- શ્રાદ્ધ પર્વના અંતિમ દિવસોમાં નવતર શ્રાદ્ધ
- પ્રસંગપટ
- ખોટા કોર્ટ કેસ, રોજીંદો કંકાસ, જાહેરમાં અપમાન,સહવાસ માટે નનૈયો વગેરેથી પતિદેવો પરેશાન છે
હેડીંગ વાંચીને આશ્ચર્ય થાય તે સ્વભાવિક છે. પરંતુ આ હકીકત છે. પત્નીથી ત્રસ્ત અને ભરણપોષણના મોટા દાવાઓથી અનેક લોકો પાયમાલ થઇ ગયા છે. શ્રાધ્ધના દિવસો હવે પુરા થવા આવ્યા છે. સોમવારથી નવરાત્રી શરૂ થઇ રહી છે. શ્રાદ્ધના દિવસોમાં પૂર્વજોને યાદ કરીને કટુંબીજનોએ વિધિસર તેમની વંદના કરી છે, પિંડદાન કર્યું છે, પરંતુ મુબંઇના વાલકેશ્વરમાં તો હયાત પત્નીઓનું પિંડદાન કરીને કેટલાક પત્ની પિડીત પુરુષોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. અહીં પિતૃ તર્પણની વાત નથી પણ પત્નીથી ત્રસ્ત પુરુષોએ હયાત પત્નીનું પિંડ દાન કરીને દર્શાવ્યું છે કે પોતાની પત્ની દ્વારા અપાતા ત્રાસથી તે તેઓ એટલી હદે ત્રાસી ગયા છે કે તેમનું જીવતે જીવ શ્રાદ્ધ કરવા તૈયાર થઇ ગયા છે.
પુરૂષોના અધિકાર અને ન્યાય માટે લડત આપતા એક સંગઠન દ્વારા હયાત પત્નીઓના પીંડદાનનો કાર્યક્રમ વાલકેશ્વરના બાણગંગા તળાવ ખાતે યોજાયો હતો. જેણે આ પ્રોગ્રામ જોયો હતો અને સાંભળ્યો છે તે લોકો સાચી હકીકત જાણવા પ્રયાસ કરી રહ્યા છે. શું ખરેખર લોકો પત્નીના ત્રાસથી ત્રસ્ત હશે કે હયાત પત્નીનું પિંડદાન કરવા તૈયાર થયા હશે? હયાત લોકોનું શ્રાધ્ધ કરાતું નથી. લોકો જીવતે જગતીયું કરે છે, પરંતુ પત્નીના ત્રાસથી પતિઓ જ્યારે પિંડદાન કરવાનું વિચારે ત્યારે તે સમાચાર માધ્યમોનું ધ્યાન ખેંચવા માટે છે એવું પ્રથમ તબક્કે લાગે છે.
કેટલીક હકીકતો સ્વીકારવી રહી. પત્ની પિડીત પતિઓનું સંગઠન વારંવાર લોકોનું ધ્યાન ખેંચીને કહેવા માંગે છે કે પત્ની ત્રાસ ગુજારે છે અને કાયદેસરનું રક્ષણ પતિઓને મળતું નથી.
ભારતમાં લગ્નજીવનના કાયદા પત્નીને માનસિક ત્રાસ આપવાની સાથે સંકળાયેલા છે. પત્નીને તેમના પતિ હેરાન પરેશાન કરે છે એવી ફરિયાદોમાં પત્નીને રક્ષણ મળે છે. પત્નીને કાયદાનું રક્ષણ આપવા છૂટાછેડાના કેસમાં પત્નીને માનસિક ત્રાસ અને મારપીટ કરવામાં આવતી હોવાની રજૂઆતો કરાય છે. દહેજનું કારણ આગળ ધરીને ફરિયાદમાં લખાય છે કે પત્ની સતત માનસિક ત્રાસમાંથી પસાર થઇ રહી છે. સિક્કાની બીજી બાજુ જોવાની પરવા ઘણી વાર થતી નથી. છૂટાછેડાના દરેક કેસમાં પતિને ખલનાયક માનવામાં આવે છે અને પત્ની નિર્દોષ માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં પત્નીને લીધે પતિ ત્રાસ અનુભવતો હોય તેવું બનતું નથી એમ મોટા ભાગના લોકો સમજે છે. પરંતુ હવે જ્યારે મહિલાઓ પુરૂષ સમોવડી બનતી જાય છે અને તેમને કાયદાનું કવચ મળતું થયું છે ત્યારે તે પણ પતિને વિવિધ રીતે ત્રાસ આપી શકે છે.
આપણે ત્યાં એમ મનાય છે કે પતિ ક્યારેય નબળો ન હોઇ શકે. તે સહનશીલ હોય છે. તેને દુખ થતું નથી. ફિલ્મી ડાયલોગમાં કહીએ તો મર્દ કો દર્દ નહીં હોતા, પરંતુ લગ્ન જીવનમાં મર્દ ડગલેને પગલે સરંડર થયેલો જોવા મળે છે એવું પત્ની પિડીત સંગઠોનું કહેવું છે. પત્ની ત્રાસ આપે છે એવું કોઇ પણ પતિ માટે સાબિત કરવું બહુ મુશ્કેલ હોય છે. પતિ એમ કહી શકતો નથી કે મને પત્ની શારીરિક ત્રાસ આપવામાં આવે છે. પત્ની કહી શકે છે મને દહેજ માટે મેળાટોણાં મારીને ત્રાસ અપાય છે પરંતુ પતિ પાસે આવો કોઇ મુદ્દો નથી હોતો.
જોકે કેટલાક કેસો કોર્ટમાં એવા ચાલ્યા છે કે જેમાં પતિ પર પત્નીએ અત્યાચાર કર્યો હોવાનું જણાયું હતું અને તે આધારે છૂટાછેડા મંજૂર પણ કરાયા છે. રાજ તલરેજા અને કવિતા તલરેજાના (૨૦૧૭) છૂટાછેડાના કેસમાં કોર્ટે નોંધ્યું હતું કે પત્નીએ કરેલા આક્ષેપો ખોટા છે. જ્યારે પત્ની સતત પતિનું અપમાન કર્યા કરે. પતિના કુટુંબની સામે કે જાહેરમાં પતિનું અપમાન કરે કે મનફાવે તેવા આક્ષેપ કરે ત્યારે તે પતિ પર ગુજારેલા માનસિક ત્રાસની યાદીમાં આવે છે. સુમન કપુર-સુધીર કપુરના કેસમાં (૨૦૦૯) પણ પતિને માનસિક ત્રાસ આપવાનો ઉલ્લેખ કરાયો હતો. જેમાં પતિનું ડગલેને પગલે પત્ની અપમાન કરતા હતા. લગ્ન પછી સહવાસ માટે ના પાડનાર પત્નીના મુદ્દાને પણ પતિ પર માનસિક ત્રાસની યાદીમાં મુકાય છે. દહેજના ખોટા કેસો પણ પતિ પર માનસિક ત્રાસની યાદીમાં મુકાય છે. પોતાની જાતને નુકશાન પહોંચાડવાની ધમકી કે આપધાત કરવાની ધમકી કે ઘર છોડીને ભાગી જવાની ધમકી પણ માનસિક ત્રાસની યાદીમાં આવે છે. હયાત પત્નીનો તેમના પતિ પર કેટલો ત્રાસ હશે તે પતિઓેએ કરેલા પિંડદાન પરથી સમજી શકાય છે.


