાંથી થતી સ્ટીલની નિકાસને પણ ફટકો પડયો છે, જે નાણાકીય વર્ષ ૨૫માં ૧૦ વર્ષના નીચલા સ્તરે એટલે કે ૫ મિલિયન ટનની સપાટીએ પહોંચી ગઈ છે, જ્યારે આયાત એક દાયકાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. અનેક ચિંતાજનક સ્થિતિઓ હોવા છતાં, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનાના ડેટા દર્શાવે છે કે આયાતમાં વાષક ધોરણે ૨૭ ટકા ઘટાડો થયો છે, જે મુખ્યત્વે ચીન અને જાપાનથી શિપમેન્ટમાં ઘટાડો થવાને કારણે છે. 

સમગ્ર અર્થતંત્રની દૃષ્ટિએ જોઈએ તો, ભારતનો સ્ટીલ વપરાશ ૧૧.૫ ટકા વઘ્યો છે, જે ૫.૩ ટકા ના ઉત્પાદન વૃદ્ધિને નોંધપાત્ર રીતે વટાવી ગયો છે. સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સે આગામી ત્રણથી પાંચ વર્ષમાં સ્થાનિક માગમાં ૮-૧૦ ટકા વાષક વૃદ્ધિનો અંદાજ લગાવ્યો છે, જેની સામે વૈશ્વિક સરેરાશ ૨-૩ ટકા છે. આમ, માગની દૃષ્ટિએ સ્થાનિક સ્તરે આશાસ્પદ પરિસ્થિતિ છે. 

ભારત ચીન પછી વૈશ્વિક સ્તરે બીજા ક્રમનું સૌથી મોટું સ્ટીલ ઉત્પાદક છે, જ્યાં તેનું લગભગ તમામ સ્ટીલ સ્થાનિક સ્તરે વપરાય છે. આમ, દેશને બાહ્ય પરિબળોની સામે રક્ષણ મળે છે. આ પરિબળોમાં અમેરિકા દ્વારા સ્ટીલની આયાત પરની ટેરિફ બમણી કરવામાં આવી એ પગલા જેવાં અનેક પગલાંનો સમાવેશ થાય છે. ભારતમાં થતા કુલ ઉત્પાદનમાંથી માત્ર ૬ ટકા હિસ્સાની નિકાસ થાય છે. 

ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને ઉત્પાદનમાં મોટા પાયે થઈ રહેલાં રોકાણો દ્વારા ભારતના સ્ટીલ ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે. એક અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૦ પછી ભારતનું સ્ટીલનું ઉત્પાદન વાષક ૮ ટકાના દરે વઘ્યું છે, જે ચીનના ઘટતા ઉત્પાદનને વટાવી ગયું છે. ૨૦૧૬ અને ૨૦૨૪ની વચ્ચે, ભારતનો સરેરાશ વિકાસ દર ૫ ટકા રહ્યો, જે વૈશ્વિક સરેરાશ ૧.૭૭ ટકા કરતા ઘણો વધારે છે. 

વિસ્તરણ માટેના હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ્સ મારફતે વર્ષ ૨૦૩૦ સુધીમાં વાષક ધોરણે વધુ ૧૬૭ મિલિયન ટન ઉત્પાદન ઉમેરવાનું લક્ષ્ય છે, જે મોટાભાગે ખાનગી ખેલાડીઓ દ્વારા પૂરું કરવામાં આવશે એવો અંદાજ છે. હાલ ખાનગી કંપનીઓ વર્તમાન ઉત્પાદનમાં ૮૩ ટકા હિસ્સો ધરાવે છે. સરકાર સ્પેશિયાલિટી સ્ટીલ માટે પીએલઆઇ યોજના, કાચા માલ માટેના જોડાણ કાર્યક્રમો અને ગ્રીન ટેકનોલોજી પર ભાર આપવો, જેવી નીતિઓ દ્વારા આ ક્ષેત્રને મજબૂત સહકાર આપી રહી છે. 

જોકે, એના સિવાયના અનેક પડકારો છેઃ ભારત તેની કોકિંગ કોલસાની જરૂરિયાતોના ૮૫ ટકા માટે આયાત પર આધાર રાખે છે, સ્ક્રેપ મેટલની અછતનો સામનો કરે છે અને સ્ટીલ ઉત્પાદનમાં ઉચ્ચ કાર્બન ઉત્સર્જન થવાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. યુરોપિયન યુનિયને લાગુ કરેલા કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમને કારણે ભારતમાંથી યુરોપમાં કરાતી નિકાસનો ખર્ચ વધી જાય છે.

આ બજારને અવગણી શકાય એમ નથી, કારણ કે ત્યાં કુલ નિકાસનો ૨૫ ટકા હિસ્સો જાય છે. સ્થાનિક સ્તરે, તાજેતરનાં વલણોમાં સંભાવનાઓ અને ચિંતાઓ બંને દેખાય છે.