- પ્રસંગપટ
- કોફી બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે
- આવતો પાક વધુ આવવાના સંકેતોઃ વિશ્વ બજારમાં કોફીના ભાવ ઉંચા જતાં ઘરઆંગણે દરિયાપારની માગ વધ્યાના નિર્દેશો
દેશના કોફી બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. અમેરિકામાં પ્રમુખપદે ટ્રમ્પના આગમન પછી વૈશ્વિક સ્તરે ટેરીફ-વોર તથા ટ્રેડ વોર શરૂ થતાં તેના પગલે વૈશ્વિક કોફી બજારમાં પણ તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. ભારતમાં દેશવ્યાપી ધોરણે જો કે પ્રચલીત પીણામાં ચાનો વપરાશ સૌથી વધુ થાય છે. કોફીનો વપરાશ દક્ષિણ ભારતના વિવિધ શહેરો તથા રાજ્યોમાં વધુ થતો જોવા મળ્યો છે પરંપુ તાજેતરના વર્ષોમાં હવે દેશના વિવિધ શહેરોમાં ખાસ કરીને યુવા વર્ગમાં કોફીનો વપરાશ વધી રહ્યાના સંકેતો પણ મળ્યા છે. દરમિયાન, સરકાર હસ્તકના કોફી બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં આવતા વર્ષે કોફીનું ઉત્પાદન પાછલા બે વર્ષ કરતાં વધુ થવાની આશા છે. કોફી બોર્ડના સચીવના જણાવ્યા મુજબ માર્ચ ૨૦૨૫માં તાજેતરમાં પુરા થયેલા વર્ષમાં કોફીનું ઉત્પાદન આશરે ૩.૫૨ લાખ ટન આસપાસ થયાનો અંદાજ છે. જો કે નવા વર્ષમાં કોફીની પેદાશ પાછલા બે વર્ષની સરખામણીએ વધુ આવવાની આશા છે. મોટાભાગના કોફી પ્લાન્ટેશનોમાં બ્લોસમ શાવર્સ સંતોષજનક મળ્યા છે તથા કોફીના છોડવાઓ પરબેરીઝનો ગ્રોથ સારો થઈ રહ્યાના સંકેતો મળ્યા છે. જો કે કુદરત તથા હવામાન મહત્ત્વના પરિબળો છે તથા ૬-૭ મહિના ડ્રાય-પીરીયડ વિનાના રહેશે તો કોફીની પેદાશ ચોક્કસ સારી થવાની આશા જણાય છે.
વિશ્વ બજારમાં કોફીના ભાવ ઉંચા ગયા છે તથા બજાર ભાવની વૈશ્વિક આગેકૂચ હજી ચાલુ રહેવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા. ઈન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઝેશન આઈસીઓની પરિષદમાંથી તાજેતરમાં આ સંકેતો આવ્યા હતા.
ટ્રમ્પના ટેરીફનો પવન તાજેતરમાં ધીમો પડતાં અને વિવિધ ટેરીફ રાહતનો પવન ફૂંકાતો થતાં વિશ્વ બજારમાં કોફીના ભાવ તાજેતરમાં ઉંચા જતાં દેખાયા છે. વૈશ્વિક સ્તરે ઈન્સ્ટન્ટ કોફી ઈનગ્રેડીએન્ટસની સપ્લાય ટાઈટ રહી છે. લંડન બજારમાં કોફી વાયદાના ભાવ વધી ટનના ૫૧૬૦થી ૫૧૬૫ ડોલર સુધી ટ્રેડ થતા દેખાયા છે. પરંપરાગત રીતે ભારતની સ્પેશ્યાલીટી કોફીના ભાવ નોર્મલ કોફીની સરખામણીએ આશરે ૨૦થી ૨૫ ટકા પ્રીમિયમો મેળવતા રહ્યા છે. જો કે તાજેતરમાં નોર્મલ કોફીના ભાવ નવી ટોચે પહોંચતા આવા પ્રીમિયમો ઘટયાના વાવડ પણ હવે મળ્યા છે. આવા પ્રીમિયમો હવે ૨૦થી ૨૫ ટકાથી ઘટી ૧૦ ટકા આસપાસ આવી ગયાનું જાણકારો જણાવી રહ્યા હતા. ભારતમાં કોફીનું જે કુલ ઉત્પાદન થાય છે એ પૈકી સ્પેશ્યાલિટી કોફીનું ઉત્પાદન માત્ર આશરે પાંચ ટકા જેટલું થતું હોવાનું અનુમાન છે. ભારતમાંથી આવી સ્પેશ્યાલિટી કોફીની નિકાસ યુરોપતથા અમેરિકા, જાપાન સહિતના વિવિધ દેશોમાં થાય છે. વિશ્વમાં કોફીનું ઉત્પાદન કરતા વિવિધ દેશોમાં ભારતનો ક્રમાંક સાતમો આવે છે. ભારતમાં કોફીનું ઉત્પાદન વાર્ષિક ધોરણે સરેરાશ ૩.૬૦ લાખ ટન આસપાસ રહે છે. માર્ચ અંતે પૂરા થયેલા વર્ષમાં દેશમાંથી કોફીની નિકાસ વધી ૧.૮૦ અબજ ડોલર થતાં નવો રેકોર્ડ સર્જાયો છે. વૈશ્વિક ભાવ ઉંચા જતાં દેશમાંથી દરિયાપાર માલ વધુ ગયો છે તથા ભાવ પણ ઉંચા ઉપજ્યા હતા. વિશ્વ બજારમાં બ્રાઝીલ તથા વિયેતનામની કોફીની સપ્લાય ઘટતાં વૈશ્વિક ભાવમાં તાજેતપમાં તેજી જોવા મળી હતી. માર્ચ ૨૦૨૪ અંતે આવી વાર્ષિક નિકાસ ૧.૨૫થી ૧.૩૦ અબજ ડોલર થઈ હતી. ભારતમાં કોફીનો ઘરઆંગણે વાર્ષિક વપરાશ ૨૦૧૨માં ૮૪ હજાર ટન હતો તે વધી ૨૦૨૩ સુધીમાં ૯૧ હજાર ટન સુધી વાર્ષિક ધોરણે પહોંચ્યો તથા ત્યારબાદ પણ આ આંકડો ઉંચે જતો જોવા મળ્યો છે. ભારતમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટકમાં થાય છે તથા ત્યારબાદ કેરળ અને તામિલનાડુનો નંબર આવે છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં કોફીનું ઉત્પાદન વધારવા વિનય પરંપરાગત રાજ્યોમાં કોફીનું ઉત્પાદન શરૂ કરવા સરકાર ઉત્તેજન આપતી થઈ છે તથા આના માટે ઈન્ટીગ્રેટેડ કોફી ડેવલપમેન્ટ પ્રોજેકટની રચના પણ કરવામાં આવી હોવાના સમાચાર તાજેતરમાં મળ્યા હતા.


