Get The App

પાયાની સવલતોના અભાવ વચ્ચે બેંગલુરૂ નજીક AI સિટી ઊભું થશે

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
પાયાની સવલતોના અભાવ વચ્ચે બેંગલુરૂ નજીક AI  સિટી ઊભું થશે 1 - image


- દેશના પ્રથમ AI સિટી તરીકે લખનૌને મૂકી શકાય

- પ્રસંગપટ

- નવા વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાના દાવા થાય છે, પણ મૂળભૂત સુવિધાના નામે ધાંધીયા જ હોય છે

દેશના સૌથી મોટા  AI સિટી તરીકે બંેગલુરૂને તૈયાર કરવામાં આવી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા વધી છે. ચોમેર તેની ડિમાન્ડ જોવા મળે છે. રોજીંદા જીવનનને સરળ બનાવવાની AIની ક્ષમતાનો ઉપયોગ આ શહેરના  પ્લાનિંગમાં કરવામાં આવશે. 

દેશના પ્રથમ AI સિટી તરીકે જોકે લખનૌને મૂકી શકાય. ૨૦૨૩ના ડિસેમ્બરથી દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશના સત્તાધારીઓએ લખનૌને AI સિટી તરીકે તૈયાર કરવાનું સપનું સેવ્યું છે. ત્યાં માત્ર લકઝરી હોમ નહીં પણ મધ્યમ વર્ગને પરવડે તેવાં ઘર પણ હોય તેવું પ્લાનિંગ કરાયું છે. યુપી ઇલેકટ્રોનિક કોર્પોરેશનને મુખ્ય એજન્સી તરીકે નીમવામાં આવી  છે.

આપણે ત્યાં કમનસીબી એ છે કે સ્માર્ટ સિટી મોટા પાયે તૈયાર કરવાનાં ઢોલનગારાં વાગે છે, વિદેશી શહેરો સાથે તેની સરખામણી કરવાની ચેષ્ટા શરૂ થઇ જાય છે, પરંતુ આ કથિત સ્માર્ટ સિટીની પાયાની સવલતો ચાર-પાંચ ઇંચ વરસાદમાં ધોવાઇ જાય છે. તમામ મોટાં શહેરોમાં, ખાસ કરીને બેંગલુરૂમાં પાણી એવાં ભરાય છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. હવે AI સિટીનો નવો રાગ આલાપવાની શરૂઆત થઈ છે ત્યારે લોકો સૌથી પહેલાં રોજીંદી સમસ્યાનો ઉકેલ શોધવાનું કહે છે. AI આધારીત શહેરોમાં સવલતો અનેક હશે, પરંતુ કુદરતી માર સહન કરવાની ક્ષમતા નહીં હોય તો શો ફાયદો? 

લખનૌમાં સ્ટાર્ટઅપ ફેસિલીટી ઊભી કરવામાં આવી છે અને આઇઆઇટી- લખનૌને અડધોઅડધ પ્રોજક્ટ સોંપાયા છે. નાદરગંજ ઔદ્યોેગિક વિસ્તાર ખાતે મેઇન સેન્ટર ઊભું કરવા ૪૦ એકર જમીન પણ ફાળવવામાં આવી  છે. લખનૌનો પ્રોજક્ટ ચાલે છે ત્યાં હવે બેંગલુરૂ નજીકના બિદાદી ખાતે નવું AI સિટી ઊભું કરવાની જાહેરાત થઈ છે. 

AI સિટી એટલે એવું શહેર, જ્યાંની તમામ રોજાંદી સવલતો AI સંચાલિત હોય. એક  ટ્રિલીયન રૂપિયાનું બજેટ આ નવા AI સિટીમાટે ફાળવવાની જાહેરાત કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી.કે. શિવકુમારે કરી છે. તેમનો આશય રાજ્યમાં નવી જોબ ઓપર્ચ્યુનિટીઝ ઊભી કરવાનો તેમજ   રોકાણ માટે આવતા એનઆરઆઇ માટે ઉત્તમ સવલતો પૂરી પાડવાનો છે. ૯૦ એકરમાં નવું બિદાદી સિટી ઊભું કરાશે. તે નવા આઇટી સિટી તરીકે પણ ઓળખાશે. આ નવા AI આધારીત શહેરમાં અલાયદું એનઆરઆઇ સચિવાલય સુધ્ધાં હશે.

ભારતના રાજકરાણીઓ વિકાસના વાતોમાં પુષ્કળ અતિશયોક્તિ કરતા હોય છે. દરેક નવા શહેરના પ્રોજક્ટને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો દાવો કરવામાં આવે છે, પણ ત્યાં પાયાની સવલતોમાં જ ધાંધિયા હોય છે. બેંગલુરૂમાં ચાલતી ટેકનોલોજી સમિટમાં શિવકુમારે નવા AI સિટીની ગાઇવગાડીને જાહેરાત કરી હતી, પરંતુ બેંગલુરૂના વહીવટ બાબતે સ્થાનિક સરકારની ખૂબ ટીકા થઈ છે. ટોચની આઈટી કંપનીઓના સીઇઓ પણ ટીકા કરી ચૂક્યા છે.

બેંગલુરૂમાં ખરાબ રસ્તા અને જાહેરમાં ઉકરડાનો વિવાદ હજુ શમ્યો નથી, તેનું નિરાકરણ પણ આવતું નથી અને બીજી તરફ નવા સિટી પર AIનું લેબલ મારીને લોકોને લોલીપોપ બતાવવાની ચેષ્ટા થઈ રહી છે. વિદેશી રોકાણકારો, ખાસ કરીને એનઆરઆઇ જૂથને પ્રભાવિત કરવા માટે આ AI સિટીનો પ્રોજક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે તેવું મનાય છે. કર્ણાટકમાં નવું એરપોર્ટ તેમજ શસ્ત્રોના ઉત્પાદન માટે ખાસ ડિફેન્સ પાર્ક ઊભો કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. 

એક તરફ શિવકુમારનું નવેમ્બર રિવોલ્યુશન વિષય પર ભાષણ ચાલતું હતું, તો બીજી તરફ તેમની પર સોશિયલ મીડિયા પર ટીકાઓના વરસાદ શરૂ થઈ ગયો હતો.  લોકો લખતા હતા કે અમારે સ્માર્ટ સિટી કે AI સિટીની જરૂર નથી, અમને સૌથી પહેલાં તો બેંગલુરૂની વર્તમાન સ્થિતિ સુધરે તેમાં રસ છે. બેંગલુરૂની જનતાનો સ્પષ્ટ મત છે કે AI સિટી પછી બનાવજો. પહેલાં શહેરોમાં જાતજાતની હાડમારીઓનો સામના કરતા લોકોને એમની રોજિંદી સમસ્યાઓમાંથી મુક્ત કરો. બેંગલુરૂ શહેરની સમસ્યાના  ઉકેલ માટેની ઝૂંબેશમાં આમ જનતાની સાથે કોર્પોરેટ સર્કલનાં મોટાં માથાં પણ જોડાયાં  છે.

Tags :