Get The App

કરકસરલક્ષી બજેટ અપાય તો જ માથાદીઠ દેવામાં ઘટાડો થઇ શકે

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
કરકસરલક્ષી બજેટ અપાય તો જ માથાદીઠ દેવામાં ઘટાડો થઇ શકે 1 - image

- સરકાર ધારે તો ઘણા ખર્ચા ઘટાડી શકે છે

- પ્રસંગપટ

- જ્યારથી રેવડી કલ્ચરનો જન્મ થયો છે ત્યારથી બજેટ ખાધની કોઇ ચિંતા કરતું નથી તે વર્તાઈ આવે છે

બજેટની મોસમ ચાલે છે. કેન્દ્રીય બજેટ બાદ, નાનાં શહેરો, મેટ્રો સિટી, રાજ્યો વગેરેનાં બજેટ બહાર પડી રહ્યાં છે. બજેટનું બહુ મહત્ત્વ છે. મધ્યમવર્ગ પોતાના ઘરનું માસિક બજેટ બહુ સાચવીને બનાવે છે - સંતાનોની સ્કૂલ-ટયુશનની ફી, હોમલોન-વાહનના માસિક હપ્તા, લાઇટ અને અન્ય બિલ્સ, રોજિંદા શાકભાજી-કરિયાણાનો ખર્ચ વત્તા વ્યાવહારિક પ્રસંગોએ કરવા પડતા ખર્ચને પણ તેઓ આવરી લે છે. નિશ્ચિત ખર્ચ સિવાયના ખર્ચ આવી પડે તો મધ્યમવર્ગીય માણસ આર્થિક ભીંસમાં આવી જાય છે. એને વ્યાજે પૈસા લેવા પડે છે અને આ રીતે એના દેવામાં વધારો થાય છે. 

આમ તો જેવી આવક તેવો ખર્ચ કરવા મધ્યમવર્ગ ટેવાયેલો છે, પરંતુ તોય મોટા ભાગનો મધ્યમવર્ગ જાણે-અજાણે દેવાના ચક્કરમાં અટવાયેલો રહે છે. તેની આવક-જાવકના છેડા મળતા નથી અને દર વર્ષે તેનું દેવું વધતું જાય છે. તે ખર્ચ ઘટાડવા મથે છે પરંતુ તગડું વ્યાજ તેનું દેવું વધારતું રહે છે. દર વર્ષે એ નક્કી કરે છે કે થોડી વધારાની આવક થાય તો દેવું ચૂકવીને બધું સમતોલ કરી નાખું, પણ વધારાની આવક થતી નથી યા તો ટકતી નથી.  

એટલે જ કહે છેને કે મધ્યમ વર્ગમાં બે માણસ કમાતા હોય તો જ જીવન સરળ અને દેવામુક્ત બને છે. આમ છતાંય કહી શકાય કે મધ્યમવર્ગને પોતાનું બજેટ તૈયાર કરતાં આવડે છે, પરંતુ રાજકારણીઓ બજેટમાં કાચા પડે છે. તેઓ દેવું વધારતા જ રહે છે. ખર્ચા ઘટાડવા તેઓ તૈયાર  નથી.  

જ્યારથી રેવડી કલ્ચરનો જન્મ થયો છે ત્યારથી બજેટ ખાધની કોઇ ચિંતા કરતું નથી તે દેખાઇ આવે છે. રેવડી કલ્ચરના કારણે સરકાર પર બહુ મોટો આર્થિક બોજો પડે છે, પરંતુ રેવડી કલ્ચરના જોરે  ચૂંટણી જીતવામાં નક્કર મદદ મળે છે  તે દિલ્હી વિધાનસભા જીતીને આમ આદમી પાર્ટીએ સાબિત કરી દીધું હતું. હવે તો બધા રાજકીય પક્ષો હવે રેવડીના રંગે રંગાઈ ગયા છે. તેમની આ તાસીરને કારણે પ્રજાનું માથાદીઠ દેવું સતત વધતું રહે છે. જોકે તેની કોઇ ચિંતા કરતું હોય એમ લાગતું નથી. 

મોંઘવારીમાં પીસાતા કોમનમેનને બજેટમાં બહુ રસ રહેતો નથી, કેમ કે તેને સતત એમ લાગી રહ્યું છે કે મારી ઉપેક્ષા કરવામાં આવી રહી છે. કૃષિલક્ષી બજેટમાં કિસાનોને બહુ રાહત મળે છે, જ્યારે ચૂંટણીલક્ષી બજેટમાં મતદારોને પોતાના રાજકીય પક્ષ તરફ ખેંચવાની વાત હોય છે. કેટલીક સરકારો એન્ટિ-ઇન્કમ્બન્સી નાથવા લોકોને વધુ રાહતો આપીને તેમના દિલ જીતવા મથે છે. મતદારોને આકર્ષવા વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુદા જુદા વિસ્તારોમાં ઊભા કરવાના મુદ્દાને સમાવીને પણ લોકોને સવલતો આપવાનો પ્રયાસ કરાય છે.

બજેટની કમનસીબી એ છે કે વિરોધ પક્ષ માટે તે વિરોધ કરવાનો મુદ્દો છે, જ્યારે સત્તાધારી પક્ષ માટે પોતાનો પાયો મજબૂત કરવાનો મુદ્દો છે. વિપક્ષ સતત દરેક બજેટની ટીકા કરતો આવ્યો છે, પરંતુ મોંઘવારી ઘટાડવા કેવા પગલાં ભરવા જોઇએ તે બાબતનું સૂચન ક્યારેય કરતો નથી. બધા રાજકીય પક્ષો એક માળાના મણકા સમાન છે. 

સત્તાધારી પક્ષના બજેટની ટીકા કરનારા જ્યારે ખુદ સત્તા પર આવે છે ત્યારે તેઓ પણ ચૂંટણીલક્ષી બજેટની દિશા જ પકડે છે. અલબત્ત, બજેટ દર વખતે નખશિખ નબળાં કે ક્ષતિપૂર્ણ જ હોય તે જરૂરી નથી. કેટલીક વાર તેમાં દેશના અર્થતંત્રનો વેગ મળે તેવા પગલાં ભરાયાં હોય છે, ઇન્કમટેક્સમાં રાહત અપાઇ હોય છે વગેરે. કેટલાક બજેટ દિશાવિહીન હોય છે તો કેટલાક ફૂગાવો વધારનારા હોય છે. કરકસરયુક્ત બજેટ ક્યારેય જોયું છે? સરકાર પોતાના રાજાશાહી ઠાઠ છોડે તો પણ ખર્ચમાં બચત થઇ શકે છે અને તે પૈસો મફત શિક્ષણ જેવી કેટલીય લોકકલ્યાણની પ્રવૃત્તિઓ માટે વાપરી શકાય.

બજેટ ઉચ્ચ અધિકારીઓ તૈયાર કરતા હશે, પરંતુ તેમની પાછળ દરેક પક્ષની ગાઇડલાઇન્સ હોય છે. રાજકીય પક્ષો એડવાન્સમાં જ તેમની જરૂરિયાત બતાવી દે છે. અધિકારીઓના હાથ બંધાયેલા હોય છે. દેશના લોકોના માથે વધતા દેવા સામે તેઓ ચેતવણી આપે છે, પરંતુ તેમની સલાહ ભાગ્યે જ અમલમાં મુકાય છે.

લોકોને માત્ર શું સસ્તુ થયું અને શું મોંઘું થયું તેમાં રસ હોય છે. બજેટની સૂક્ષ્મતાઓ જાણવાની, એની લાંબા ગાળાની અસરો સમજવાની તસદી લોકો ખાસ લેતા નથી. સરકારો તેમના હાથી જેવા ખર્ચા ઘટાડીને તેનો ઉપયોગ લોકોને રાહત આપવામાં કરી શકે છે. જોકે રાજાશાહી ઠાઠ સાથે જીવતા રાજકરાણીઓ પાસે ખર્ચ ઘટાડવાની અપેક્ષા રાખવી વધુ પડતી છે.