- જ્યારે દ્વારકાના બ્રાહ્મણો બોડાણાને પગે પડી ગયા હતા
- પ્રસંગપટ
- શ્રધ્ધાળુઓને પરવડે તેવા ચાર્જના બદલે તેમાં વધારો કરીને વહીવટકારો લોકોની નારાજગી વહોરી રહ્યા છે
ડાકોરના મંદિરનો ઇતિહાસ મંદિરના વહીવટકારોએ વાંચવા જેવો છે. આખો ઇતિહાસ ભાવ-શ્રધ્ધા-લાગણીથી ભરેલો છે. હાલમાં ડાકોરનું મંદિર ચર્ચામાં એટલા માટે છે કે ત્યાં શ્રધ્ધાથી કરાતા મનોરથો, તુલસી વિવાહ અને ધજા ચઢાવવા વગેરેમાં ચાર ગણા સુધીનો વધારો કરી દેવાયો હતો. જ્યાં ભગવાન બોડાણાની પત્નીના નાકની નથની(વાળી)એ તોળાયા હતા ત્યાં આજે વેપારીકરણ શરૂ થયું હોય એમ લાગી રહ્યું છે.
જ્યારે બોડાણાની સાથે ગાડામાં ભગવાન રણછોડરાય ડાકોર આવ્યા ત્યારે તેમને પરત લઇ જવા દ્વારકાના બ્રાહ્મણો જીદે ચઢ્યા હતા. ત્યારે એવું સમાધાન થયું કે ભગવાનના વજન જેટલું સોનું અમને આપી દો તો અમે અમારો દાવો પાછો ખેંચી લઇશું અને જતા રહીશું. આવી શરત એટલા માટે મુકાઇ હતી કે બોડાણા સમૃદ્ધ નહોતા અને ભગવાનના વજન જેટલું અંદાજે ૧૦૦ કિલો સોનું તેમણે ક્યારેય જોયું પણ નહોતું.
દ્વારકાના બ્રાહ્મણોનો પડકાર બોડાણાએ ઉપાડી લીધો હતો કેમકે તેમને ભગવાનમાં ભરપુર ભરોસો હતો. જ્યારે ભગવાન સામે ચાલીને ડાકોર આવ્યા તેની પાછળનો ગૂઢ અર્થ દ્વારકાના બ્રાહ્મણો સમજી શક્યા નહોતા. જ્યારે બોડાણાએ તેમની પત્નીને સોનાની વાત કરી ત્યારે તેણે કહ્યું કે મારી પાસે નાકની વાળી સિવાય કશુંજ નથી.
બોડાણાની હાર નિશ્ચિત હતી. ત્યાં હાજર દરેક જાણતા હતા કે ભગવાનને પરત દ્વારકા લઇ જવાશે. ભગવાનને તોલવાના દિવસે જ્યારે ભગવાનને ત્રાજવામાં મુકાયા અને બોડાણાને કહેવાયું કે સોનું લાવો. લોકોને હતું કે ભગવાનના તોલવા થેલા ભરીને સોનું લાવવું પડશે પરંતુ બોડાણા ખાલી હાથે આવ્યા હતા. ભગવાનના ત્રાજવામાં બેસાડી દેવાયા હતા અને તેમનું પલ્લું નીચે ગયું ત્યારે બોડાણાએ સામેના પલ્લામાં પત્ની ગંગાબાઇએ આપેલી નાકની વાળી મુકી હતી. હાજર સૌ બોડાણા પર હસતા હતા. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે વાળી મુકવાથી પલ્લું નમી ગયું હતું. કહે છે કે હાજર દ્વારકાના બ્રાહ્મણો બોડાણાને પગે પડી ગયા હતા.
ભગવાન પર શ્રધ્ધા અને ભરોસાનું ઉદાહરણ આજે પણ ડાકોરના મદિરમાં જોવા મળે છે. ભક્ત બોડાણાનું વિશાળ ચિત્ર મુકાયું છે અને તેમનું ગાડું ખુદ રણછોડરાય હંકારતા દર્શાવાયા છે.
વર્તમાનમાં ડાકોરના મંદિરમાં રોજ હજારો લોકો દર્શને જાય છે. કહે છેકે અનેકના જીવનના ગાડા રણછોડરાય હંકારે છે. રણછોડરાયમાં રહેલી શ્રધ્ધા તેમને ધજા અર્પણ કરવા અને મનોરથ કરવા પ્રેરે છે. વિવિધ શહેરોમાંથી લોકો પગપાળા આવીને ધજા ચઢાવે છે. ધજાજીનું દર્શન કરવાનું તેમજ પોતાની ધજાજી શિખર પર ચઢાવવાનું એક શ્રધ્ધાથી ભરલી લાગણીનું પ્રતીક છે.
દ્વારકાના રણછોડરાયજી મંદિરમાં ધજાજી ચઢાવવાનું વેઇટીંગ ચાલે છે. શ્રીનાથજી મંદિરમાં પણ વેઇટીંગ જોવા મળે છે. અમદાવાદ-વડોદરા-સુરત-દાહોદ તરફના મધ્યમવર્ગ માટે ડાકોર જઇને રણછોડરાયજીના દર્શને જવું એટલે પાંચ-છ કલાકમાં પરત આવી શકાય.
દ્વારકા-શ્રીનાથજીના મંદિરોમાં વિવિધ મનોરથો યોજાતા હોય છે. શ્રધ્ધાળુઓ તેમાં ભાગ લેતા હોય છે. અનેક શ્રધ્ધાળુઓ પોતાની કોઇ સમસ્યાનું સમાધાન થાય તો ધજા ચઢાવવાની બાધા રાખે છે. વર્ષોથી લોકો દર પૂનમે પદયાત્રા કરીને ડાકોર જાય છે. ફાગણની પૂનમે લાખો લોકો પદયાત્રા કરીને ડાકોર જાય છે. દરેક શ્રધ્ધાળુ ભગવાન પાસે વિવિધ માંગણી કરતા હોય છે.
શ્રધ્ધાળુઓને પરવડે તેવા ચાર્જ રાખવાના બદલે તેમાં વધારો કરીને ડાકોર મંદિરના વહીવટકારો લોકોની નારાજગી વહોરી રહ્યા છે. મંદિરોની તગડી આવક શ્રધ્ધાળુઓને આભારી છે.દ્વારકાથી ભગવાનને ડાકોર લાવનાર ભક્ત બોડાણા આજે સ્વર્ગમાં બેઠા બેઠા આંસુ સારતા હશે તે નક્કી છે. ભગવાન સોનાની વાળીએ તોલાયાના સંદર્ભમાં ગંગાબાઇની વાળીએે તોલાયા મારા નાથ ભજન બહુ લોકપ્રિય છે.


