કલર બદલતી કાર અને વોશરૂમના યુરિન પરથી ફટાફટ સુગર ચેકિંગ
- પ્રસંગપટ
- ટેકનોલોજી અને ઇનોવેશનના માર્કેટમાં ભઈજીની મોટા પાયે ચર્ચા
- ભવિષ્યમાં નવી નવી કંઈકેટલીય ટેકનોલોજી આપણું રોજીંદુ જીવન વધુ સરળ અને સુવિધાભર્યું બનાવશ
CESના નામે ઓખળાતો લાસ વેગાસ ખાતેનો કન્ઝ્યુમર ઇલેકટ્રીક શો ગયા અઠવાડિયે પુરો થયો. તેની ચર્ચા ટેકનોલોજી અને ઇનોવેશનના માર્કેટમાં મોટા પાયે થઇ રહી છે. આ એક એવો શો છે કે જે ભવિષ્યમાં કઇ નવી ટેકનોલોજી આપણું રોજીંદુ જીવન વધુ સવલતોભર્યું બનવાશે તેનો અંદાજ આપે છે. ઇનોવેટિવ ટેકનોલોજી સાથે સંકળાયેલી વિશ્વની ૩૨૦૦થી વધુ કંપનીઓેએ તેમાં ભાગ લીધોે હતો. ટેકનોલોજીકલ કંપનીઓ સાથે સંકળાયેલા લોકોને જ તેમાં પ્રવેશ અપાયો હતો. આખો શો નવતર ટેકનોલોજીથી ભરેલો હતો. જેમાં વારંવાર કલર બદલી શકે એવી બીએમડબલ્યુ કાર પણ હતી.
સાઉથ કોરિયાની એક કંપનીએ અલ્ઝાઇમર રોગનું નિદાન ૧૦ મિનિટમાં કરી શકાય એવું બ્રેઇન સ્કેનિંગ માટેનું ઉપકરણ બનાવ્યું છે. તેમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાયો છે. ફ્લાઇંગ ઇલેક્ટ્રિક બોટ અને વિશાળ વાયરલેસ ટીવી જોવા ટેકનોલોજીસ્ટો ટોળે વળ્યા હતા. વિશેષ આકર્ષણ જમાવ્યું હતું, ઘરના ટોયલેટમાં પી-સેન્સરે. પી-સેન્સર એટલેકે યુરિનમાં રહેલી સુગર વગેરેની વિગતો મૂત્રત્યાગ થાય પછી તરત મોબાઇલ પર આવી જાય.
નવાં ગેજટ્સ અને વાયરલેસ ઉપકરણો લોકોને નજીકથી જોવા મળ્યા હતા. ફળનું સ્કેનિંગ કરી શકાશે. ફળ હજુ પાક્યું નથી,ખાવાલાયક નથી કે વધુ પડતું પાકી ગયું છે કે કેમ તે હવે ગેજેટ દ્વારા જાણી શકાશે.
આ શોની પહેલી કેટેગરીમાં એવી પ્રોડક્ટ્સ રખાઇ હતી કે જે સર્વપ્રથમ વાર ડિસ્પ્લે થઈ રહી હોય, સાવ અજાણી હોય ને જેનું માર્કેટિંગ થયું ન હોય. જે પ્રોડક્ટ્સ ફરીથી ડિઝાઇન કરેલી હોય, નવેસરથી મુકાઇ હોય કે નવા બ્રાન્ડનેમ સાથે મુકાઇ હોય તેમને સેકન્ડ કેટેગરીમાં સ્થાન અપાયું હતું. કાયમી રીતે આ એક્ઝિબિશનમાં આવતી સેમસંગ અને સોની જેવી કંપનીઓ આ વખતે પણ મોખરે હતી. ન્યુટ્રેાજીના અને જ્હોન ડી જેવી કંપનીઓ પોતાની નવી ટેકનોલોજી સાથે આવી હતી. દરેક કંપની લોકોને એ સમજાવતી હતી કે કેવી રીતે તેમની પ્રોડક્ટ માનવ જીવનને વધુ આસાન બનાવી શકે છે. સેમસંગે પેટાગોનીયા સાથે પાર્ટનરશિપ કરીને પાણીમાં માઇક્રો-પ્લાસ્ટિક ઓછું કરવાની ટેકનોલોજી બનાવી છે. કેટલીય કંપનીઓએ પર્યાવરણ બચાવવા માટે બનાવેલી ટેકનોલોજી દર્શાવી હતી.
કૃષિ ક્ષેત્ર માટે નવતર રોબોટ બનાવેલો છે કે જે ફર્ટીલાઇઝરનો (રસાયણિક ખાતર) ઉપયોગ કેવી રીતે ઓછો કરવો તે બતાવશે. સ્માર્ટ કાર માટે તો એક્ઝિબિશન ઉપયોગી પ્લેટફોર્મ સમાન છે. ડ્રાઇવર ઝોકાં ના ખાય તે માટેના નવતર સેન્સર્સ તૈયાર કરાયાં છે જે સેમસંગની ગેલેકસી વોચ સાથે કનેક્ટેડ છે. હોન્ડા સાથેની ભાગીદારીમાં સોની કંપનીએ તૈયાર કરેલી ઇલેક્ટ્રિક કાર એફીલાએ આકર્ષણ ઊભું કર્યું હતું. આ કારમાં અનેક સેન્સર અને કેમેરા મુકાયાં છે. એલજીએ દર્શાવેલું 97 ઇંચનું OLED TV હાઇએસ્ટ એટલેકે 4K રેઝોલ્યુશનના પિક્ચર તેમજ અલ્ટ્રાસાઉન્ડ ઇફેક્ટ આપે છે, જે ગેમ્સ તેમજ ફિલ્મોના રસિકોને વધુ આનંદ આપી શકશે. ટેકનોલોજી દરેક ક્ષેત્રનો હિસ્સો બની ચૂકી છે. લોકો જૂની ટેકનોલોજી દૂર કરીને નવી ટેકનોલોજીને અપનાવતા થયા છે. તે જોવા અને સમજવા વિશ્વભરના લોકો આ પ્રદર્શનમાં આવ્યા હતા.
આગામી મહિનાઓમાં ટેકનોલોજી કઇ દિશામાં જઇ રહી છે તે લોકોને આવા શો માં જાણવા મળતું હોય છે. આ પ્રોડક્લ્સ કંઈ તાત્કાલિક બજારમાં મૂકાવાની નથી. કદાચ છ-બાર મહિનામાં તે વિકસિત દેશોમાં પહેલાં જોવા મળશે.
ભારતનો વારો તે પછી આવશે. ૨૦૨૨માં અનેક કંપનીઓએ હાજર રહેવાનું ટાળ્યું હતું કેમ કે માર્કેટ ડામાડોળ હતું અને કોરોનાનો ડર શમ્યો નહોતો. તેના આયોજક કન્ઝ્યુમર ટેકનોલોજી એસોસિયેશનના જણાવ્યા અનુસાર ૨૦૨૨ કરતાં આ વખતે બમણી એટલે કે એક લાખ લોકોની હાજરી નોંધાઇ હતી. એક્ઝિબિશનમાં ભાગ લેનારી કંપનીઓને નિરાશ થવાનું નહોેતું આવ્યું, કેમ કે તેમને અનેક લોકોએ પ્રોડક્ટ અંગે પૂછપરછ કરી હતી.