Get The App

બાંગ્લાદેશના હાથમાં ભારતવિરોધી સ્ક્રીપ્ટ પકડાવી દેનારા નિષ્ફળ જશે

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશના હાથમાં ભારતવિરોધી સ્ક્રીપ્ટ પકડાવી દેનારા નિષ્ફળ જશે 1 - image

- ભારત વિરોધી માળા જપતા કટ્ટરપંથીઓનું વર્ચસ્વ વધી ગયું  છે

- ભારતે વિકસિત દેશોની હરોળમાં બેસવું હશે તો પાડોશી દેશો સાથે હૂંફાળા સંબંધો રાખવા પડશે

- પ્રસંગપટ

ભારતને પાકિસ્તાન તરફથી પાડોશીનું સુખ મળ્યું નથી ને મળવાનું નથી તે હકીકત છે. ભારતનો વધુ એક પાડોશી દેશ બાંગ્લાદેશ ભારતનો દુશ્મન બની ચૂક્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ લશ્કરી સ્તરે ભારતનો સામનો કરી શકે એમ નથી, તેમજ અન્ય ક્ષેત્રોમાં પણ ભારતની બરાબરી કરી શકવાની તેમની ત્રેવડ નથી, છતાં તેઓ ભારતવિરોધી વલણ સ્પષ્ટપણ ેદેખાડે છે. આ બંને દેશોમાં ભારતવિરાધી માળા જપતા કટ્ટરપંથીઓનું વર્ચસ્વ વધી ગયું  છે. 

વૈશ્વિક રાજકારણમાં ભારતનું સ્થાન મજબૂત થતું જાય છે. અમેેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ભારે ટેરિફ સામે બાંયો ચઢાવી ચૂક્યું છે. રશિયાના પ્રમુખ પુટીનની ભારત મુલાકાત પછી બાંગ્લાદેશમાં ભારત વિરોધ જાહેરમાં જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશના કેરટેકર એવા મોહમ્મદ યુનુસના શાસનમાં કટ્ટરપંથીઓ વધુ જોરાવર બન્યા છે. પોતાની કટ્ટરતા તેઓ ભારતનો વિરોધ કરવામાં દર્શાવી રહ્યા છે.

બાંગ્લાદેશમાં થઈ રહેલો ભારતવિરોધ જોઇને આ ગુજરાતી કહેવત આવી જાય છે - દયા ડાકણને ખાય. જ્યારે બાંગ્લાદેશની સ્થાપના થઇ ત્યારે ભારતે બાંગ્લાદેશીઓ પ્રત્યે બહુ ઉદારતા દેખાડી હતી. બાંગ્લાદેશીઓના ધાડેધાડાં ભારતમાં પ્રવેશતા હતા. તેમને નિરાશ્રિત તરીકે ઓળખવામાં આવતા હતા. તેમને રહેવા માટે ભારતે સરહદ પર મોટા ટેન્ટ ઊભા કરાયા હતા અને તેમને મફત જમવાનું પીરસાતું હતું. અમદાવાદની એક સ્વૈચ્છિક સંસ્થા પણ નિરાશ્રિતોની સેવા કરવા સરહદે ટેન્ટ લાગવીને બેઠી હતી.

આજે એ જ બાંગ્લાદેશમાં ભારતના ટુકડા કરવાની વાતો થઇ રહી છે. ભારતની કમનસીબી એ છે કે ભારતના વિરોધીઓને આપણા જ કેટલાક રાજકરાણીઓનો ટેકો મળી રહ્યો છે. આવા લોકોને પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં કોઇ રસ નથી, પરંતુ તેઓ સ્થાનિક સ્તરે પોતાની વોટબેન્ક ઊભી કરીને ખુદ મજબૂત બનવા મથે છે. આવા તકવાદી રાજકારણીઓ કે સત્તાલક્ષી રાજકારણ રમતા લોકો ભારત માટે જોખમી છે.

વૈશ્વિક તખ્તા પર વિકસીત દેશો સાથે પણ ભારતના હૂંફાળા સંબંધો છે, પરંતુ પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે કોઇ વાટકી વ્યવહારના પણ સંબધો નથી. અત્યાર સુધી અમેેરિકાના ખીલે કૂદાકૂદ કરતું બાંગ્લાદેશ હવે પાકિસ્તાનની સોડમાં પેઠું છે. પાકિસ્તાન પોતે દેવામાં  ડૂબેલું છે અને રાજકીય વિવાદોમાં ઘેરાયેલું છે, છતાં તે ભારત વિરોધી ગેમ રમવા બાંગ્લાદેશનો હાથા તરીકે ઉપયોગ કરી રહ્યું છે. 

બાંગ્લાદેશે ભારતવિરોધી ઝેર ઓકવાના બદલે ભારતમાં રહેતા તેમના ભાઇભાંડુઓ સમાન નાગરિકોને પરત બોલાવી લેવા જોઇએ. લાખો બાંગ્લાદેશીઓ ભારતમાં દયાના ધોરણે રહે છે. જોકે નવા કાયદા અનુસાર હજારો બાંગ્લાદેશી ઘૂસણખોરોની હકાલપટ્ટી નિશ્ચિત બની છે.

પાકિસ્તાન કરતાં પણ બાંગ્લાદેશ વધુ ગરીબ છે. અનેકવાર રોટી રમખાણનો ભોગ બનેલું બાંગ્લાદેશ કેરટેકર મોહમ્મદ યુનુસના શાસનમાં વધુ ભૂરાંટુ બનીને ભારતનો વિરોધ કરી રહ્યું છે.

વૈશ્વિક રાજકારણનો ખેલ બહુ વિચિત્ર છે. ભારત વિશ્વમાં સૈાથી વધુ ઝડપે વિકસતું અર્થતંત્ર સાબિત થઇ રહ્યું છે ત્યારે બીજા વિકસિત દેશોને પેટમાં દુખે તે સ્વભાવિક છે.

ભારત વિશ્વમાં ચોથા નંબરનું અર્થતંત્ર બની ચૂક્યું છે ત્યારે તેને ડામાડોળ કરવા ભારતની અંદરના સરકાર વિરોધી તત્ત્વો  અને પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશ જેવાઓને હાથા બનાવીને  અમેરિકા તથા ચીન જેવા કેટલાક દેશો ગેમ રમી શકે છે. 

અનેક વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારત અને બાંગ્લાદેશ સાથે બેસે છે, જેમકે કોમનવેલ્થ, સાર્ક, BIMSTEC, IORA વગેરે. બંને દેશો વચ્ચે સાસ્કૃતિક સંબંધો વિકસ્યા છે. અચાનક બાંગ્લાદેશે  કેમ યુ ટર્ન લીધો તે પણ ચર્ચા માગી લે છે. ભારતે વિકસિત દેશોની હરોળમાં બેસવું હશે તો પાડોશી દેશો સાથે હૂંફાળા સંબંધો રાખવા પડશે.

બાંગ્લાદેશના પેટમાં શું દુખે છે તે એક સવાલ છે. પરંતુ જ્યારે બાંગ્લાદેશની સભાઓમાં ભારતનાં સેવન સિસ્ટર્સ સમાન રાજ્યો પર હુમલાની વાતો કરાય ત્યારે ભારતે લાલ આંખ બતાવવાની જરૂર છે. બાંગ્લાદેશ ભારત પર હુમલાની વાત કરે ત્યારે સમજી લેવું જોઇએ કે તેના હાથમાં ભારત વિરોધી સ્ક્રીપ્ટ પકડાવી દેનાર પડદા પાછળની કોઇ મહાસત્તા છે.