- કાલે વિશ્વ યોગ દિવસ: યોગા ફોર વન અર્થ, વન હેલ્થ
- પ્રસંગપટ
- યોગ ક્લાસ કરતાં જિમની સંખ્યા વધુ: જિમ ટ્રેઇનર અને યોગા ટ્રેઇનર વચ્ચે આસમાન જમીનનો ફર્ક
આવતી કાલે ૨૧ જૂન એટલે વિશ્વ યોગ દિવસ. યોગ એ ભારતના પ્રાચીન ઋષિમુનિઓએ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. શરીર અંદરથી શુદ્ધ અને બહારથી કસાયેલું રહે તે માટેના અકસીર ઇલાજ સમાન યોગાસનો વિશે ભારતે યોગ દિવસ મારફતે દુનિયાભરના દેશોમાં વધારે તીવ્રતાથી જાગૃતિ ફેલાવી છે. આખા વિશ્વમાં આવતી કાલેે જાહેરમાં યોગાસનો મારફતે ઇન્ટરનેશનલ યોગા ડેની ઉજવણી કરવામાં આવશે.
આજે ખાસ કરીને યુવા વર્ગ જિમમાં જઇને બોલિવુડ સેલિબ્રિટી જેવું શરીર સૌષ્ઠવ બનાવવા હજારો રૂપિયા ખર્ચે છે. જાતજાતની દવાઓ, પ્રોટીન પાઉડર વેગરે લે છે. સામે પક્ષે, કેટલાય લોકો જિમમાં પૈસા ખર્ચ્યા વગર ઘેર બેસીને યોગાસનો દ્વારા તંદુરસ્તીનો આસાન ઉપાય અજમાવે છે. મહિલાઓમાં યોગાસનો મારફતે તંદુરસ્તી જાળવવાના મામલે વિશેષ જાગૃતિ ફેલાઈ છે.
એક સમય હતો જ્યારે ખાસ કરીને નાનાં શહેરોમાં અખાડા ખાસ્સા લોકપ્રિય હતા. અહીં અનેક પ્રકારની પ્રકારની કસરતો અને દાવપેચ વગેરે શીખડાવવામાં આવતા. આજના ફેન્સી જિમને જૂના જમાનાના અખાડાનું આધુનિક સ્વરૂપ પણ કહી શકાય. ફર્ક એટલો હોય છે કે જિમનો માહોલ સોફિસ્ટિકેટેડ હોય છે, ઊંચા અવાજે અંગ્રેજી ગીતો વાગતાં હોય છે અને જુદાં જુદાં અંગો માટે આધુનિક મશીનો દ્વારા એક્સરસાઇઝ કરાવવામાં આવતી હોય છે.
સોશિયલ નેટવર્ક પર જિમની સાથે સાથે યોગા ક્લાસીસની પણ ખાસ્સી જાહેરાત થાય છે. બોડી બનાવવા, વજન ઉતારવા તેમજ આગળ વધેલું પેટ ઓછું કરવા વિવિધ કસરતો સૂચવતી જાતજાતની મોબાઇલ એપ્સ અસ્તિત્વમાં આવી છે, જેને એક્ટિવેટ કરવા માટે ફી ચૂકવવી પડે છે. મોટી મોટી ગેરંટીઓ આપવામાં આવે છે, પણ ખરેખર કેટલા લોકોને ફાયદો થાય છે એ તો ભગવાન જાણે. મોટા ભાગના લોકો આળસના માર્યા અથવા ફ્રસ્ટ્રેટ થઈને 'કોર્સ' અધવચ્ચે છોડી દેતા હોય છે. કેટલાય લોકો પૈસા ગુમાવ્યા બદલ ગુસ્સો અને પસ્તાવો કરતા હોય છે.
જિમમાં નિયમિતપણે પરસેવો પાડવાથી અને સાથે સાથે ડાયેટ કંટ્રોલ કરવાથી મસલ્સ બને છે, વજન પણ ઉતરે છે, પરંતુ સમસ્યા એ છે કે જેવું તમે જિમ જવાનું બંધ કરો કે વજન પાછું વધવા માંડે છે અને સ્નાયુઓ ફરી ઢીલા પડવા લાગે છે.
તમામ પ્રકારનાં યોગાસનોમાં સૂર્ય નમસ્કાર શ્રેષ્ઠ સાબિત થઇ ચૂક્યા છે. તે સમગ્ર શરીરનો સર્વાંગી વિકાસ કરે છે. તે બુદ્ધિશક્તિ પણ વધારે છે અને બાવડાનું જોર પણ વધારે છે. તે પેટ પણ ધટાડે છે અને ઘૂંટણ તેમજ પીઠનો દુખાવો પણ મટાડે છે. નિયમિત યોગ કસરતો કરનારાના શરીર પર ચરબીના થર શોધવા મુશ્કેલ બની જાય છે. સૂર્ય નમસ્કારમાં આખા શરીરના અંગો ચોક્કસ રીતે સ્ટ્રેચ થાય છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધની તમામ શાખાઓમાં સૂર્ય નમસ્કાર ફરજીયાતપણે કરાવવામાં આવે છે. સંઘના વડા મોહન ભાગવત અને વડાપ્રધાન મોદી નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરે છે તે જાણીતી વાત છે. આરએસએસમાં મૂળિયાં ધરાવતા ઘણા રાજકારણીઓ સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ કરે છે. વડાપ્રધાનની સ્ફૂર્તિ અને એનર્જી લેવલનાં અનેક કારણો પૈકીનું એક મહત્ત્વનું કારણ નિયમિતપણે સૂર્ય નમસ્કાર કરવાની એમની ટેવ છે.
ભગવદગીતામાં કહ્યું છે યોગ: કર્મસુ કૌશલમ્ અર્થાત્ કર્મોમાં કુશળતા એ જ યોગ છે. યોગનો સંબંધ માણસની ફિઝિકલ અને મેન્ટલ એમ બન્ને પ્રકારની હેલ્થ સાથે છે. યોગ વ્યક્તિની માનસિક તાણ ઘટાડે છે, એને આનંદિત રાખે છે, તેની નિદ્રાની સમસ્યાને મહદ્ અંશે દૂર કરી શકે છે. માણસ સમગ્રપણે નિરોગી બને છે. યોગ સાથે ધ્યાનની પ્રક્રિયા ગાઢ રીતે જોડાયેલી છે. આધુનિક જિમ કલ્ચર સાથે મેડિટેશનને ખાસ લેવાદેવા નથી. જોકે કેટલાક જિમમાં અઠવાડિયામાં એક-બે દિવસ એકાદ કલાકનું યોગ સેશન પણ રાખવામાં આવતું હોય છે ખરું. જિમ ટ્રેઇનર અને યોગા ટ્રેઇનરમાં આસમાન-જમીનનો ફર્ક છે.
૨૦૨૫ની યોગા થીમ 'યોગા ફોર વન અર્થ, વન હેલ્થ' છે. આ વખતે યોગસંગમની જેમ અન્ય કાર્યક્રમોનું પણ આયોજન થવાનું છે, જેમાં યોગ બંધન, યોગ પાર્ક, હરિત યોગ, યોગ મહાકુંભ, યોગ કનેક્ટ વગેરેનો સમાવેશ થાય છે.


