- ચાંદી ચડાવવાના રિવાજમાં બદલાવ આવ્યો છે
- પ્રસંગપટ
- ચીને ચાંદીની નિકાસ પર વિવિધ પ્રતિબંધો મુકતાં ત્યાંથી આવતી ચાંદીનો સપ્લાય ઘટી ગયો ને કિંમત વધી
જેને ગરીબોનું સોનું કહેવાતું હતું તે ચાંદી આજકાલ ત્રણ લાખ રૂપિયાને વટાવીને આગળ વધી રહી છે. હવે તે સોનાની તેજીને પાછળ પાડી રહી છે. ગઈ કાલે સોમવારની સવારે ચાંદીનોે ભાવ કિલોએ ત્રણ લાખ રૂપિયાને વટાવીને આગળ વધ્યો ત્યારે સોનું અને સેન્સેક્સ બંને તૂટેલા જોવા મળ્યા હતા.
૨૦૨૬ના વર્ષની શરૂઆતથી ચાંદીનો ઝગમગાટ વધી રહ્યો છે. ચાંદીની ખરીદી આજે મધ્યમ અને ગરીબ વર્ગ એમ બંને માટે સપના સમાન બનતી જોય છે. અરે, ધનિક વર્ગ પણ આવી મોંઘા મૂલની ચાંદી ખરીદતાં પહેલાં બે વખત વિચાર કરે છે.
ચાંદીના બજાર પર નજર નાખવા જેવી છે. લગ્નોની મોસમમાં ચાંદી આપવાનો રિવાજ હતો, પણ આ રિવાજ હવે બદલાઇ ગયો છે. જે ઘરોમાં ચાંદીનો વપરાશ હતો તેમની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. કેટલાક ઉદ્યોગ ક્ષેત્રો ખાસ કરીને ઇલેેક્ટ્રિક વ્હીકલ અને સોલાર પેનલ બનાવતાં એકમાએેે ચાંદીની ધૂમ ખરીદી શરૂ કરી છે. આ ખરીદીના કારણે ચાલીસ-પચાસ હજારમાં રમતી ચાંદી ઉછળીને ત્રણ લાખે પહોંચી ગઇ છે.
ચાંદીના ભાવો ઉછળશે એવી આગાહી અનેક આર્થિક નિષ્ણાતો કરી ચૂક્યા હતા, પરંતુ કોઇએ ખોંખારીને ચાંદી ત્રણ લાખ રૂપિયાનો આંક વટાવશે એવું કહ્યું નહોતું. વૈશ્વિક સ્તરે યુદ્ધની સંભાવનાઓ અને ભારત સામે ઊભા થયેલા પડકારો બાદ આપણે ત્યાં ચાંદીમાં તેજી જોવા મળી રહી છે.
ચાંદીની આયાતમાં ૧૨૯ ટકાનો વધારો થયો છે. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૫ના ગાળામાં ૭.૭૭ અબજ ડોલરની ચાંદીની આયાત કરાઇ છે, જ્યારે એના આગલા વર્ષે આ જ સમયગાળામાં ૩.૩૯ અબજ ડોલરની ચાંદીની આયાત કરવામાં આવી હતી. ચીને નિકાસના કાયદા વધુ કડક બનાવતાં ત્યાંથી આવતી ચાંદીની આયાતમાં મંદી આવી છે.
ચાંદીનો ભાવ વધવાનું એક મોટું કારણ સોલર પેનલમાં વધતો જતો એનો વપરાશ છે. ૈ૨૦૨૫માં વૈશ્વિક સ્તરે ચાંદીના ઉત્પાદનના ૧૭ ટકા જેટલો વપરાશ એકલા સોલર પેનલમાં થયો હતો. ચાંદીના ભાવવધારામાં પાડોશી દેશ ચીનનો પણ હાથ છે એમ કહી શકાય.
૨૦૨૫માં ભારતે પોતાની ચાંદીની જરુરિયાતના ૪૦ ટકા જેટલું ચાંદી ચીનમાંથી આયાત કર્યું હતું. ચીને ચાંદીની નિકાસ પર વિવિધ પ્રતિબંધો મુકતા ત્યાંથી આવતી ચાંદીનો સપ્લાય ઘટી ગયો હતો. ભારતે પણ ચીન પર આધાર રાખવાના બદલે ચાંદીનું ઉત્પાદન કરતા પેરૂ અને ચીલી જેવા દેશો સાથે મુક્ત વેપાર કરારની દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું છે.
ભારતે ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વેહિકલના ઉત્પાદન પર વધુ ધ્યાન આપતાં ચાંદીની જરૂરિયાતમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ઇલેક્ટ્રોનિકસ સાથે સંકળાયેલા નવાં સ્ટાર્ટઅપ પણ જથ્થાબંધ ચાંદી ખરીદી રહ્યા છે જેના કારણે ચાંદી છૂટક બજારોમાંથી લગભગ અદ્રશ્ય થઇ ગઇ છે.
કેટલાક દાયકાઓથી સોનું-ચાંદી વગેરેની ખરીદી અને તેના ભાવોની ચર્ચા લગ્ન પ્રસંગો કે કાઇ શુભ પ્રસંગોએ જ કરવામાં આવતી હતી. કેટલીક કોર્પોરેટ કંપનીઓ ખાસ કરીને બેન્કો તેમના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે ચાંદીના સિક્કા ડિપોઝીટરોને આપતી હતી. કેટલીક કંપનીઓ, જ્ઞાાતિનાં સંગઠનો સુધ્ધાં ચાંદીનાં વાસણો ભેટમાં આપતાં હતાં. તે વખતે ચાંદીનો ભાવ ૧૦,૦૦૦ રૂપિયાની આસપાસ રહેતો હતો.
લોકોની નજર સોનાના વધતા ભાવો પર વધુ રહેતી હતી. સોનાની ચેઇન, સોના મઢેેલી કાંડા ઘડિયાળ, સોનાની બંગડી, મંગળસૂત્ર વગેરેનું ધૂમ વેચાણ થતું આવ્યું છે. અગાઉ ઉચ્ચ વર્ગમાં ચાંદીનો ઉલ્લેખ પણ નહોતો કરાતો કે નહોતી તેના ભાવોની ચર્ચા થતી. આજે પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. જે પૈસાદાર વર્ર્ગ ચાંદીને નંબર ટુ ગણતો હતો તે આજે ચાંદી ખરીદવા માટે ઘાંઘો થયો છે.
ડિમાન્ડ એન્ડ સપ્લાય પર નજર કરીએ તો, ચાંદીનો સપ્લાય ઓછો છે અને ડિમાન્ડ સતત વધી રહી છે. આમ જનતા દ્વારા વપરાતી ચાંદીની તુલનામાં ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા વપરાતી ચાંદીનું પ્રમાણ ઘણું વધારે છે. ઉદ્યોગો ઊંચા ભાવે ચાંદી ખરીદે છે.
સોલાર પેનલના વધતા ભાવો પાછળનું મુખ્ય કારણ મોંઘા ભાવે ખરીદેલી ચાંદી છે તે ભૂલવું ના જોઇએ. મધ્યમ વર્ગ સાથે સંકળાયેલી જણસ(ચાંદી) પૈસાદાર વર્ગની જણસ (સોનું) કરતાં અનેક ઘણી ચમક વધારી શકી છે. ૨૦૨૬માં ચાંદી એકધારી ચમકતી રહેશે તેવો અંદાજ છે.


