Get The App

આઇટી કંપનીઓ ઝૂકીઃ ઇન્ફોસિસ, ટીસીએસે AI સાથે હાથ મિલાવ્યા

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
આઇટી કંપનીઓ ઝૂકીઃ ઇન્ફોસિસ, ટીસીએસે AI સાથે હાથ મિલાવ્યા 1 - image

- શુક્રવારનું શેરબજાર જોઇને હરખાવાની જરૂર નથી 

- પ્રસંગપટ

- જેમ અમેરિકાની ટેરિફ વોર ભારતના શેરબજારને ફટકો મારી ગઇ હતી, તેમ તેની યુદ્ધખોરી પણ નુક્સાન કરી શકે છે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના પગલે સતત શેરબજારમાં ધોવાણ અનુભવતી આઇટી કંપનીઓ અંતે ઝૂકી છે. ઇન્ફોસિસે એન્થ્રોપિક સાથે અને ટીસીએસે ઓપનએઆઇ સાથે હાથ મિલાવ્યા છે. ગઈ કાલ શુક્રવારનું શેરબજાર જોઇને જોકે રોકાણકારોએ હરખાવાની જરૂર નથી, કેમ કે વૈશ્વિક વિરોધી પવનની સામાન્ય અસર પણ શેરબજારને સાત-આઠ લાખ કરોડનો ફટકો મારી જાય છે.  અમેરિકાની ઇરાન પર હુમલો કરવાની ધમકી માત્રથી તેજી અનુભવી રહેલા શેરબજારમાં ગુરૂવાર (૧૯ ફેબુ્રઆરી)ના રોજ ૧૨૦૦ પોઇન્ટનું મસમોટું ગાબડું પડયું હતું. રોકાણકારો માટે આ આઘાત સહન કર્યા સિવાય બીજો કોઇ રસ્તો નહોતેા.

ભારતની આઇટી કંપનીઓના ડામાડોળ શેરો રોકાણકારોની ઊંઘ હરામ કરી રહ્યા છે. ગયા અઠવાડિયે એન્થ્રોપિક એઆઇના ડરથી આઇટી શેરો તૂટયા ત્યારે પણ રોકાણકારોનો ૭ લાખ કરોડ ધોવાયા હતા. સ્થિર અને મક્કમ રહીને આગળ વધતું શેરબજાર અનેક વાર વૈશ્વિક નેગેટીવ સ્થિતિને પ્રતિભાવ આપે છે અને તૂટે છે. આ સાતે રોકાણકારોનો બજાર પરનો વિશ્વાસ પણ હચમચી જાય છે.

જેને કારણે શેરબજાર લપસી પડે છે તેવા મુદ્દા રોકાણકારોે ધ્યાનમાં રાખવા જોઇએ. ઓઇલના ભાવો, યુદ્ધના ભણકારા, રાજકીય ડામાડોળ સ્થિતિ, આર્થિક કૌભાંડ - આ બધાની સીધી અસર ભારતનાં શેરબજાર પર પડે છે. બજેટ, ભારત-અમેેરિકા વચ્ચે થયેલા વ્યાપારિક કરાર, આરબીઆઇની પોલીસી વગેરેની અસર પણ તાજેતરના શેરબજાર પર વર્તાઈ હતી. ફેડરલ રિઝર્વ બેંક વ્યાજ દર બાબતે ફેવરેબલ પગલાં નહીં ભરે તેની સંભાવનાના પગલે પણ શેરબજાર નેગેટીવ રહે છે. 

રોકાણકારો ઇચ્છે છે કે સેન્સેક્સ સતત વધતો રહેવો જોઇએ, પરંતુ સેન્સેક્સની સફર આસાન નથી હોતી. એકાદ નેગેટીવ પરિબળ પણ તેને નીચેે ખેંચી શકે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શેરોના સતત વધતા ભાવોના કારણે ભારતનું શેરબજાર ઊંચકાયેલું રહેતું હતું, પરંતુ એઆઈની દુનિયામાં મોટું નામ ધરાવતી એન્થ્રોપિક કંપની ખલનાયક સાબિત થઈ.

ભારતની આઇટી કંપનીઓ  એઆઇનું મહત્ત્વ ન સમજે તેવું કેવી રીતે બને? ઇન્ફોસિસે એન્થ્રોપિક સાથે ભાગીદારી કરી લીધી છે, તો ટીસીએસે ઓપનએઆઇ સાથે હાથ મિલાવીને નવી ટેકનોલોજીનો અમલ કંપનીના રોજીંદા વ્યવહારમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. એન્થ્રોપિકનું પ્રખ્યાત ચેટબોટ ક્લોડ છે, જ્યારે ઓપનએઆઈનું લોકપ્રિય ચેટબેટ ચેટજીપીટી છે. ટાટા કંપનીઓના સ્ટાફને હવે ઓપનએઆઇની ટેકનોલોજી અને ટૂલ્સનો ઉપયોગ કરવા મળશે જેથી તેની કાર્યક્ષમતા વધશે તેવી અપેક્ષા છે. 

અમેરિકા અને ઇરાન વચ્ચેની સંભવિત વોરની સીધી અસર ક્રૂડ ઓઇલના ભાવો પર પડવાની છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ૪.૩૫ ટકાનો ઉછાળો આવ્યો હતો અને તેની કિંમત બેરલે ૭૦.૩૧ ડોલર પર પહોંચી હતી.

શેરબજાર સાથે સંકળાયેલા મોટા ખેલાડીઓ નજર સામે દરેક કંપનીની ચડઉતરનો ગ્રાફ રાખીને બેસે છે. હવામાન ખાતાના નિષ્ણાતોની જેમ શેરબજારની રૂખ જાણતા નિષ્ણાતો પણ હોય છે. આ નિષ્ણાતોને કદાચ શેરબજાર પરની નેગેટીવ અસરોનો બહુ સામનો નથી કરવો પડતો, પરંતુ નાના રોકાણકારો અને ડેઈલી ટ્રેડીંગ પર ભરોસો રાખનારાને અવારનવાર રોવાનો વારો આવે છે.

શેરબજારમાં માર્કેટની ચડઉતરની ટીપ્સ આપનારા પણ લોકોને છેતરતા હોય છે. નેગેટીવ સમયમાં ખરેખર તો લોકોને રોકાણથી દૂર રાખવા જોઇએ તેના બદલે આ ટીપ્સ આપનારાઓ રોકાણકારોને એવી રીતે ગેરમાર્ગે દોરે છે કે આવતી કાલનું બજાર બિગ બેંગ સાથે ખૂલશે અને રોકાણકારોને  સારૃં વળતર આપશે.

રાકાણ લાંબા ગાળાનું રાખવું અને બજાર તૂટે ત્યારે રોકાણ પાછું ખેંચવામાં ઉતાવળ ન કરવી એવી જેવી ટીપ્સ અનુભવી રોકાણકારો આપતા હોય છે. જોકે રાતોરાત ડબલ કરવાની ધખારા રાખનાનાઓને શેરબજારની નેગેટીવ અસરોનો સૌથી વધારે અનુભવ થાય છે. 

હવે અમેરિકા અને ઇરાન વચ્ચેના યુધ્ધના ભણકારાના કારણે બજારો અસ્થિર રહેશે એમ મનાય છે. અમેરિકા યુદ્ધખોર છે. તે ગમે તેની સાથે સંબંધો બગાડી શકે એમ છે. અમેરિકાની ટેરિફ વોર ભારતના બજારોને ફટકો મારી ગઇ હતી એમ તેની સશસ્ત્ર વોર પણ ભારતના શેરબજારને ફટકો મારી શકે છે.

ચોપગા રોબોટનો નારોઃ ગલગોટિયા તો ઝાંકી હૈ, આગે ઔર બાકી હૈ