- મૃત્યુ જ્યારે દબાતે પગલે આવ્યું..
- પ્રસંગપટ
- 13 વર્ષ કોમામાં રહ્યા બાદ ઇચ્છા મૃત્યુ પામેલો હરીશ રાણા લોકોની સ્મૃતિમાં જીવ્યા કરવાનો છે
- હરીશ રાણાઃ જવા દઈશું તમને...
દેશના પહેલા ઇચ્છામૃત્યુના કેસમાં ૩૨ વર્ષના હરીશ રાણાને અપાયેલી લાગણીભરી વિદાય હજુ લોકોની નજર સામેથી ખસી શકતી નથી. હરીશની વિદાયનો છેલ્લો વીડિયો લોકો વારંવાર જોઈ રહ્યા છે, જેમાં એક બ્રહ્માકુમારી હરીશના કપાળ પર વહાલથી હાથ ફેરવીને કહે છે, 'સબકો માફ કરતે હુએ, સબસે માફી માગતે હુએ, તુમ જાઓ...'
આને પ્રભુમિલન ભાવના કહે છે. જ્યારે કોઇ શરીર છોડતું હોય ત્યારે એને કોઇ વેદના ન થાય તે માટે દરેક ધર્મમાં સતત મંત્રોચ્ચાર કરવાની પ્રથા હોય છે. મોટી ઉંમરના લોકો જ્યારે દેહ છોડે છે ત્યારે તેની આસપાસ કુટુંબીજનો શ્રીરામ જયરામની ધૂન બોલાવે છે, પોતાના ઇષ્ટદેવને યાદ કરે છે, યા તો નવકાર મંત્રના જાપ કરે છે. જૈૈન સંપ્રદાયમાં સંથારો નામની એક વિધિ છે. સંથારો એ સ્વેચ્છાએ લેવાયેલો શરીર ત્યાગવાનો નિર્ણય છે, જેમાં જૈન સાધુ કે સાધ્વી મહારાજ અન્નજળનો ત્યાગ કરીને નવકાર સમરણમાં રત રહીને દેહ છોડે છે. દેહ છોડવો આસાન નથી હોતું. કેટલીય વાર હોસ્પિટલના અધિકારીઓ જ કહે છે કે દર્દીને ઘેર લઇ જાવ, એને શાંતિથી વિદાય આપો.
હરીશ રાણાએ મૃત્યુ સાથે શાંત દ્વંદ્વ કર્યો હતો. એ કોલેજકાળમાં એવી રીતે પટકાયો હતો કે તેનું બ્રેઇન ડેમેજ થયું હતું. સુપ્રીમ કોર્ટને અભિપ્રાય આપતા તબીબી નિષ્ણાતોએ કહ્યું હતું કે મગજ પર થયેલી કાયમી ગંભીર ઇજાનો આ કેસ છે, તેને ટયુબ વાટે ખોરાક આપવાથી તેને વધુ પીડા થાય છે.
૩૨ વર્ષનો હરીશ રાણા ૧૩ વર્ષથી કોમામાં હતો. કુટુંબીજનો તેને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે લઇ ગયા હતા. તેના પિતાજીએ કહ્યું હતું કે રોજ સવારે અમે કોઇ ચમત્કાર થાય તેની રાહ જોઇને બેઠા રહેતા હતા. અનેક મંદિરોની બાધા રાખી, પરંતુ હરીશની નિશ્ચેત અવસ્થામાં કોઇ ફરક પડયો નહોતો. એ પ્રભુ પાસે જવા માટે વિદાય લઇ રહ્યો હતો ત્યારે તેનાં માતા-પિતા પણ બાજુમાં જ ઊભાં હતાં.પોતાના સંતાનના શરીરમાં ભોંકેલી કૃત્રિમ શ્વાસ અને ખોરાકની નળીઓ એક પછી એક ખેંચી લેવાતી હશે ત્યારે ત્યારે એમને કેટલી અસહ્ય વેદના થઈ હશે...
૧૧ માર્ચે સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુની મંજૂરી આપતા હરીશને પેલિયેટિવ કેર યુનિટમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને કૃત્રિમ રીતે અપાતા ખોરાક, પાણી, ઓક્સિજન વગેરેની ટયુબ કાઢી નાખવામાં આવી હતી. આમ તેને ગરિમા સાથે વિદાય અપાઇ હતી. હરીશ રાણાનું કુટુંબ નહોતું ઇચ્છતું કે તેને અપાતી વિદાયની ક્ષણો લોકોની સામે આવે, પરંતુ બ્રહ્માકુમારીએ હરીશને પ્રભુ સાથે મિલન કરવાની વાત કરી તે વિડીયો બહાર આવી ગયો હતો અને લોકોને જાણ થઇ હતી.
મુંબઈની અરૂણા શાનબાગનો કિસ્સો પણ કરૂણતાથી ભરેલો છે. અરૂણા શાનબાગનો કેસ ૨૦૧૧માં સુપ્રીમ કોર્ટમાં આવ્યો ત્યારે મિરઝા ગાલિબની એક હૃદયસ્પર્શી પંક્તિ ખૂબ ટાંકવામાં આવતી હતી - 'મરતે હૈ આરઝૂ મેં મરને કી, મૌત આતી હૈ પર નહીં આતી.' અરૂણા શાનબાગ પર હોસ્પિટલમાં કામ કરતા સ્વિપરે બળાત્કાર કર્યો હતો. અરૂણા કોમામાં સરી પડી હતી. તેનો મૃત્યુ સાથેનો સંઘર્ષ અવારનવાર અખબારોમાં ચમકતો હતો. બળાત્કારીને સજા થઇ, છૂટી પણ ગયો, પણ બીજી બાજુ કોમામાં સરી પડેલી અરૂણાનું મૃત્યુ સાથેનો યુદ્ધ અટકવાનું નામ નહોતું લેતું.
હોસ્પિટલના ખર્ચા કમર તોડી નાખે તેવા હોય છે. બ્રેઇન ઇન્જરીના અનેક કેસો એટલા માટે જ મોટી હોસ્પિટલોમાંથી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે છે. બંનેમાં સારવાર લગભગ એકસરખી હોય છે. મોટી પ્રાઇવેટ હોસ્પિટલો લાંબો સમય ચાલતી સારવાર દર્દીના પરિવારને દેવાળીયા બનાવી દે છે.
લાંબો સમય કોમામાં રહેલા દર્દીઓની વાત કરીએ તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડમાં કામ કરતા કાસમ મિયાં ઇજા પામ્યા તે પછી ૨૨ વર્ષ કોમામાં રહ્યા હતા. ૧૯૯૬ના વર્ષમાં તેમનું અવસાન થયું ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને તેમને ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપીને વિદાય આપી હતી. અહીં ઉષા શેઠ લિખિત 'મૃત્યુ મરી ગયું' નવલકથાનું સ્મરણ થાય છે. આ કૃતિમાં પણ મૃત્યુ સામેના સંઘર્ષની કથા છે.


